ગુજરાતમાં એસ્સાર ગ્રુપ અને ગુજરાત સરકાર વચ્ચે એક MoU સાઈન કરવામાં આવ્યો છે. જેમાં એસ્સાર ગ્રુપ દ્વારા ગુજરાતમાં વિવિધ કાર્યો માટે ₹55,000 કરોડનું રોકાણ કરાશે. એસ્સાર ગ્રુપ દ્વારા આ રોકાણ ગુજરાતમાં થવા જઈ રહેલા આગામી પ્રોજેક્ટ માટે કરવામાં આવ્યું છે. જેમાં ઉર્જા પરિવર્તન સાથે વિવિધ ક્ષેત્રોમાં કામ કરવામાં આવશે.
અહેવાલો પ્રમાણે ગુરૂવારે (15 ડિસેમ્બર 2023) ગુજરાત સરકાર અને દેશના જાણીતા ઔદ્યોગિક ગ્રુપ એસ્સાર દ્વારા એનર્જી ટ્રાન્સફોર્મેશન, પાવર અને પાર્ટ પ્રોજેક્ટ્સમાં માટે MoU કરવામાં આવ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 પહેલાં એસ્સાર ગ્રુપ ગુજરાતમાં ₹55,000 કરોડનું રોકાણ કરશે.
એસ્સાર ગ્રુપે જણાવ્યું હતું કે તેઓએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024 પહેલાં કુલ ₹55,000 કરોડના રોકાણ અંગે ગુજરાત સરકાર સાથે ત્રણ MoU (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કર્યા છે. આ અંગે વધુ જણાવતા ગુર્પે કહ્યું તેઓ ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરશે જેમાં ઉર્જા પરિવર્તન, પાવર અને પોર્ટ સેક્ટરોમાં રોકાણ કરવામાં આવશે. એસ્સાર ગ્રુપ અને ગુજરાત સરકારનો ઉદ્દેશ સાથે મળીને આ રોકાણ દ્વારા ગુજરાતમાં અંદાજે 10,000થી વધુની રોજગારીની તકો ઉભી કરવાનો છે.
ગુજરાત સરકાર અને એસ્સાર ગ્રુપ આ પહેલાં પણ સાથે મળી ગુજરાતના વિકાસ માટે કાર્યો કરી ચૂક્યા છે. છેલ્લા ચાર દાયકાઓમાં એસ્સાર ગ્રુપ દ્વારા ગુજરાતમાં ઉર્જાક્ષેત્રે ખુબ કામ અને વિકાસ કરવામાં આવ્યો છે. એસ્સાર ગ્રુપ દ્વારા ખાણકામ, ધાતુઓ, ઇન્ફ્રા ક્ષેત્રોમાં ₹1 લાખ કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. ગુજરાતના ઘણા મહત્વના પ્રોજેક્ટ્સમાં એસ્સાર ગ્રુપે રોકાણ કર્યુ છે. જેમાં હજીરા ખાતે સ્ટીલ પ્લાન્ટ, વાડીનારની ઓઈલ રિફાયનરી જેવા મોટા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં ઔદ્યોગિકીકરણને વેગ આપવા અને તેના દ્વારા ગુજરાતમાં વિકાસ અને રોજગારી ઉભી થાય એ માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે રાજય સરકારે સમિટ પહેલાં વિવિધ ઔદ્યોગિક ગ્રુપ્સ સાથે MoU કરવાના ચાલુ કર્યા છે. જેમાં શરૂઆતની 13 શ્રુંખલાઓમાં કરાયેલા 77 MoUમાં ₹35,000 કરોડના સંભવિત રોકાણ થયા હતા. જે પછી 14 શ્રુંખલામાં 23 MOU સાથે આ રોકાણ ₹1 લાખ કરોડ સુધી પહોચી ગયું છે.
આ પહેલાં શેલ એનર્જી ગ્રુપ કરી ચૂક્યું છે MoU, ₹3500 કરોડનું કરશે રોકાણ
આ પહેલાં ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ત્રણ શ્રુંખલામાં ₹3874 કરોડના 14 MoU સંપન્ન થયા હતા. જે અંતર્ગત શેલ એનર્જી દ્વારા રિન્યુએબલ એનર્જી-એલેક્ટ્રીક વ્હીકલ રિચાર્જ સ્ટેશન અને LNG રિગેસિફિકેશન ટર્મિનલ નિર્માણ માટે ₹3500 કરોડનું રોકાણ કરવામાં આવશે. તેનાથી 4300 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પૂરી પાડી શકાશે. ઉર્જા ક્ષેત્રની અગ્રગણ્ય કંપની શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતમાં ₹3500 કરોડનું રોકાણ કરશે.