ફિલ્મ ‘આદિપુરુષ’ શરૂઆતથી જ વિવાદોમાં રહી હતી અને વિવાદો વચ્ચે શુક્રવારે (16 જૂન, 2023) રિલીઝ પણ થઈ ગઈ. પરંતુ, ફિલ્મના વીએફએક્સ, પાત્રોના દેખાવ અને સંવાદોની ખૂબ નિંદા થઈ રહી છે. એમાં પણ હનુમાનજીના પાત્ર દ્વારા બોલાયેલા ડાયલૉગ્સ રોષનું પણ કારણ બન્યા છે. ઉલ્લેખનીય છે કે, ‘આદિપુરુષ’ના ડાયલૉગ્સ મનોજ મુંતશિરે લખ્યા છે. સંવાદોને લઈને વિવાદ સર્જાયા બાદ લેખકે હવે આ અંગે એક નિવેદન આપ્યું છે અને ફિલ્મના ડાયલૉગને યોગ્ય ઠેરવ્યા છે.
હનુમાનજીના જે સંવાદોને લઈને વિવાદ થયો છે તે અંગે મનોજ મુંતશિરે કહ્યું હતું કે, આવા ડાયલૉગ્સ જાણીજોઈને રાખવામાં આવ્યા છે જેથી આજકાલના લોકો તેનાથી જોડાઈ શકે. સામાન્ય વાતચીતની ભાષામાં જ આ લખવામાં આવ્યું છે. ‘આદિપુરુષ’ના ડાયલૉગ્સ પર વિવાદ થયા બાદ મનોજ મુંતશિરે રિપબ્લિક ટીવીને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “માત્ર હનુમાનજીની વાત શા માટે થઈ રહી છે? ભગવાન શ્રીરામના જે સંવાદ છે તેના વિશે પણ વાત થવી જોઈએ. માતા સીતાના જે સંવાદ છે, જ્યારે તેઓ રાવણને પડકાર ફેંકે છે, એ વિશે પણ વાત થવી જોઈએ.”
Manoj Muntashir admits he knowingly and intentionally wrote such Tapori-type blasphemous dialogues for Adipurush.
— BALA (@erbmjha) June 17, 2023
He should have apologised to Hindus for hurting their sentiments instead of defending himself shamelessly. pic.twitter.com/TkFf0QLrAm
મનોજ મુંતશિરે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, “આ ડાયલોગમાં કોઈ ભૂલ નથી થઈ. બજરંગ બલીના ડાયલોગ્સ એક પ્રોસેસમાંથી પસાર થયા છે. અમે તેને એકદમ સરળ રાખવાનો પ્રયત્ન કર્યો છે. એક ફિલ્મમાં બહુ બધા પાત્રો હોય, તો કોઈ એક ભાષામાં વાત ન કરી શકે. એવામાં કંઈક અલગ હોય એ જરૂરી છે.”
‘પહેલી વખત આવા ડાયલોગ્સ નથી લખાયા’
મનોજ મુંતશિરે કહ્યું કે, “રામાયણ આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. અખંડ પાઠ થાય છે, કથાવાચન થાય છે. હું એક નાનકડા ગામમાંથી આવ્યો છું. અમારે ત્યાં દાદી-નાની આ જ ભાષામાં વાર્તા સંભળાવતા હતા. આ જે ડાયલોગ્સનો તમે ઉલ્લેખ કર્યો છે, દેશના મોટા-મોટા સંત, કથાકારો પણ આ જ રીતે બોલે છે. હું પહેલો નથી જેણે આ ડાયલોગ્સ લખ્યા છે.”
હનુમાનજીના કયા ડાયલોગ પર વિવાદ થયો છે?
‘આદિપુરુષ’માં લંકા દહન સમયે હનુમાનજી એક ડાયલોગ બોલે છે કે, ‘કપડા તેરે બાપ કા. તેલ તેરે બાપ કા. આગ ભી તેરે બાપ કી. તો જલેગી ભી તેરે બાપ કી.’ આ સિવાય પણ ફિલ્મમાં એવા ડાયલોગ્સ છે જેને લઈને દર્શકોએ વાંધો દર્શાવ્યો છે. નેટિઝન્સ તેમજ ક્રિટિક્સે પણ ફિલ્મને વખોડી છે.