જાતીય શોષણ મુદ્દે WFI પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે આંદોલન કરી રહેલા કુસ્તીબાજો સાથે ચર્ચા કરવા માટે કેન્દ્ર સરકાર ફરી તૈયાર થઇ છે. ભારતના યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કર્યું છે કે, તેમણે કુસ્તીબાજોને પોતાની વાત રજૂ કરવા આમંત્રણ આપ્યું છે.
અનુરાગ ઠાકુરે ટ્વિટર પર લખ્યું હતું કે, “સરકાર કુસ્તીબાજો સાથે તેમના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. મેં ફરી તેમને આ બાબતે વાતચીત કરવા આમંત્રણ આપ્યું છે.”
The government is willing to have a discussion with the wrestlers on their issues.
— Anurag Thakur (@ianuragthakur) June 6, 2023
I have once again invited the wrestlers for the same.
ઉલ્લેખનીય છે કે, કુસ્તીબાજો ગત શનિવારે (3 જૂન, 2023) દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તેમના સરકારી નિવાસ સ્થાને મળ્યા હતા. એના ચાર દિવસ બાદ અનુરાગ ઠાકુરે આ ટ્વીટ કર્યું હતું.
અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે, ગૃહમંત્રી સાથે મુખ્ય કુસ્તીબાજોએ બે કલાકથી વધુ લાંબી મીટિંગ કરી હતી અને ખેલાડીઓએ નિષ્પક્ષ તપાસની માગણી કરી હતી. અમિત શાહે કુસ્તીબાજોને ખાતરી આપી હતી કે કાયદો દરેક માટે સમાન છે. કાયદાને પોતાનો માર્ગ અપનાવવા દો.
બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે એક સગીરા સહિત સાત કુસ્તીબાજો દ્વારા જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને એને લઈને કુસ્તીબાજો છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તાજેતરમાં વિરોધમાં સામેલ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયાએ રેલ્વેમાં તેમની નોકરી ફરી શરુ કરી છે. કુસ્તીબાજોએ જણાવ્યું હતું કે, “અમે રેલ્વેમાં અમારી નોકરી ફરી શરુ કરી છે, પણ પીછેહઠ નથી કરી. અમે ભાવી વ્યૂહરચના પર કામ કરી રહ્યા છીએ.”
ઉલ્લેખનીય છે કે, પહેલવાનો ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંઘ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે અને તેમની ધરપકડની માંગ કરી રહ્યા છે. જોકે, બ્રિજ ભૂષણ શરણ સિંઘે પોતાના પર લાગેલા જાતીય સતામણીના આરોપો નકારી કાઢ્યા હતા.
આ કેસમાં તપાસ કરી રહેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસે સિંઘના સહયોગીઓ અને ઉત્તર પ્રદેશના ગોંડામાં તેમના નિવાસસ્થાને કામ કરતા લોકોના નિવેદનો નોંધ્યા હતા. તો જે સગીરાની ફરિયાદના આધારે WFI પ્રમુખ સામે POCSO ઍક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, તેનું CrPC કલમ 164 હેઠળ નવું નિવેદન નોંધવામાં આવ્યું છે, જે આ કેસમાં નવો વળાંક લાવી શકે છે.
નવા સંસદ ભવન તરફ કૂચ દરમિયાન કુસ્તીબાજોની અટકાયત થઈ હતી
28 મેના રોજ નવા સંસદ ભવનના ઉદ્ઘાટનના દિવસે કુસ્તીબાજોએ નવા ભવન તરફ કૂચ કરીને અવ્યવસ્થા પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી દિલ્હી પોલીસે તેમની અટકાયત કરી હતી અને IPC કલમ 147, 149, 186, 188, 332, 353, PDPP ઍક્ટના સેક્શન 3 હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી. તો દિલ્હીમાં જંતરમંતર ખાતે વિરોધ સ્થળની સફાઈ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ કુસ્તીબાજો પોતાના મેડલ ગંગામાં વહાવી દેવાના લક્ષ્ય સાથે હરિદ્વાર પહોંચ્યા હતા, પરંતુ ખેડૂત નેતા નરેશ ટિકૈતના હસ્તક્ષેપ બાદ આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.