પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હિંદુઓ અને રામ મંદિર વિશે વિવાદાસ્પદ વાતો કહેવામાં આવી છે. પાકિસ્તાની ક્રિકેટર કહે છે કે અયોધ્યાના રામ મંદિરમાં જે હિંદુઓ જશે તે મુસ્લિમ બનીને બહાર આવશે.
વાયરલ વીડિયોમાં મિયાંદાદ કહે છે, “ઇન્ડિયામાં જે કંઈ થઈ રહ્યું છે, જે રીતે ભારતના વડાપ્રધાન મોદી સાહેબે એક ઘણું સારું કામ કર્યું છે….તેમના માટે સારું છે, આપણા માટે તો નહીં, પણ હું ઊંડાણપૂર્વક તમને જણાવું છું કે એક મસ્જિદને મંદિર બનાવી છે. તો ઇન્શાલ્લા મારું ઈમાન છે જે કોઈ પણ મંદિરમાં જશે તે મુસલમાન બનીને બહાર આવશે. કેમ? કારણ કે અમારાં મૂળ હંમેશા રહે છે.” આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં ‘બાબરી મસ્જિદ’ નામે ઓળખાતા ઢાંચાની તસવીર ચાલતી રહે છે.
Pakistan cricket player & coach Javed Miandad on Ram Mandir in Ayodhya. pic.twitter.com/anRL0lGsFI
— Anshul Saxena (@AskAnshul) November 17, 2023
આગળ કહ્યું કે, “અમારા પૂર્વજોએ જ્યાં તબલીગ (મઝહબનો પ્રચાર) કરી છે, ત્યાંથી ચીજો જન્મ લે છે. મને તો આનંદ છે કે કામ તો ખોટું કર્યું, પણ ઇન્શાલ્લા લોકોને ન સમજાયું…પણ મને અલ્લાહ પર ઈમાન છે કે અહીંથી જ મુસ્લિમો ફરીથી ઉદય પામશે.”
જોકે, જાવેદ મિયાંદાદનો આ વિવાદિત વીડિયો હાલનો નથી, ત્રણ વર્ષ પહેલાંનો છે. પૂર્વ પાક. ક્રિકેટરે પોતે 8 ઓગસ્ટ, 2020ના રોજ આ વીડિયો પોતાની યુ-ટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો હતો. અહીં નોંધનીય છે કે 5 ઓગસ્ટ, 2020ના રોજ રામ મંદિરનું ભૂમિપૂજન થયું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાનની પૂજા કરીને મંદિરની આધારશિલા મૂકી હતી.
હવે જ્યારે રામ મંદિર બનીને તૈયાર થઈ રહ્યું છે અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે મિયાંદાદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરીના રોજ યોજાશે, જે માટે PM મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમના હસ્તે ભગવાન ગર્ભગૃહમાં તેમના આસન પર બિરાજમાન થશે. ઉત્તર પ્રદેશ સીએમ યોગી આદિત્યનાથને પણ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
રામ મંદિરના ગર્ભગૃહનું નિર્માણકાર્ય ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. જ્યારે પરિસરનું અન્ય બાંધકામ કાર્ય ચાલુ રહેશે, જે સંપૂર્ણ તૈયાર થતાં હજુ 2 વર્ષ લાગશે તેવી સંભાવના છે. જોકે પ્રાણપ્રતિષ્ઠા બાદ મંદિર દર્શન માટે ખુલ્લું મૂકી દેવામાં આવશે.