લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ હિંદુઓને લઈને આપેલા નિવેદનનો વિરોધ કરવા એકઠા થયેલા ભાજપ કાર્યકર્તાઓ પર પથ્થરમારો કરવાના કેસમાં ગુજરાત કોંગ્રેસના 5 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજી તરફ, કોંગ્રેસ કાર્યાલયમાં FSLએ તપાસ હાથ ધરી હોવાના અહેવાલ છે તો બાકીના આરોપીઓની શોધખોળ હજુ ચાલી રહી છે.
ઘટનાની વધુ વિગતો જોઈએ તો, રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ ગુજરાત સહિત ઠેકઠેકાણે તેમની વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. અમદાવાદમાં પણ બજરંગ દળ કાર્યકર્તાઓએ સોમવારની રાત્રે (1 જુલાઈ) રાહુલ અને કોંગ્રેસ વિરૂદ્ધ કોંગ્રેસ કાર્યાલયની બહાર પોસ્ટરો ચોંટાડ્યાં હતાં. બીજા દિવસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયની બહાર પ્રદર્શનનું આયોજન કર્યું હતું પરંતુ તેમનો આરોપ છે કે તેઓ પહોંચ્યા ત્યારે તેમની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિસ્થિતિ વણસી હતી. ઘટનામાં અમુક ભાજપ કાર્યકર્તાઓને ઈજા પહોંચી હતી, ઉપરાંત ફરજ પર હાજર પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટના બાદ અમદાવાદ શહેર ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ વિનય દેસાઈએ પોલીસ મથકે જઈને કોંગ્રેસ કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર, મહિલા નેતા પ્રગતિ આહીર, શહેઝાદ પઠાણ, ઇમરાન રફીક શેઠજી, આકાશ સરકાર અને NSUI નેતા સંજય સોલંકીનો સમાવેશ થાય છે. આ સિવાય, એક ફરિયાદ પોલીસકર્મીએ પણ નોંધાવી છે, જે મામલે એલિસબ્રિજ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
બુધવારે (3 જુલાઈ) પોલીસે કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 6 જુલાઈએ સાંજે 4 વાગ્યે તેમને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બીજી તરફ, FSLની એક ટીમ કોંગ્રેસ કાર્યાલય પહોંચી હતી અને પુરાવા એકઠા કર્યા હતા. બનાવના સ્થળે અને કાર્યાલય બંને જગ્યાઓએ તપાસ કરવામાં આવી હતી.
આરોપીઓમાં હર્ષ પરમાર, વિમલ કંસારા, મનીષ ઠાકોર, સંજય બારોટ અને મુકેશ દત્તાણીનો સમાવેશ થાય છે. FIRમાં અન્ય પણ આરોપીઓનાં નામ છે, જેઓ હાલ ફરાર છે. પોલીસ તેમને શોધી રહી છે. બાકીનાને શોધવા માટે CCTV ફુટેજની પણ મદદ લેવામાં આવી રહી છે.
ઘટનાને લઈને ફરિયાદી ભાજપ નેતા વિનય દેસાઈએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “અમારા કાર્યકર્તાઓ ઉભા હતા તે સમયે કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ, તેમણે બોલાવેલા ગુંડાઓએ પથ્થરો, કાંચની બોટલો, લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો લઈને અમારા કાર્યકર્તા પર હુમલો કરી દીધો હતો. તેમને ટોળામાં આવીને પોલીસ દ્વારા ગોઠવેલા બેરિકેટો તોડીને હુમલો કર્યો હતો. આ હુમલામાં અમારા અનેક કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. ઘાયલોમાં 5 લોકોને વધુ વાગી જતા તેમને સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે. ખાલી ભાજપ કાર્યકર્તાઓ જ નહીં, સ્થળ પર હાજર પોલીસના જવાનો પણ ઘાયલ થયા છે. યુવા મોરચાના કાર્યકર્તાઓ માત્ર ને માત્ર શાંતિથી લોકશાહી ઢબે વિરોધ કરી રહ્યા હતા. અમે શૈલેષભાઈ પરમાર, શહેઝાદ પઠાણ સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે.”