1996ના બહુચર્ચિત ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં વિવાદિત પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને દોષી ઠેરવવામાં આવ્યા છે. બુધવારે (27 માર્ચ) તેમને પાલનપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે ચુકાદો સંભળાવ્યો. હવે કોર્ટ સજાનું પણ એલાન કરશે તેમ જણાવવામાં આવી રહ્યું છે.
Gujarat | Former IPS Officer Sanjiv Bhatt convicted in 1996 NDPS case of Palanapur. He was presented before the Palanpur sessions court today.
— ANI (@ANI) March 27, 2024
આ કેસ વર્ષ 1996નો છે. તે સમયે સંજીવ ભટ્ટ બનાસકાંઠા પોલીસના SP હતા. તેમની પોલીસે દાવો કર્યો હતો કે 30 એપ્રિલ, 1996ના રોજ તેમને બાતમી મળી હતી કે પાલનપુરની એક હોટેલમાં રોકાયેલા રાજસ્થાનના એક વકીલ સુમેરસિંઘ રાજપુરોહિત અફીણના વેપાર સાથે સંડોવાયેલા છે. આ કથિત બાતમીના આધારે LCB PI વ્યાસે હોટેલ પર રેડ પાડી હતી અને જે-તે વકીલના રૂમમાંથી 1 કિલો 15 ગ્રામ અફીણ શોધી કાઢ્યું હતું.
પછીથી આ મામલે 3 મે, 1996ના રોજ સુમેરસિંઘની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. પરંતુ પછીથી સામે આવ્યું કે તેમને એક દુકાન ખાલી કરી દેવા માટે દબાણ કરવા માટે ફસાવવામાં આવ્યા હતા અને તે પાછળ SP સંજીવ ભટ્ટ અને અન્ય અધિકારીઓ હતા. ત્યારપછી થયેલી તપાસમાં LCBના ઇન્સ્પેક્ટર વ્યાસ અને SP સંજીવ ભટ્ટની સંડોવણી બહાર આવતાં બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. 2018માં હાઈકોર્ટે આદેશ આપ્યા બાદ બનાસકાંઠામાં કેસ ચલાવવા આવ્યો હતો.
આ મામલે ગુજરાત હાઈકોર્ટે 31 માર્ચ, 2023 સુધીમાં ટ્રાયલ પૂર્ણ કરી લેવા માટે આપેલા આદેશ વિરુદ્ધ ભટ્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ગત ફેબ્રુઆરી, 2023માં સુપ્રીમે આ અરજી ફગાવી દઈને સંજીવ ભટ્ટને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. સંજીવ ભટ્ટે કોર્ટમાં અપીલ કરી હતી કે અત્યાર સુધી 60માંથી માત્ર 16 વ્યક્તિઓનું જ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને એવું કહેવામાં નથી આવ્યું કે બાકીનાનું પરીક્ષણ થશે નહીં. જેથી 31 માર્ચ સુધી કોઈ પણ સંજોગોમાં ટ્રાયલ પૂર્ણ કરવાનો આદેશ યોગ્ય નથી. જોકે, કોર્ટે આ દલીલ માન્ય રાખી ન હતી.
ઉલ્લેખનીય છે કે 1990ના એક કસ્ટોડિયલ ડેથ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ હાલ સંજીવ ભટ્ટ જેલમાં બંધ છે. તેમને આ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ સિવાય સંજીવ ભટ્ટ સામે 2022નાં રમખાણો બાદ ખોટા દસ્તાવેજો બનાવીને તત્કાલીન ગુજરાત સીએમ મોદી અને તેમની સરકાર વિરુદ્ધ કાવતરું રચવા મામલેનો પણ કેસ ચાલી રહ્યો છે, જેમાં તીસ્તા સેતલવાડ અને RB શ્રીકુમાર પણ આરોપીઓ છે. જોકે, આ કેસમાં સંજીવ અને અન્યોને જામીન મળી ગયા હતા.