Monday, June 24, 2024
More
    હોમપેજદેશહવે પત્રકાર અજીત ભારતીની પાછળ પડી કોંગ્રેસ, રાહુલ ગાંધી વિશે કથિત રીતે...

    હવે પત્રકાર અજીત ભારતીની પાછળ પડી કોંગ્રેસ, રાહુલ ગાંધી વિશે કથિત રીતે ‘ફેક ન્યૂઝ’ ફેલાવવાના આરોપસર કર્ણાટકમાં દાખલ થઈ FIR: જાણો શું છે સમગ્ર મામલો

    ફરિયાદમાં અજીત ભારતી પર બે સમુદાયો વચ્ચે ઝેર ફેલાવવાના અને તણાવ પેદા કરવાના પ્રયાસો કરવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે અને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

    - Advertisement -

    પત્રકાર અજીત ભારતી વિરૂદ્ધ કર્ણાટકમાં FIR નોંધવામાં આવી છે. કારણ માત્ર એટલું છે કે તેમણે પોતાના એક વિડીયોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા કરી હતી. બેંગ્લોરમાં આ ગુનો નોંધવામાં આવ્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. સોશિયલ મીડિયા પર વાયુવેગે સમાચાર પ્રસરી ગયા બાદ લોકો કોંગ્રેસની આવી હરકતોની ટીકા કરતા જોવા મળી રહ્યા છે. 

    FIR બેંગ્લોરના શેષાદ્રીપુરમ પોલીસ મથકે શનિવારે (15 જૂન) નોંધવામાં આવી હતી. કલમો IPCની 153A (બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય સર્જવું) અને 505(2) (સમુદાયો વચ્ચે આંતરિક દુશ્મનાવટ સર્જાય એવાં નિવેદન કરવાં) લગાવવામાં આવી છે. ફરિયાદ એક બી. કે બોપન્ના નામના વકીલે નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. જેઓ કર્ણાટક કોંગ્રેસના લીગલ યુનિટના સેક્રેટરી પણ છે. 

    ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો કે પત્રકાર અને લેખક અજીત ભારતીએ પોતાના એક વિડીયોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે જુઠ્ઠાણું ફેલાવ્યું હતું અને દાવો કર્યો હતો કે તેઓ રામ મંદિરના સ્થાને ફરી બાબરી મસ્જિદ બનાવવાના પક્ષમાં છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, રાહુલ ગાંધીએ આવું કોઇ નિવેદન આપ્યું નથી અને અજીત ભારતીના વિડીયોના કારણે બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય સર્જાઇ શકે છે અને તેનાથી શાંતિભંગની પણ શક્યતા છે. આગળ ભારતી પર બે સમુદાયો વચ્ચે ઝેર ફેલાવવાના અને તણાવ પેદા કરવાના પ્રયાસો કરવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે અને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. 

    - Advertisement -

    ખાસ નોંધવા જેવી બાબત એ છે કે સૌથી પહેલાં ઑલ્ટ ન્યૂઝના સ્વઘોષિત ફેક્ટચેકર મોહમ્મદ ઝુબૈરે પોતાના X અકાઉન્ટ પર અજીત ભારતીનો એક વિડીયો પોસ્ટ કરીને તેમને ટાર્ગેટ કર્યા હતા. અજીતના વિડીયોમાંથી એક 40 સેકન્ડની ક્લીપ ઉઠાવી લઈને તેણે લખ્યું હતું કે, ‘રાહુલ ગાંધીએ ક્યારે પોતાના ભાષણમાં કહ્યું કે રામ મંદિર હટાવીને બાબરી મસ્જિદ પુનઃસ્થાપિત કરવામાં આવશે? તેઓ કાયમ આ પ્રકારે ખોટી માહિતી ફેલાવતા રહે છે કારણ કે તેઓ જાણે છે કે ભાજપ તેમને રક્ષણ આપશે અને વિપક્ષ કોઇ કાર્યવાહી કરશે નહીં. ઉલ્લેખનીય છે કે ઝુબૈર વિડીયો ક્લિપમાંથી અમુક ભાગ ઉઠાવી લઈને એજન્ડા ચલાવવા માટે કુખ્યાત છે. 

    જે વિડીયોને લઈને FIR થઈ એ વિડીયો ગત 14 જૂનના રોજ અજીત ભારતીએ પોતાની યુ-ટ્યુબ ચેનલ પર લાઈવ સ્ટ્રીમ કર્યો હતો. જેમાં તેમણે અનેક મુદ્દાઓ પર દર્શકો સાથે ચર્ચા કરી હતી. જેમાં બૉલીવુડ અભિનેતા નસીરુદ્દીન શાહના એક નિવેદનને લઈને વાત કરી હતી. 

