મિશન ચંદ્રયાન અને મિશન આદિત્ય-L1ની સફળતા બાદ હવે અવકાશીય સંશોધન સંસ્થા ઈસરોએ અંતરિક્ષમાં માનવને મોકલવાના મિશન પર કામ શરૂ કર્યું છે. આ મિશન ગગનયાન માટે આજે પ્રથમ પરીક્ષણ યોજનાર હતું પરંતુ પછીથી તે મુલતવી રાખવામાં આવ્યું હતું. ઈસરો પ્રમુખે જણાવ્યું કે ખામીની તપાસ અને આકલન કરીને ફરીથી આ ટેસ્ટિંગ કરવામાં આવશે.
મિશન ગગનયાન માટે પ્રથમ ફ્લાઇટ ટેસ્ટ શનિવારે (21 ઓક્ટોબર) લૉન્ચ કરવામાં આવનાર હતી, જે માટે ઈસરોએ તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી હતી. આ પરીક્ષણ પણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતિષ ધવન સ્પેસ રિસર્ચ સેન્ટર પરથી જ કરવામાં આવનાર હતું અને જે માટે લૉન્ચ સાઇટ પર તમામ તૈયારીઓ પણ કરી દેવાઇ હતી. પહેલાં લૉન્ચિંગનો સમય 8 વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ પછીથી હવામાનના કારણે અડધો કલાક વિલંબ કરીને 8:30 વાગ્યે ફ્લાઇટ રિ-શિડ્યુલ કરવામાં આવી.
#WATCH | Gaganyaan’s First Flight Test Vehicle Abort Mission-1 (TV-D1) launch put on hold at 5 seconds pic.twitter.com/ygOkpdaUx3
— ANI (@ANI) October 21, 2023
8:30 વાગ્યે મિશનની શરૂઆત કરવામાં આવી પરંતુ અમુક કારણોસર રૉકેટ પ્રક્ષેપિત થઈ શક્યું ન હતું. ત્યારબાદ મિશન હોલ્ડ પર મૂકી દેવામાં આવ્યું. પછીથી ISRO ચીફ એસ સોમનાથે જણાવ્યું કે હાલ તેઓ આ મિશનને સ્થગિત કરી રહ્યા છે અને કયા કારણોસર ઇગ્નિશનમાં ખામી સર્જાઇ તેનો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારબાદ ફરીથી આ મિશન લૉન્ચ કરવામાં આવશે. લૉન્ચ વેહિકલ સંપૂર્ણ સુરક્ષિત છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
#WATCH | Gaganyaan’s First Flight Test Vehicle Abort Mission-1 (TV-D1) launch on hold
— ANI (@ANI) October 21, 2023
ISRO chief S Somnath says, The lift-off attempt could not happen today…engine ignition has not happened in the nominal course, we need to find out what went wrong. The vehicle is safe, we… pic.twitter.com/wIosu113oT
શા માટે થઈ રહ્યું છે ટેસ્ટિંગ?
મિશન ગગનયાન એ ભારતનું પ્રથમ માનવમિશન હશે, જેના થકી ઈસરો સ્પેસમાં અંતરિક્ષયાત્રીઓને મોકલશે. આ મિશન હેઠળ 3 અંતરિક્ષયાત્રીઓ પૃથ્વીની 400 કિલોમીટરની કક્ષામાં જઈને અભ્યાસ અને પરીક્ષણ કરીને પરત પૃથ્વી પર ફરશે. મિશનના ફાઇનલ લૉન્ચિંગ પહેલાં અનેક પરીક્ષણો કરવાં જરૂરી છે અને તેના જ ભાગરૂપે આ પરીક્ષણ કરવામાં આવનાર હતું. આ પ્રકારનાં હજુ 3 પરીક્ષણ કરવામાં આવશે.
આ ફ્લાઇટ ટેસ્ટ મિશનને નામ આપવામાં આવ્યું હતું- ટેસ્ટ વેહિકલ ડેવલપમેન્ટ ફ્લાઇટ મિશન- (TV D1 Flight test.) આ ફ્લાઇટ ટેસ્ટ વેહિકલ એબોર્ટ મિશન થકી ગગનયાન મિશનની ક્રૂ એસ્કેપ સિસ્ટમનું પરીક્ષણ કરવાનો ઉદ્દેશ્ય હતો. જેથી અંતરિક્ષયાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
આ મિશન માટે ઈસરોએ સિંગલ સ્ટેજ લિક્વિડ રૉકેટ વિકસાવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, પેલોડ્સમાં ક્રૂ એસ્કેપ સિસ્ટમ, ક્રૂ મોડ્યુલ અને ફાસ્ટ એક્ટિંગ સોલિડ મોટર અને CM ફેરિંગ અને ઇન્ટરફેસ એડપ્ટરનો સમાવેશ થાય છે. મિશન ગગનયાનમાં જે યાનમાં બેસીને અવકાશયાત્રીઓ સ્પેસમાં જશે તેને ‘ક્રૂ મોડ્યુલ’ કહેવામાં આવે છે. જ્યારે ક્રૂ એસ્કેપ સિસ્ટમનો ઉદ્દેશ્ય કોઈ ખામી સર્જાય ત્યારે ઝડપથી ક્રૂ મોડ્યુલને રૉકેટથી અલગ કરવાનો છે.
હવે પછી ફ્લાઇટ ટેસ્ટ થશે ત્યારે એક રૉકેટ મારફતે ક્રૂ મોડ્યુલને પ્રક્ષેપિત કરવામાં આવશે. પૃથ્વીથી લગભગ 17 કિલોમીટર દૂર ગયા બાદ ક્રૂ એસ્કેપ સિસ્ટમ (CES) અને ક્રૂ મોડ્યુલ (CM) છૂટાં પડી જશે અને ધીમેધીમે CM પૃથ્વી તરફ અવરોહણ શરૂ કરશે અને સપાટી તરફ આગળ વધશે. આગલા તબક્કામાં CES પણ છૂટું પડશે અને CM પેરાશૂટની મદદથી દરિયામાં લેન્ડ થશે, જ્યાં ભારતીય નેવી દ્વારા તેને રિકવર કરી લેવામાં આવશે. હાલ આ ક્રૂ મોડ્યુલ ખાલી જ જશે, પરંતુ જ્યારે મિશન લૉન્ચ થશે ત્યારે તેમાં 3 અંતરિક્ષયાત્રીઓને મોકલવામાં આવશે.
આ ટેસ્ટિંગ મિશન ગગનયાન દરમિયાન અંતરિક્ષયાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહ્યું છે. ગગનયાન મિશન હેઠળ ઈસરો 3 અંતરિક્ષયાત્રીઓને પૃથ્વીની 400 કિલોમીટરની કક્ષામાં મોકલશે અને ફરી ધરતી પર પરત લાવશે. આ માટે હજુ અનેક ટેસ્ટ કરવામાં આવશે, જેમાંથી પ્રથમ પરીક્ષણ શનિવારે પૂર્ણ કરવામાં આવ્યું. અગાઉ ઈસરો ચીફ એસ સોમનાથે જણાવ્યું હતું કે, પહેલી ટેસ્ટ વેહિકલ ફ્લાઇટ 21 ઓક્ટોબરે યોજાશે, ત્યારબાદ અમે આ પ્રકારનાં કુલ 3 ટેસ્ટ મિશનની યોજના બનાવી છે. જે ક્રમશઃ પૂર્ણ કરવામાં આવશે.
અપડેટ: પ્રથમ પ્રયાસે પ્રક્ષેપણ ન થઈ શક્યા બાદ ઈસરોના વૈજ્ઞાનિકોએ ગણતરીની મિનીટોમાં ખામી પકડી લીધી હતી અને ફરીથી લૉન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ફ્લાઇટ ટેસ્ટ સફળતાપૂર્વક પાર પડી. જે રિપોર્ટ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.