વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં ન્યૂઝ એજન્સી ANIને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ સાક્ષાત્કારમાં તેમણે કહ્યું હતું કે, ભારતમાં એક દેશ વિરોધી ઈકોસિસ્ટમ કામ કરી રહી છે. જેને ‘ખાન માર્કેટ ગેંગ’ તરીકે ઓળખવામાં આવે છે. વિદેશ મંત્રી એસ જયશંકરે વામપંથી ઈકોસિસ્ટમને ‘ખાન માર્કેટ ગેંગ’ કહી હતી. તેમણે કહ્યું હતું કે, “આ લિબરલ વામપંથી વિચારધારાવાળા લોકોનો સમૂહ છે, જેઓ ચૂંટણી દરમિયાન ભારતને બદનામ કરવાના પ્રયત્ન કરી રહ્યો છે.” દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, આ લોકો પોતાના ફાયદા માટે ભારતના રાજકારણની દિશા પ્રભાવિત કરવા માંગે છે. તેમણે કહ્યું કે, દેશમાં જે રીતે ‘ખાન માર્કેટ ગેંગ’ છે તેવી જ રીતે વિશ્વમાં ‘ઇન્ટરનેશલ ખાન માર્કેટ’ ગેંગ પણ સક્રિય છે. જે બંને એકબીજા સાથે જોડાયેલી છે.
આ ઈન્ટરવ્યુમાં એસ જયશંકરે કહ્યું કે, “પશ્ચિમી મીડિયા અને આ ઇન્ટરનેશનલ ખાન માર્કેટ ગેંગ વચ્ચે સંબંધ છે. આ એક પ્રકારની વામપંથી વિચારધારાવાળા લોકો છે, જે ભારતીય મીડિયામાંથી સમાચારો લઈને ભારતને જ બદનામ કરવાનો પ્રયત્ન કરતા રહેતા હોય છે. દેશમાં એક ખાસ વિચારધારાવાળા લોકો છે, જેમને ખાન માર્કેટ ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. આવી જ રીતે એક ઇન્ટરનેશનલ ખાન માર્કેટ ગેંગ પણ છે અને આ લોકો એકબીજા સાથે સંકળાયેલા છે. તેઓ પોતાને સમાન માને છે. આ ભારત વિરોધી ઈકોસિસ્ટમ વિશ્વ સમક્ષ ભારતની નકારત્મક છબી ઉભી કરે છે અને આ સિસ્ટમના લોકો રાજકારણમાં પણ છે.”
"There is an international Khan Market gang…" alleges EAM Dr S Jaishankar #ANIpodcast #Jaishankar #KhanMarket #2024Polls
— ANI (@ANI) May 24, 2024
Watch Full Episode Here: https://t.co/TqlzH8xZhJ pic.twitter.com/gq0WgnxCOK
વિદેશ મંત્રી એસ જયશંકરે વામપંથી ઈકોસિસ્ટમને ઉઘાડી પાડતાં આગળ જણાવ્યું કે, “જ્યારે ભારતમાં રહેલી ખાન માર્કેટ પાસે મુદ્દા નથી હોતા ત્યારે આ ઇન્ટરનેશનલ ખાન માર્કેટ ગેંગ તેમને મદદ કરે છે. તેઓ ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે છે.” આ સાથે જ વિદેશ મંત્રીએ આ ઈકોસિસ્ટમ સાથે સંકળાયેલા લોકો વિશે વાત કરતા કહ્યું કે, “આ ભારત વિરોધી ઈકોસિસ્ટમમાં મીડિયા, યુનિવર્સિટીઓના પ્રોફેસરો અને થીંક ટેંક પણ જોડાયેલા છે અને ચૂંટણી અને ભારતના મતદારોને પ્રભાવિત કરવાના સતત પ્રયત્ન કરી રહ્યા છે. ચૂંટણીઓ દરમિયાન આ પ્રયત્નો વધુ ઝડપી થઇ જાય છે. તેમની પાસે આ માટે પૂરતી વ્યવસ્થા પણ છે, જે અંતર્ગત પહેલાં વિદેશી મીડિયા કોઈ મુદ્દો ઉઠાવે અને ત્યારબાદ સ્થાનિક મીડિયા અને બાદમાં થિંક ટેંક અને યુનિવર્સિટી સ્તરે ચર્ચાઓ શરૂ થઇ જાય છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “જ્યારે સ્થાનિક ખાન માર્કેટ ગેંગની કમાણી બંધ થઈ જાય છે, ત્યારે ઇન્ટરનેશનલ ખાન માર્કેટ ગેંગને એવું લાગે છે કે, તેણે સ્થાનિક ખાન ગેંગની મદદ કરવી જોઈએ. તેથી તે લોકો કોઈ એક પાર્ટી અથવા નેતાઓને ખૂલીને સમર્થન આપે છે. તેઓ એવા નેરેટિવ બનાવે છે, વસ્તુઓને અમુક રીતે જ રજૂ કરે છે. ગત ચૂંટણીમાં પણ અને કદાચ આ ચૂંટણીમાં પણ તેમણે અમુક પાર્ટીઓને ખૂલીને સમર્થન આપ્યું છે.” તેમણે આરોપ લગાવ્યો કે, આ હરકત ભારતીય રાજકારણ અને મતદાતાની પસંદને પ્રભાવિત કરવાના પ્રયાસો છે.
વિદેશ મંત્રીએ આ દરમિયાન સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજવલ રેવન્ના પર પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે, “MEAને આ સંબંધમાં 21 મે 2024ના રોજ જ કર્ણાટક સરકાર તરફથી આવેદન મળ્યું હતું અને અમે કાયદેસર પ્રક્રિયા અનુસાર જ કામ કરી રહ્યા છીએ.”
ઉલ્લેખનીય છે કે આ દરમિયાન એસ જયશંકરે કહ્યું હતું કે, “દક્ષિણમાં અમારી બેઠકો બે ગણી થશે. અમે દક્ષિણી રાજ્યો, ઓડીશા અને બંગાળના આંકડાઓમાં પણ સુધારો લાવીશું.” સાથે જ કોંગ્રેસના આરોપો પર તેમણે જણાવ્યું કે, “આ દેશમાં અનામત પર હુમલો કોણે કર્યો છે? કોંગ્રેસ પાર્ટી અને INDI ગઠબંધનની અમુક પાર્ટીઓ. કોંગ્રેસ પાર્ટીએ બંધારણમાં સૌથી વધારે સંશોધન કર્યાં છે. તેમ છતાં તેઓ એમ કહી રહ્યા છે કે અન્ય લોકો બંધારણ બદલવા માંગે છે.”