દિલ્હી લિકર પોલિસી કેસ અને તેની સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસ મામલે ધરપકડ કરાયેલા આરોપી વકીલ વિનોદ ચૌહાણ અને અરવિંદ કેજરીવાલ વચ્ચેના સંબંધને લઈને EDએ કોર્ટમાં અનેક દાવા કર્યા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર સુનાવણી હાથ ધરી છે. દરમિયાન જ EDએ દાવો કર્યો કે, તેને અરવિંદ કેજરીવાલ અને આ મામલે આરોપી વિનોદ ચૌહાણ વચ્ચે થયેલા ડાયરેક્ટ મેસેજના પુરાવા મળ્યા છે.
EDએ કોર્ટમાં દાવો કર્યો કે, અરવિંદ કેજરીવાલ અને આરોપી વકીલ વિનોદ ચૌહાણ વચ્ચે થયેલા મેસેજના તેની પાસે પુરાવા ઉપલબ્ધ છે. આ સાથે એવું પણ કહ્યું છે કે, મોકલવામાં આવેલા મેસેજમાં જજોને મળવાની વાતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. EDનું કહેવું છે કે, આરોપી વકીલ વિનોદ ચૌહાણ ગેરકાયદેસર રીતે કમાયેલા રૂપિયાને હેન્ડલ કરી રહ્યા હતા. ED તરફથી દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં મંગળવારે (28 મે, 2024) રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
ED's big charge on Kejriwal in Delhi Court; Vinod Chauhan accused of laundering money | @SrishtiOjha11 tells us more #VinodChauhan #ArvindKejriwal | @nabilajamal_ pic.twitter.com/OHKKkRLSGw
— IndiaToday (@IndiaToday) May 28, 2024
EDએ આ કેસને લઈને વકીલ વિનોદ ચૌહાણ પર ગોવા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP)ને કથિત રીતે લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો. એજન્સીએ જણાવ્યું હતું કે, આરોપી પાસેથી 1.5 કરોડની રોકડ પણ જપ્ત કરવામાં આવી હતી. એજન્સીએ કોર્ટમાં એવો પણ દાવો કર્યો હતો કે, વિનોદ ચૌહાણને સારી રીતે જાણ હતી કે, તે પૈસા દિલ્હી લિકર પોલિસી કૌભાંડની આવક છે. આરોપીએ ગોવા ચૂંટણી માટે હવાલાના માધ્યમથી આ આવક પહોંચાડી હતી.
ED દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર મંગળવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં થયેલી ચર્ચામાં EDએ આમ આદમી પાર્ટી અને તેના સંયોજક અરવિંદ કેજરીવાલને મુખ્ય આરોપી બનાવ્યા છે. EDના વકીલનું કહેવું છે કે, આમ આદમી પાર્ટી અને તેના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બંને આ કેસમાં સામેલ છે.
‘દિલ્હી એક્સાઈઝ કૌભાંડના માસ્ટરમાઇન્ડ છે કેજરીવાલ’
EDની ચાર્જશીટ અંગે કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, આમ આદમી પાર્ટી કંપનીની વ્યાખ્યામાં કેવી રીતે આવે? તેના પર એજન્સીના વકીલે કહ્યું છે કે, “શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ‘વ્યક્તિનું સંગઠન’ છે. રાજકીય પક્ષ એક સંસ્થા છે, વ્યક્તિઓનું સંગઠન છે. ઘણા નિર્ણયોમાં એવું કહેવાયું છે કે, આ પ્રકારનું સંગઠન બનાવવું એ કલમ 19(1) C હેઠળ આપવામાં આવેલા અધિકાર સાથે સંબંધિત છે.”
EDએ વધુમાં કહ્યું કે, અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સાઈઝ કૌભાંડમાં માસ્ટરમાઇન્ડ અને મુખ્ય કાવતરાખોર છે, જેમાં AAP નેતા અને અન્ય વ્યક્તિઓના નામ પણ છે. આમ આદમી પાર્ટી ચૂંટણી પ્રચાર માટે નાણાંનો ઉપયોગ કરવા સહિત અનેક ગુનાહિત પ્રક્રિયાઓમાં સક્રિયપણે સામેલ છે. આ સાથે સુનાવણી દરમિયાન એજન્સીએ આરોપી વિજય નાયરનો પણ ઉલ્લેખ કર્યો છે.