    અજીત ભારતીને બોલતા સાંભળી શકાય છે કે, “તેઓ બાળપણના પોતાના અનુભવો જણાવીને કહે છે કે અમને મુસ્લિમ હોવાના કારણે ચીડવવામાં આવતા હતા અને અમે પણ બીજાને ચડવતા હતા. એટલે એવું નથી કે આ બધું પહેલાં થતું ન હતું. ઘણા લોકોને એવું છે કે અચાનક ગુલફામ હસનનું હૃદય પરિવર્તન થયું. પણ તમે એક સારા વક્તા હો તો નેરેટિવને ફેરવીને પોતાની રીતે સેટ કરી શકો છો. તેઓ કહેવા માંગતા હતા કે આ અન્ડરકરંટ હતો અને મોદીએ સત્તામાં આવીને તેનો ઉપયોગ કર્યો.”

    તેઓ આગળ ઉમેરે છે કે, “આપણે માની પણ લઈએ કે મોદીએ એવું કર્યું હોય, પણ મને એક એવું ભાષણ બતાવો જેમાં મોદી કહી રહ્યા હોય કે 15 મિનીટ માટે પોલીસ હટાવી દો તો અમે બતાવી દઈશું કે હિંદુઓ શું કરી શકે છે. અથવા તો મોદી કહી રહ્યા હોય કોઈ સમુદાયનું નામ લઈને કે તેમનાં મજહબી સ્થળોને અમે તોડી નાખીશું, કારણ કે ત્યાં અમારાં મંદિરો હતાં. પણ મોદીએ આવાં નિવેદનો નથી આપ્યાં. કદાચ કોઇ ભાજપ નેતાએ આપ્યાં હશે.”

    આગળ અજીત ભારતી કહે છે કે, “પરંતુ અમુક પાર્ટીઓના સૌથી મોટા નેતાઓ તેઓ આવાં ભાષણો આપી રહ્યા છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે અમે રામ મંદિર હટાવી દઈશું અને બાબરીને ફરીથી લાવીશું. સીધેસીધું બોલવામાં આવે છે. હિંદુઓને આતંકવાદી કહેવામાં આવે છે. પણ બાકીનામાં આતંકવાદનો ધર્મ નથી હોતોની વાત કરવામાં આવે છે.”

    અહીં નોંધવું જોઈએ કે અજીત ભારતીએ રાહુલ ગાંધી વિશે જે કહ્યું તે અગાઉ કોંગ્રેસમાં જ વર્ષો સુધી રહી ચૂકેલા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પણ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું. 6 મેના રોજ આપેલા એક નિવેદનમાં આચાર્ય પ્રમોદે કહ્યું હતું કે, રાહુલ ગાંધી રામ મંદિરનો ચુકાદો પલટવા માંગતા હતા. તેમણે કહ્યું હતું કે, “મેં કોંગ્રેસમાં 32 વર્ષ કામ કર્યું છે અને જ્યારે રામ મંદિરનો ચુકાદો આવ્યો તો રાહુલ ગાંધીએ પોતાના નજીકના સાથી સાથેની બેઠક બાદ કહ્યું હતું કે કોંગ્રેસ સરકાર બને ત્યારે તેઓ એક સુપરપાવર કમિશન બનાવશે અને રામ મંદિરનો ચુકાદો એ જ રીતે પલટાવી દેશે, જે રીતે રાજીવ ગાંધી સરકારમાં શાહબાનો ચુકાદો પલટાવાયો હતો.”

    જેથી અહીં અજીત ભારતી આચાર્ય પ્રમોદ કૃષ્ણમે જે કહ્યું તે જ વાત કરી રહ્યા હતા, જેના કારણે કર્ણાટકમાં FIR નોંધી દેવામાં આવી છે. 

    ઉલ્લેખનીય એ પણ છે કે બે જ દિવસ પહેલાં તેલંગાણાના હૈદરાબાદમાં અન્ય એક જાણીતા દક્ષિણપંથી અકાઉન્ટ @BefittingFacts સામે પણ FIR નોંધવામાં આવી છે. કારણ માત્ર એટલું હતું કે તેમણે કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલનો એક ફોટો પોસ્ટ કર્યો હતો અને પૂછ્યું હતું કે તેઓ આલ્કોહોલ પી રહ્યા છે કે કેમ. તેમની ઉપર કોંગ્રેસ નેતાની છબી ખરડવાનો આરોપ લગાવીને FIR દાખલ કરી દેવામાં આવી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં