Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇસ્લામિક-પોર્ટુગીઝ શાસકોએ તોડ્યું હતું, શિવાજીએ કરાવ્યું હતું પુનર્નિર્માણ: ગોવાના 350 વર્ષ પ્રાચીન...

    ઇસ્લામિક-પોર્ટુગીઝ શાસકોએ તોડ્યું હતું, શિવાજીએ કરાવ્યું હતું પુનર્નિર્માણ: ગોવાના 350 વર્ષ પ્રાચીન સપ્તકોટેશ્વર મંદિરનું ઉદ્ઘાટન, સરકારે જીર્ણોદ્ધાર કરાવ્યો

    છત્રપતિ શિવાજીએ નિર્માણ કરાવેલા આ મંદિરનો જીર્ણોદ્ધાર ગોવા સરકારના આર્કાઇવ્સ એન્ડ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જેનું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    ગોવા સરકારે તાજેતરમાં 350 વર્ષ પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવતા શ્રી સપ્તકોટેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. આ મંદિર અગાઉ ઇસ્લામી શાસકો અને પોર્ટુગીઝો દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું, ત્યારબાદ છત્રપતિ શિવાજીએ તેનું પુનર્નિર્માણ કરાવ્યું હતું. હવે ગોવાની ભાજપ સરકારે ફરી તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે અને ખુલ્લું મૂક્યું છે. 

    ગત શનિવારે (11 ફેબ્રુઆરી, 2023) ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ નવનિર્મિત શ્રી સપ્તકોટેશ્વર મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મંદિર ઉત્તર ગોવાના નરવે ગામમાં આવેલું છે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના સતારાના ધારાસભ્ય અને શિવાજી મહારાજના વંષક શિવેન્દ્ર રાજે ભોંસલે પણ ખાસ હાજર રહ્યા હતા. 

    ગોવા સીએમ પ્રમોદ સાવંતે કાર્યક્રમમાં જણાવ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજ અને સંભાજી મહારાજે ગોવામાં પોર્ટુગીઝ શાસન દરમિયાન હિંદુ દેવતાઓ અને ધર્મના રક્ષણ માટે બહુ મોટું યોગદાન આપ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું કે, પોર્ટુગીઝો દ્વારા દિવાર ટાપુ પર મંદિર ધ્વસ્ત કરી દેવામાં આવ્યા બાદ આ મંદિરનું નિર્માણ શિવાજી મહારાજે કરાવ્યું હતું. 

    - Advertisement -

    ગોવાના મુખ્યમંત્રીએ એલાન કરતાં કહ્યું હતું કે, પોર્ટુગીઝો દ્વારા અનેક હિંદુ મંદિરો તોડી પાડવામાં આવ્યાં હતાં, જે તમામનો ગોવા સરકાર જીર્ણોદ્ધાર કરાવવા જઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, દિવાર ટાપુ પર જ્યાં મૂળરૂપે મંદિર હતું ત્યાં એક મોટું મંદિર પણ બનાવામાં આવશે. 

    ઇતિહાસકારો અનુસાર, વર્ષ 1352માં બહમણી સુલતાન અલાઉદ્દીન હસન ગંગૂએ કદમ્બ રાજ્ય જીત્યું અને લગભગ 14 વર્ષ સુધી આ રાજ્ય સુલતાનના શાસનમાં રહ્યું. આ સમય દરમિયાન અનેક મંદિરોને નષ્ટ કરી દેવામાં આવ્યાં, જેમાંથી સપ્તકોટેશ્વર મંદિર પણ એક હતું. અહીં શિવલિંગને ખોદી કાઢવામાં આવ્યું હતું.

    વર્ષ 1367માં વિજયનગરના રાજા હરિહરરાયની સેનાએ બહમણી સુલતાનની સેનાને હરાવી દીધી અને સપ્તકોટેશ્વર મંદિર સહિતનાં ઘણાં મંદિરો પુનઃ સ્થાપિત કર્યાં હતાં. 14મી શતાબ્દીના અંતમાં તેનું ફરીથી નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ પછીથી પોર્ટુગીઝ શાસકોએ ફરી તેને ધ્વસ્ત કરી નાંખ્યું હતું. 

    ત્યારબાદ તેને હાલના સ્થળે નરવેમાં ખસેડી દેવામાં આવ્યું હતું. વર્ષ 1668માં છત્રપતિ શિવાજી મહારાજે તેનું નિર્માણ કરાવ્યું હતું. જેના કારણે પોર્ટુગીઝોના શોષણ અને ધર્માંતરણની પ્રવૃતિઓ ઘણે અંશે અંકુશમાં આવી ગઈ હતી. 

    છત્રપતિ શિવાજીએ નિર્માણ કરાવેલા આ મંદિરનો જીર્ણોદ્ધાર ગોવા સરકારના આર્કાઇવ્સ એન્ડ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જેનું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 

    આ મંદિર ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેની નોંધ લીધી હતી અને ગોવા સરકારની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, નરવેમાં શ્રી સપ્તકોટેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર થવાના કારણે યુવાનો આધ્યાત્મિક પરંપરાઓ સાથે વધુ જોડાશે તેમજ ગોવાના પ્રવાસનમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં