બન્યું એવું હતું કે, કિરપાલસિંહ ગોહિલ નામના INDI ગઠબંધન સમર્થિત વ્યક્તિએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક ફેક વિડીયો વાયરલ કર્યો હતો. આ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે એક વ્યક્તિની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી રહી હતી અને તેની આસપાસમાં લોકો પસાર થઈ રહ્યા હતા. કિરપાલસિંહે પોસ્ટમાં દાવો કર્યો હતો કે, તે વિડીયો સુરતનો છે અને આસપાસમાંથી પસાર થઈ રહેલા વ્યક્તિઓ હત્યા થતી જોઈ રહ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર ‘ગુજરાતની કાયદા વ્યવસ્થા’ના મથાળા સાથે પોસ્ટ કરીને વિડીયો પોસ્ટ કર્યો હતો અને તેને સુરતનો ગણાવ્યો હતો. સુરત પોલીસને આ વિશે જાણ થતાં પોલીસે X પર પોસ્ટ કરીને સ્પષ્ટતા આપી હતી.
સોશિયલ મિડીયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી રહી છે અને લોકો આજુબાજુથી પસાર થઇ રહ્યા છે. આ વિડીયો સુરત શહેરનો હોવાનું જણાવી કિરપાલસિંહ ગોહિલ નામનાં ઇસમે પોસ્ટ કર્યો હતો અને સુરત પોલીસ એક્શનમાં આવી હોવાનું જાણી ડિલીટ કરી નાંખ્યો. (1/2) pic.twitter.com/r8xGggdvan
— Surat City Police (@CP_SuratCity) July 30, 2024
કિરપાલસિંહ નામના શખ્સે પોસ્ટમાં દાવો કર્યો હતો કે, તે વિડીયો સુરતના આંજણા વિસ્તારનો છે અને જે વ્યક્તિની હત્યા થઈ રહી છે તે પત્રકાર છે. જેની 36 ઘા મારીને હત્યા કરવામાં આવી એવી બાબત પણ તેણે લખી હતી. વધુમાં તેણે એવો પણ દાવો કર્યો હતો કે, વિડીયોમાં જે વ્યક્તિની હત્યા થઈ રહી છે તેણે 3 ટપોરીઓ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી જેની અદાવતમાં તેની હત્યા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સુરત પોલીસને આ બાબતની જાણ થતાં પોલીસ તરત હરકતમાં આવી હતી અને સુરત પોલીસે X પર પોસ્ટ કરી આ દાવાને નકારી કાઢ્યો હતો. પોલીસ હરકતમાં આવી એવું જાણ થતાં જ કિરપાલસિંહ નામના શખ્સે વિડીયો ડિલીટ કરી નાખ્યો હતો અને માફી માંગતી પોસ્ટ પણ કરી હતી, જેમાં વિડીયો આંધ્રપ્રદેશનો હોવાનું પણ જણાવ્યુ હતું. પોસ્ટમાં એ વિડીયો તેની પાસે ક્યાથી આવ્યો એ માહિતી આપતા વ્હોટ્સએપની ચેટના સ્ક્રીન શોટ્સ પણ તેણે મૂક્યા હતા.
Clarification!
— Kirpalsinh Gohil (क्षत्रिय) (@kirpalsinh_G) July 30, 2024
Respected sir I have deleted the post at that same movement when i got to know that video is not from gujarat But from the Aandhrapradesh.
My intent was not to defame surat or surat police…
It was a genuine mistake which I accept…. https://t.co/TpAQQRCrA0 pic.twitter.com/PbwgSN1zHJ
સુરત પોલીસે કહ્યું છે કે, આ વિડીયો સુરત તો શું ગુજરાતનો પણ નથી, માત્ર સુરતને બદનામ કરવા અને શહેરની શાંતિને ડહોળવા માટે આવા ઇસમો ફેક વિડીયોનો દુષ્પ્રચાર કરતાં હોય છે. વધુમાં પોલીસે આવા ઇસમો વિરુદ્ધ કડક પગલાં લેવાનું પણ કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસની પોસ્ટ આવ્યા બાદ ઘણા બધા લોકોએ સુરત પોલીસને સોશિયલ મીડિયાના માધ્યમથી જ કિરપાલસિંહ વિરુદ્ધ કડક પગલાં લેવાનું કહ્યું છે. લોકોનું કહેવું છે કે આવો ફેક વિડીયો તેણે આ પ્રથમ વખત નથી મૂક્યો આ અગાઉ પણ તે ગેરમાર્ગે દોરતા વિડીયો મૂકી ચૂક્યો છે. નોંધવા જેવું છે કે, કિરપાલસિંહ INDI ગઠબંધનનો સમર્થક છે. નોંધનીય છે કે કિરપાલસિંહને પોલીસ હરકતમાં આવી છે એ જાણ થતાં તેણે વિડીયો ડિલીટ કરીને પોલીસની માફી માંગતી પોસ્ટ કરી હતી જેમાં તેણે જ સ્પષ્ટ કર્યું છે કે આ વિડીયો આંધ્રપ્રદેશનો છે. સુરતના નામે અગાઉ પણ આવા ફેક વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે.