થોડા સમય પહેલાં ઉત્તર પ્રદેશમાં રેલવેના પાટા પરથી 2 RPF જવાનોના ક્ષત-વિક્ષત મૃતદેહો મળી આવ્યા હતા. આરોપ હતો કે, દારૂની તસ્કરી કરતી ગેંગ સાથે સંકળાયેલા ઝાહિદે આ બંને જવાનોને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકીને તેમની હત્યા કરી નાખી હતી. ત્યારે હવે ચાલતી ટ્રેનમાં RPF જવાનોને બહાર ફેંકનાર ઝાહિદ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. આરોપી પર પોલીસે એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. તેની પાસેથી હથિયાર પણ મળી આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચાલતી ટ્રેનમાં RPF જવાનોને બહાર ફેંકનાર ઝાહિદ ગાઝીપુર ખાતે થયેલા પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. તે છેલ્લા ઘણા સમયથી ફરાર હતો અને પોલીસ સતત તેને શોધી રહી હતી. દરમિયાન તાજેતરમાં જ નોઇડા અને ગાઝીપુર ATSની ટીમોએ એક સંયુક્ત ઓપરેશન ચલાવ્યું હતું. આ ઓપરેશનમાં સમસમી ગોળીઓ ચાલી અને ઝાહિદ ઠાર મરાયો. બીજી તરફ ATSના બે જવાનો પણ આ એન્કાઉન્ટરમાં ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ એન્કાઉન્ટર સોમવાર (23 સપ્ટેમ્બર 2024)ના રોજ દિલદારનગરના જમાનિયા ક્રોસ રોડ પાસે થયું હતું.
સામસામું ફાયરિંગ, આરોપીનું મોત, 2 જવાન ઘાયલ
આ ઘટના અંગેની તપાસ કરી રહેલી એજન્સી ATSને બાતમી મળી હતી કે, ઝાહિદ અહીં ફરી રહ્યો છે. જેવી ટીમ તેની નજીક પહોંચી કે તેણે તેની પાસે રહેલી પિસ્તોલથી પોલીસ પર આડેધડ ફાયરિંગ કરી દીધું હતું. આ હુમલામાં ATSના 2 જવાન ઘાયલ થયા હતા. બીજી તરફ પોલીસે જવાબી કાર્યવાહી કરતા જ તેને ગોળી વાગી હતી અને ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સ્થાનિક સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પર હાજર તબીબોએ તેને મૃત ઘોષિત કરી દીધો હતો.
આ મામલે ગાઝીપુર પોલીસે X પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે, આરોપીના એન્કાઉન્ટર બાદ તેની પાસેથી એક 32 બોરની પિસ્તોલ અને 2 બોક્સ કારતૂસ તેમજ એક થેલો ભરીને ગેરકાયદેસર દેશી દારુ મળી આવ્યો હતો.
STF यूनिट नोएडा , कोतवाली गहमर जनपद गाजीपुर ,जीआरपी दिलदारनगर पुलिस की संयुक्त टीम द्वारा 100000/- रुपये का इनामिया बदमाश पुलिस मुठभेड़ में मृत जिसके कब्जे से 01 अदद अवैध पिस्टल .32 व 02अदद खोखा कारतूस .32 बोर व 1 बैग अवैध देसी शराब बरामद ।@Uppolice @IgRangeVaranasi pic.twitter.com/fJ0feROko9
— Ghazipur Police (@ghazipurpolice) September 23, 2024
પાટા પરથી મળ્યા હતા રેલવે પોલીસ જવાનોના ક્ષત-વિક્ષત મૃતદેહો
નોંધનીય છે કે, થોડા સમય પહેલાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય દાનાપુર રેલવે સ્ટેશન પાસે આવેલા ગાઝીપુર પોલીસ સ્ટેશનની હદમાંથી રેલવે પાટા પરથી 2 RPF જવાનોના મૃતદેહો મળી આવ્યા હતા. આ મૃતદેહો કોન્સ્ટેબલ પ્રમોદ કુમાર અને જાવેદના હતા. તે બંને ફરજ દરમિયાન ટ્રેન મારફતે થતી ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેવામાં ઝાહિદ અને તેના સાથીઓએ બંને સાથે મારપીટ કરીને તેમને ટ્રેનમાંથી બહાર ધકેલી દીધા હતા. બંને જવાનોના તેમાં મોત નિપજ્યાં હતા. આ મામલે UP પોલીસે અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરી છે. તેવામાં ઝાહિદ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે.