કોરોનાકાળમાં ‘ખેડૂત’ પ્રદર્શનકારીઓએ લગભગ 1 વર્ષ સુધી દિલ્હીની સરહદોને ઘેરી લીધી હતી. હાલ પણ કેટલાક મહિનાઓથી આ ‘ખેડૂતો’ પંજાબ-હરિયાણાની બોર્ડર પર બેઠા છે. પ્રદર્શનકારીઓની માંગને સ્વીકારીને મોદી સરકારે આ પહેલાં ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચી પણ લીધા હતા. જોકે, હવે આ ‘ખેડૂતો’ને નવા ફોજદારી કાયદાઓથી પણ વાંધો પડ્યો છે. નોંધવા જેવુ છે કે, ભારત સરકારે બ્રિટિશકાળના IPC, CrPC અને IEA કાયદાને રદ કરી દીધા છે. તેની જગ્યા પર હવે ત્રણ નવા કાયદા લાગુ થયા છે. જે ક્રમશઃ ‘ભારતીય ન્યાય સંહિતા’ (BNS), ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા’ (BNSS) અને ‘ભારતીય સાક્ષ્ય અધિનિયમ’ (BSA) તરીકે ઓળખાય છે. આ ‘ખેડૂતો’એ તેના વિરોધમાં 15 ઓગસ્ટે દિલ્હી કૂચની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકારે લાગુ કરેલા 3 નવા ફોજદારી કાયદાથી પણ આ ‘ખેડૂતો’ને સમસ્યા છે. ખેડૂતોને જાહેરાત કરી છે કે, તેઓ 15 ઓગસ્ટે દિલ્હી કૂચ કરશે. ‘કિસાન મજદૂર મોરચા’ અને ‘સંયુકત કિસાન મોરચા’ તરફથી આવી જાહેરાત કરવામાં આવી છે. આ બંને ‘ખેડૂત સંગઠનો’ છે. આ બંને સંગઠનોએ સ્વતંત્રતા દિવસના દિવસે ટ્રેક્ટર માર્ચ કાઢવાનું એલાન કર્યું છે અને એ પણ જાહેરાત કરી છે કે, તેઓ આ ત્રણ ફોજદારી કાયદાઓનો વિરોધ કરે છે. દિલ્હીમાં આ કાયદાની પ્રતિઓ સળગાવવાની યોજના ઘડાઈ રહી છે. બધા ‘ખેડૂતો’ને દિલ્હી પહોંચવા માટેની અપીલ કરવામાં આવી છે.
તેમણે આ વર્ષે આવતા સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ) પર દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચની પણ જાહેરાત કરી છે. 1 ઓગસ્ટે મોદી સરકારનું ‘પૂતળું’ સળગાવવામાં આવશે. તેમજ, MSP (લઘુત્તમ ટેકાના ભાવ) માટે દેશભરના જિલ્લા મથકો પર પ્રદર્શનો પણ કરવામાં આવશે. મહિનાઓનું રાશન લઈને ‘ખેડૂતો’ શંભુ બોર્ડર પર પહોંચવા લાગ્યા છે. પંજાબના ‘ખેડૂત સંગઠનો’એ વધુમાં વધુ લોકોને પ્રદર્શનમાં જોડાવવા માટેની અપીલ કરી છે. ‘ખેડૂતો’એ પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય ટેનીના પુત્ર આશિષ મિશ્રાને જામીન આપવાની પણ ટીકા કરી છે. આશિષ પર લખીમપુરમાં ‘ખેડૂતો’ પર ગાડી ચડાવી દેવાનો આરોપ છે.
પંજાબ-હરિયાણા હાઈકોર્ટે 1 અઠવાડિયાની અંદર શંભુ બોર્ડર ખોલવાનો આદેશ આપ્યો હતો. આ મોરેટોરિયમ 17 જુલાઈના રોજ સમાપ્ત થઈ ગયું છે, પરંતુ હરિયાણા સરકાર આ આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. પંજાબના આ ‘ખેડૂતો’ 13 ફેબ્રુઆરીએ કેટલીક માંગો સાથે દિલ્હી માટે બહાર નીકળી આવ્યા હતા, પરંતુ હરિયાણા સરકારે પટિયાલા અને અંબાલા વચ્ચે શંભુ બોર્ડર તેનો રસ્તો બંધ કરી દીધો હતો. ત્યારથી આ ‘ખેડૂતો’ ત્યાં જ ધામા નાખીને બેઠા છે. નોંધનીય છે કે, 2021માં ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી) પર ખેડૂતોના ટ્રેક્ટર માર્ચ દરમિયાન હિંસા થઈ હતી, લાલ કિલ્લા પર ખાલિસ્તાની ઝંડો ફરકાવ્યો હતો. આ ઉપરાંત વારંવાર આ ‘ખેડૂત આંદોલન’માં ‘ખાલિસ્તાન’ સમર્થકો જોવા મળી રહ્યા છે.