કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને મનમોહન સરકારમાં રક્ષામંત્રી રહી ચૂકેલા એ.કે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાયા છે. ગુરુવારે (6 એપ્રિલ, 2023) તેઓ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. આ વર્ષની શરૂઆતમાં આવેલી પીએમ નરેન્દ્ર મોદી પરની BBCની વિવાદિત ડોક્યુમેન્ટ્રી અંગે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો, ત્યારથી તેઓ પાર્ટીના નિશાને ચડી ગયા હતા. ત્યારબાદ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું.
ભાજપમાં જોડાયા બાદ અનિલ એન્ટનીએ કહ્યું હતું કે, “આજકાલ કોંગ્રેસના અનેક નેતાઓ મને છે કે એક પરિવારની સેવા કરવી એ જ તેમનો ધર્મ છે, પરંતુ મારો ધર્મ રાષ્ટ્રની સેવા કરવાનો છે.” પોતાના નિવેદનમાં તેમણે તેમ પણ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અમારી પાસે અગામી 25 વર્ષમાં ભારતને એક વિકસિત દેશ બનાવવાનું વિઝન છે અને વડાપ્રધાનના રાષ્ટ્રનિર્માણ કાર્યમાં તેમનો સાથ આપવો તે મારી જવાબદારી અને કર્તવ્ય છે.
#WATCH | “Many of the Congress leaders believe that their duty is to work for a particular family but I believe that my duty is to work for the people. PM Modi has a clear vision to make India a developed country in the next 25 years…”: says Anil Antony, soon after joining BJP pic.twitter.com/G3rTjP0oYG
— ANI (@ANI) April 6, 2023
જાન્યુઆરી મહિનામાં કોંગ્રેસથી છેડો ફાડ્યો હતો
ઉલ્લેખનીય છે કે રાજીનામું આપ્યું તે પહેલાં અનિલ એન્ટની કોંગ્રેસની સોશિયલ મીડિયા વિંગ સંભાળી રહ્યા હતા. BBCએ પીએમ નરેન્દ્ર મોદી પર વિવાદિત ડોક્યુમેન્ટ્રી બનાવીને લૉન્ચ કરી ત્યારબાદ એક તરફ કોંગ્રેસ પાર્ટી સરકાર અને મોદી પર આક્ષેપો કરવામાં લાવી હતી તો બીજી તરફ અનિલ એન્ટનીએ તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, તેનાથી દેશના સાર્વભૌમત્વને અસર પહોંચશે. આ સાથે જ તેમણે BBCની આ ડોક્યુમેન્ટ્રીને ભારત વિરુદ્ધ પક્ષપાતપૂર્ણ પણ ગણાવી હતી. તેમની આ પ્રતિક્રિયા બાદ જ તેઓ કોંગ્રેસીઓની ટીકાનો ભોગ બન્યા હતા.
જાન્યુઆરી મહિનામાં અનિલ એન્ટનીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે BBC દ્વારા વડાપ્રધાન મોદી પર વિવાદિત ડોક્યુમેન્ટ્રીનો વિરોધ કરતું એક ટ્વીટ કર્યું હતું જે બાદ તેઓ કોંગ્રેસના નિશાને આવી ગયા હતા. તેમણે પાર્ટી છોડતી વખતે કહ્યું હતું કે, ‘મારા પર એક ટ્વીટ ડીલીટ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું અને આ તે લોકો જ કરી રહ્યા હતા જેઓ અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાતો કરતા રહે છે.’
ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે અનિલ એન્ટનીનું ભાજપમાં સ્વાગત કરતા કહ્યું કે, તેઓ બહુઆયામી વ્યક્તિત્વ ધરાવે છે. મેં જ્યારે તેમની વિશ્વસનીયતા જોઇ ત્યારે હું ખૂબ જ પ્રભાવિત થઇ ગયો હતો. તેમના વિચારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા જ છે. અમને વિશ્વાસ છે કે તે ખૂબ જ સક્રિય ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખશે અને દક્ષિણ ભારતમાં ભાજપના પદચિહ્નને વધારવામાં મદદ કરશે.