અવામી મુસ્લિમ લીગના અધ્યક્ષ અને પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાનખાનનાં મંત્રી મંડળમાં આંતરિક સુરક્ષાનાં મંત્રી રહી ચુકેલા શેખ રાશિદની ધરપકડ કરવામાં આવી છે. શેખ રાશિદ પર પૂર્વ પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવાનો આરોપ છે.
શેખ રાશિદે થોડાં દિવસો અગાઉ આક્ષેપ કર્યો હતો કે આસિફ અલી ઝરદારી ઇમરાન ખાનને મારી નાખવા માટેની યોજના બનાવી રહ્યાં છે. શેખ રાશિદની ધરપકડ થઇ હોવાનાં સમાચારની પુષ્ટિ તેમનાં ભત્રીજા શેખ રાશિદ શફિકે જીઓ ન્યુઝને આપી હતી.
શફિકે કહ્યું હતું કે શેખ રાશિદને તેમનાં ઇસ્લામાબાદની ખાનગી સોસાયટીમાં આવેલાં નિવાસસ્થાનેથી ધરપકડ કરીને લઇ જવામાં આવ્યાં છે.
આ અગાઉ પાકિસ્તાન પિપલ્સ પાર્ટીના ઉપાધ્યક્ષ રાજા ઇનાયત ઉર રહેમાને ઇસ્લામાબાદ ખાતે આવેલા આબપારા પોલીસ સ્ટેશને પાકિસ્તાની બંધારણની વિવિધ કલમો જેવી કે 120-B (ગુનાહિત કાવતરું), 153A (વિવિધ જૂથો વચ્ચે દુશ્મની ફેલાવવી) અને 505 (લોકલાગણી ભડકાવવા માટે નિવેદનો કરવા) હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં કહેવાયું હતું કે શેખ રાશિદે 27 જાન્યુઆરીએ આપેલાં એક ઇન્ટરવ્યુમાં એવો આક્ષેપ કર્યો હતો કે PPPનાં કો-ચેરમેન આસિફ અલી ઝરદારીએ એક આતંકવાદીની મદદ લઇને ઇમરાનખાનને મારવા માટે મોકલ્યો છે.
આ જ દિવસે ઇમરાનખાને પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઝરદારી હવે તેમને મારવા માટે પ્લાન C અમલમાં મૂકી રહ્યાં છે અને તેનો અમલ કરાવવા માટે તેમણે એક આતંકવાદી ગ્રુપની મદદ લીધી છે. ઇમરાનખાને દાવો કર્યો હતો કે તેમની પાસે આ આરોપને પુરવાર કરવા માટે પુરાવાઓ છે અને જરૂર પડે તેઓ તેને રજુ પણ કરશે.
શેખ રાશિદનાં પ્રવક્તા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે શેખ રાશિદના ઘરમાં 300થી 400 પોલીસકર્મીઓ દરવાજા અને બારીઓ તોડીને ઘુસી ગયા હતાં અને તેમનાં સ્ટાફને સખત માર માર્યો હતો. શેખ રાશિદે પણ આ પ્રકારનો દાવો કર્યો છે જેમાં તેમણે કહ્યું છે કે આ પોલીસકર્મીઓ સીડીની મદદથી તેમનાં ઘરમાં ઘુસી ગયા હતાં.
Exclusive talk by Sheikh Rasheed after his illegal arrest: pic.twitter.com/vlCU9ON7Zy
— PTI (@PTIofficial) February 1, 2023
શેખ રાશિદનો દાવો છે કે ઇસ્લામાબાદ હાઈકોર્ટે તેમની ધરપકડ વિરુદ્ધ આપેલી રાહત છતાં તેમની ધરપકડ કરવામાં આવી છે. શેખ રાશિદે કહ્યું છે કે તેઓ પોતાની ધરપકડને કોર્ટમાં પડકારશે.
શેખ રાશિદની ધરપકડ થઇ ત્યાર બાદ પોતે આબપારા પોલીસ સ્ટેશનમાં બેઠાં છે અને સ્મિત કરી રહ્યાં છે તેવો ફોટો પણ તેમણે ટ્વીટ કર્યો હતો.
تھانہ آبپارہ میں pic.twitter.com/wEm0CFmXrS
— Sheikh Rashid Ahmed (@ShkhRasheed) February 1, 2023
શેખ રાશિદ પોતાનાં બટકબોલા સ્વભાવ માટે જાણીતાં છે. જ્યારે તેઓ મંત્રી હતાં ત્યારે તેમણે પાકિસ્તાન પાસે અઢીસો અને પાંચસો ગ્રામના એટમબોમ્બ હોવાનું જણાવ્યું હતું. જ્યારે T20 World Cupમાં ભારતની પાકિસ્તાન સામે હાર થઇ હતી ત્યારે શેખ રાશિદે તેને ઇસ્લામની જીત ગણાવી હતી.