તાજેતરમાં જ ‘ધ હિન્દુ’ના પત્રકાર મહેશ લાંગા (The Hindu’s Journalist Mahesh Langa) સહિતના આરોપીઓની GST કૌભાંડ (GST Scam) મામલે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે આ જ GST કૌભાંડના કેસને લઈને ગુજરાત પોલીસે ગાંધીનગર (Gandhinagar) ખાતે મેરીટાઇમ બોર્ડની (Maritime Board) ઓફિસમાં તપાસ હાથ ધરી છે. આરોપ છે કે મેરીટાઇમ બોર્ડની કચેરીમાંથી કેટલાક બંદરોનો ડેટા લીક (Port data leak) કરવામાં આવ્યો હતો. હાલ પોલીસની 6 ટીમ અહીં તપાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ કાર્યવાહી ગાંધીનગર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ગાંધીનગર પોલીસની 6 ટીમોએ મેરીટાઇમ બોર્ડની ઓફિસમાં તપાસ હાથ ધરી છે. અહીં પોલીસ દ્વારા કોમ્પ્યુટર તેમજ દસ્તાવેજી ડેટા તપાસી રહી હોવાનું સામે આવ્યું છે. આ તમામ કાર્યવાહી લાંગા સહિતના લોકોના ફોનની તપાસ બાદ કરવામાં આવી રહી છે. ખુલાસો થયો છે કે મેરીટાઇમ બોર્ડની કચેરીમાં કાર્યરત કેટલાક અધિકારીઓ આરોપીઓના સંપર્કમાં હતા. તેમના દ્વારા ખાનગી બંદરોના મહત્વપૂર્ણ ડેટા લીક કરવામાં આવ્યા છે.
200 કરોડના જીએસટી કૌભાંડ મામલે ગુજરાત મેરીટાઇમ બોર્ડની ઓફિસમાં પોલીસની તપાસ#Gujarat #BreakingNews #News pic.twitter.com/IX4mW4r0Jh
— Zee 24 Kalak (@Zee24Kalak) October 22, 2024
આ કેસમાં જે મુજબ કાર્યવાહી ચાલી રહી છે, તે જોતા આગામી સમયમાં વધુ ધરપકડો કરવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. પોલીસ દસ્તાવેજો અને કોમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવ્સ સહિતની વસ્તુઓ એકઠી કરીને તેને જપ્ત કરી તેની તપાસ કરી શકે તેવી શક્યતાઓ છે. કાર્યવાહી દરમિયાન જરૂર પડ્યે કેટલાક અધિકારીઓની પૂછપરછ થઈ શકે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે.
હામાં સુધી થયેલ કાર્યવાહી
નોંધવું જોઈએ કે ‘પત્રકાર’ મહેશ લાંગા સહિતના આરોપીઓ પર 220થી વધુ બોગસ કંપની બનાવીને બોગસ બિલીંગ દ્વારા લગભગ ₹200 કરોડના GSTની ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે આ મહિનાની શરૂઆતમાં ડાયરેક્ટર જનરલ ઑફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સે ગુજરાતના વિવિધ સ્થળો પર દરોડા પાડી સમગ્ર કૌભાંડને ઉજાગર કરી લાંગા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી.
8 ઑક્ટોબરે ધરપકડ કરાયેલા 4 આરોપીઓના 10 દિવસ રિમાન્ડ મંજૂર થયા હતા, જેની સમયાવધિ પૂર્ણ થતાં આરોપીઓને જેલભેગા કરી દેવામાં આવ્યા હતા. જેમાં ધ હિન્દુના પત્રકાર મહેશ લાંગા, એજાઝ ઉર્ફે માલદાર ઇકબાલ હબીબ માલદાર, અબ્દુલ કાદર ઉર્ફે બાપુ સમદ જૈનમીયા કાદરી અને જ્યોતિષ મગન ગોંડલીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 13 ઑક્ટોબરના રોજ ધરપકડ કરાયેલા અન્ય ચાર આરોપીઓના પણ 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જેની સમયાવધિ પણ લાંગા સહિતના આરોપીઓ સાથે જ પૂર્ણ થઈ ચૂકી હતી. તેથી તમામ 8 આરોપીને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે આ મામલે ગત 17 ઑક્ટોબરે EDએ પણ તપાસ ચાલુ કરી હતી. અહેવાલો અનુસાર EDએ પણ અલગ-અલગ 23 જગ્યાએ દરોડા પાડીને બોગસ કંપનીઓ બનાવવા સહિતના દસ્તાવેજો કબજે કર્યા હોવાનું સામે આવ્યું હતું. જોકે EDએ આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.