પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત કરવાની ઘટના સામે આવ્યા બાદ દેશભરમાં તેનો વિરોધ થયો હતો. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ત્વરિત પગલા લઈને મૂર્તિઓને ફરીથી મૂળ સ્થાન પર સ્થાપિત કરવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા અને તે અનુસાર કામ પણ ચાલુ થઈ ગયું હતું. ત્યારે હવે આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી છે કે પાવાગઢમાં જૈન સમુદાયની લાગણી દુભાય તેવી આ હરકત વિરુદ્ધ FIR નોંધી દેવામાં આવી છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમના આધિકારિક X હેન્ડલ પર પોસ્ટ કરીને આ માહિતી આપવામાં આવી હતી. તેમણે X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે પાવાગઢમાં જૈન સમાજની લાગણી દુભાય તે પ્રકારની ઘટનામાં આપવામાં આવેલી ફરિયાદને ધ્યાને રાખીને FIR દાખલ કરી દેવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર આ મામલે આખું વહીવટી તંત્ર ફરીયાદી બન્યું છે અને વહીવટી તંત્ર દ્વારા જ કાયદાકીય કાર્યવાહી માટે FIR નોંધવામાં આવી છે.
#Pavagarh Update
— Harsh Sanghavi (@sanghaviharsh) June 17, 2024
પાવાગઢમાં જૈન સમાજની લાગણી દુભાય તે પ્રકારની ઘટનામાં અપાયેલ ફરિયાદને ધ્યાને લઈને સમગ્ર વહીવટી તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી FIR નોંધવામાં આવી છે.
A legal complaint (FIR) has been filed for disrespecting the idols of Bhagwan Neminath ji in Pavagarh.
શું છે વિવાદ?
આ વિવાદની શરૂઆત રવિવારના (16 જૂન) રોજ થઈ હતી. રવિવારે પાવાગઢ પર્વત ઉપર શક્તિપીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને પાવાગઢ મંદિર ટ્રસ્ટે તોડી નાખી હતી. મંદિર ટ્રસ્ટ યાત્રાળુઓને સારી સુવિધા આપવા માટે વિકાસકાર્ય કરી રહ્યું હતું. જે અંતર્ગત તેમણે મૂર્તિઓને મૂળ સ્થાન પરથી હટાવી દીધી અને ખંડિત કરી દીધી હતી. જેના કારણે જૈન સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
વડોદરા, સુરત સહિત રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં પાવાગઢ પહોંચ્યા હતા. પાવાગઢ નિજ મંદિર જવાના જૂના રસ્તે પ્રતિષ્ઠિત પૌરાણિક મૂર્તિઓ હટાવાતા વિવાદ સર્જાયો છે. જૈન સમાજની એક જ માંગ છે કે, આવું કૃત્ય કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
પાવાગઢમાં મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હોવાની જાણ થતાં જ જૈન સમાજ લાલઘુમ થઈ ગયો હતો. આ મામલે મોડી રાત્રે જૈન સમાજના લોકોએ મોટી સંખ્યામાં સુરત કલેક્ટર ઓફિસે ભેગા થઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે જૈન સમાજના જીન પ્રેમ વિજયજી મહારાજે આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે, “પાવાગઢની ઘટનાનો અમે વિરોધ કરીએ છે. જૈન સમાજ દ્વારા સરકાર સામે બે માંગણીઓ મુકાઈ છે, જેમાં પાવાગઢની ઘટનામાં ગુનેગારોને સખતમાં સખત સજા કરવામાં આવે અને જે જગ્યાએ દેરાસરમાં આ ઘટના બની છે ત્યાં જિર્ણોધ્ધાર કરી જૈન સમાજને જગ્યા સુપરત કરવામાં આવે.”