એક્ટર સલમાન ખાનના મુંબઈ સ્થિત ઘરની બહાર ગોળીબાર કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. મુંબઈ પોલીસે આ બાબતની પુષ્ટિ કરી છે અને સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.
મુંબઈ પોલીસે જણાવ્યું કે, “આજે સવારે લગભગ પાંચ વાગ્યે બે અજાણ્યા શખ્સોએ સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘરની બહાર ગોળીબાર કર્યો હતો. પોલીસને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની જાણકારી મળી છે. મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.”
Today at around 5 am, two unidentified people opened fire outside the house of actor Salman Khan in Bandra. Police have received information about 3 rounds of firing. Mumbai Police's Crime Branch has reached the spot for investigation: Mumbai Police
— ANI (@ANI) April 14, 2024
(file pic) pic.twitter.com/9eY8qGTtGa
પોલીસ ઉપરાંત ફોરેન્સિક ટીમ પર સ્થળ પર પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. હાલ સલમાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે, તેમજ આસપાસના CCTV કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે, જેથી ગોળીબાર કરનારાઓની ઓળખ કરી શકાય. જાણવા મળ્યા અનુસાર, બંને બાઇક પર આવ્યા હતા અને ગોળીબાર કરીને ભાગી છૂટ્યા હતા.
ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના બની ત્યારે સલમાન ખાન ઘરે જ હતા.
#WATCH | Mumbai, Maharashtra: Visuals from outside actor Salman Khan's residence in Bandra where two unidentified men opened fire this morning.
— ANI (@ANI) April 14, 2024
Police and forensic team present on the spot. pic.twitter.com/fVXgHzEW0J
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ સલમાન ખાનને અનેક વખત જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. ખાસ કરીને ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગ કાયમ સલમાન ખાન પાછળ પડેલી રહે છે. 1998ના ચિંકારાના શિકાર કેસ બાદથી જ સલમાનને ધમકીઓ મળતી રહી છે. નોંધવું જોઈએ કે બિશ્નોઈ સમુદાય માટે આ પ્રાણી ઘણું મહત્ત્વ ધરાવે છે.
ગત વર્ષે NIAએ જણાવ્યું હતું કે, સલમાન ખાન ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના ટાર્ગેટ લિસ્ટમાં સામેલ છે. બિશ્નોઈએ પણ જણાવ્યું હતું કે તેના એક માણસ સંપત નહેરાએ સલમાનના ઘરની બહાર રેકી કરી હતી, પરંતુ પછી તે હરિયાણા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા પકડાઇ ગયો હતો. બીજી તરફ, લૉરેન્સ બિશ્નોઈ હાલ જેલમાં બંધ છે.
ગત વર્ષે 11 એપ્રિલના રોજ સલમાનને ધમકી આપવામાં આવતાં તેમની સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને Y+ સુરક્ષા આપવામાં આવી હતી. જોકે, ત્યારબાદ પણ તેમને અવારનવાર ધમકીઓ મળતી રહી છે.