હૈદરાબાદમાં એક જાણીતા ટ્વિટર યુઝર સામે FIR નોંધવામાં આવી છે. કારણ તેમની એક સોશિયલ મીડિયા પોસ્ટ છે, જેમાં કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલનો એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો અને પૂછવામાં આવ્યું હતું કે તેઓ દારૂ પી રહ્યા છે કે કેમ. ફરિયાદી કોંગ્રેસ MLC ડૉ. વેંકટ રાવ છે. જ્યારે જેમની સામે FIR થઈ છે તેઓ X (અગાઉનું ટ્વિટર) પર @BefitingFacts હેન્ડલથી અકાઉન્ટ ચલાવે છે અને 3 લાખ 76 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.
FIR બાબતની જાણકારી સ્વયં કોંગ્રેસ પાર્ટીએ પોતાના અધિકારિક X હેન્ડલ પરથી આપી છે. કોંગ્રેસે લખ્યું કે, ‘@BefittingFacts અકાઉન્ટ પરથી ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. કેસી વેણુગોપાલ રેસ્ટોરન્ટમાં આલ્કોહોલ પી રહ્યા હોવાના ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે, જ્યારે તે ખરેખર બ્લેક ટી હતી. આ તેમની છબીને નુકસાન પહોંચાડવા માટે જાણીજોઈને કરવામાં આવ્યું છે.
A fake news is being circulated by the account @BefittingFacts
— Congress (@INCIndia) June 14, 2024
It falsely alleges that the black tea being consumed by Shri @kcvenugopalmp is alcohol in a restaurant. This has been purposely done to malign his image.
We have taken congnisance of this mischief and Congress MLC… pic.twitter.com/D6VDr8FI7M
આગળ પાર્ટીએ કહ્યું કે, અમે આ બાબતનું સંજ્ઞાન લીધું છે અને કોંગ્રેસ MLC ડૉ. વેંકટ નરસિંહ રાવે હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફેક ન્યૂઝને સાંખી લેવામાં આવશે નહીં અને જેઓ પણ જવાબદાર હશે તેમણે પરિણામો ભોગવવાં પડશે. સાથે કોંગ્રેસે FIRની નકલ પણ પોસ્ટ કરી છે.
ફરિયાદ શશાંક સિંઘ સામે નોંધવામાં આવી છે અને તેમની ઉપર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું કે, તેમણે ન માત્ર ખોટા કૅપ્શન સાથે ટ્વિટ કર્યું હતું, પણ સાથે કેરળ પોલીસને ટેગ કરીને કેસી વેણુગોપાલ સામે કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યું હતું. આગળ કહેવામાં આવ્યું કે, “આ આરોપો ગંભીર છે અને ખાસ કરીને એવા સંજોગોમાં જ્યારે તે કેસી વેણુગોપાલ જેવા વ્યક્તિ સામે લાગ્યા છે, જેઓ કોંગ્રેસના અત્યંત સન્માનિત નેતા છે અને હજારો ભારતીયોનું સંસદમાં પ્રતિનિધિત્વ કરે છે.”
.@TheKeralaPolice this restaurant doesnt have licence to sell alcohol. How they are serving alcohol to Congress leaders?@ExciseKerala @CMOKerala @pinarayivijayan https://t.co/tkPewI2Nvc pic.twitter.com/mHildxa9Oh
— Facts (@BefittingFacts) June 13, 2024
જે પોસ્ટને લઈને FIR નોંધવામાં આવી, તે હજુ પણ X પર ઉપલબ્ધ છે. અકાઉન્ટે કેસી વેણુગોપાલનો એક ફોટો પોસ્ટ કરીને સાથે કેરળ પોલીસને ટેગ કરીને લખ્યું હતું કે, “આ રેસ્ટોરન્ટ પાસે આલ્કોહોલ વેચવાનું લાયસન્સ નથી. તો પછી તેઓ કઈ રીતે કૉંગ્રેસ નેતાઓને આલ્કોહોલ પીરસી રહ્યા છે?” સાથે કેરળના એક્સાઈઝ વિભાગ તેમજ CMO અને CM પિનરાઈ વિજયનને ટેગ કરવામાં આવ્યા હતા.
વાસ્તવમાં કેસી વેણુગોપાલ કેરળના વાયનાડ આવેલા રાહુલ ગાંધી સાથે મુસાફરી કરી રહ્યા હતા અને એક ઠેકાણે બપોરનું ભોજન લેવા માટે રોકાયા હતા. તે દરમિયાનનો એક વિડીયો મીડિયામાં સામે આવ્યો હતો, જેનો જ સ્ક્રીનશોટ લઈને X યુઝરે પોસ્ટ કરી હતી.