દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે 2009ની લોકસભા ચૂંટણી દરમિયાન ‘દેશના સંસાધનો પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે’ના નિવેદનનું પુનરાવર્તન કર્યું હતું. જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તત્કાલીન પીએમ મનમોહન સિંઘ પોતાના જૂના નિવેદનને વળગી રહેવાની વાત કરી રહ્યા છે. હવે ભાજપે આ વિડીયો દ્વારા કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે.
ભાજપે વિડીયો મૂકીને કર્યો હુમલો
ભાજપે X પર મનમોહન સિંઘનો એક વિડીયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, “એપ્રિલ 2009માં લોકસભાની ચૂંટણી પહેલા, ડૉ. મનમોહન સિંઘે તેમના નિવેદનનો પુનરોચ્ચાર કર્યો હતો કે દેશના સંસાધનોમાં લઘુમતીઓને, ખાસ કરીને મુસ્લિમોને અગ્રતા મળવી જોઈએ.” તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ પોતાના અગાઉના નિવેદન પર હજુ પણ કાયમ છે જેમાં કહેવાયું હતું કે સંસાધનોની બાબતમાં મુસ્લિમોનો પ્રથમ અધિકાર હોવો જોઈએ.
April 2009: In the run up to Lok Sabha election, Dr Manmohan Singh, reiterated his statement that minorities, especially poor Muslims, should get priority when it comes to the nation’s resources. He categorically stated that he stood by his earlier assertion that Muslims should… pic.twitter.com/sNTYa5WSfM
— BJP (@BJP4India) April 26, 2024
બીજેપીએ આગળ લખ્યું, “ડૉ. મનમોહન સિંઘનું આ સ્પષ્ટ નિવેદન કોંગ્રેસના જુઠ્ઠાણા અને તેમના અગાઉના નિવેદન પર આપવામાં આવેલી સ્પષ્ટતાને ખુલ્લી પાડે છે. તે જ સમયે, આ સાબિત કરે છે કે મુસ્લિમોને પ્રાધાન્ય આપવું એ કોંગ્રેસ પાર્ટીની સ્પષ્ટ નીતિ છે. અનામતથી લઈને સંસાધનો સુધી દરેક બાબતમાં મુસ્લિમોને પ્રાધાન્ય આપવાની કોંગ્રેસની માનસિકતાનો આ બીજો પુરાવો છે.”
આ વિડીયોમાં મનમોહન સિંઘને એમ કહેતા સાંભળી શકાય છે કે, “મેં આ કહ્યું નહોતું (સાંભળી શકાયું નથી)… મેં કહ્યું હતું કે લઘુમતીઓ અને ખાસ કરીને મુસ્લિમ લઘુમતી, જો તેઓ ગરીબ છે તો તેમનો પ્રથમ દાવો છે. દેશમાં, મેં કહ્યું કે તમામ પ્રકારની લઘુમતીઓ અને એ પણ ઉમેર્યું કે ખાસ કરીને મુસ્લિમ લઘુમતીનો અધિકાર છે, હું આ નિવેદન પર અડગ છું.” આ નિવેદનમાં પીએમ મનમોહન સિંઘે તેમના 2006ના નિવેદનની વાત કરી હતી.
2006માં આપ્યું હતું પહેલીવાર આ નિવેદન
મનમોહન સિંઘે ડિસેમ્બર 2006માં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “આપણે લઘુમતીઓ અને ખાસ કરીને મુસ્લિમો માટે આવી યોજનાઓ બનાવવાની છે, જેથી તેઓ સમાન રીતે આપણા વિકાસનો લાભ ઉઠાવી શકે. સંસાધનો પર તેમનો પ્રથમ દાવો હોવો જોઈએ. આ વાત પીએમઓની વેબસાઈટ પર પણ લખેલી છે. આ નિવેદન બાદ ભારે હોબાળો થયો હતો. આ નિવેદન બાદ બીજા દિવસે પીએમઓએ પણ સ્પષ્ટતા રજૂ કરી હતી. જો કે, હવે નવા વિડીયોથી સ્પષ્ટ છે કે પીએમ મનમોહન સિંઘ 2009 સુધી પોતાના નિવેદન પર અડગ હતા.
તેમના આ નિવેદનનો ઉલ્લેખ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ચૂંટણી રેલીમાં કર્યો હતો. મિલકતની પુનઃવહેંચણીના કોંગ્રેસના વાયદા અંગે પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ મહિલાઓ પાસેથી મંગળસૂત્ર છીનવીને તે લોકોમાં વહેંચવા માંગે છે જેમને તે સંપત્તિ પર પહેલો અધિકાર માને છે. આ પછી કોંગ્રેસે ફરીથી આ નિવેદનનું ખંડન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં સફળતા મળી શકી નહીં. હવે મનમોહન સિંઘનો આ વિડીયો સામે આવ્યા બાદ કોંગ્રેસ વધુ ઘેરાઈ ગઈ છે.