1975માં ઇન્દિરા ગાંધીએ લાગુ કરેલી કટોકટી પર આધારિત અભિનેત્રી અને સાંસદ કંગના રણૌતની ફિલ્મ ‘ધ ઈમરજન્સી’ સેન્સર બોર્ડમાં અટવાઈ છે અને તેના કારણે હવે નિયત સમયે રિલીઝ નહીં થઈ શકે. ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ અમુક શીખ સંગઠનોએ વાધો ઉઠાવ્યા બાદ સેન્સર બોર્ડમાંથી મંજૂરી મળી રહી નથી, જે ફિલ્મ રિલીઝ માટે ફરજિયાત છે. જેના કારણે ઝી સ્યુડિયોઝ (જેઓ ફિલ્મના કો-પ્રોડ્યુસર છે) દ્વારા બૉમ્બે હાઈકોર્ટ સમક્ષ એક અરજી કરીને ફિલ્મને તાત્કાલિક સર્ટિફિકેટ આપવા માટે સેન્ટ્રલ બોર્ડ ફોર ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તાત્કાલિક કોઇ રાહત આપી નથી.
બૉમ્બે હાઈકોર્ટે સેન્સર બોર્ડને આગામી 18 સપ્ટેમ્બર સુધીમાં આ મામલાનો નિકાલ કરવા માટેના નિર્દેશ આપ્યા છે. જેના કારણે હવે 6 સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થાય તેની સંભાવનાઓ નહિવત છે.
બૉમ્બે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, તેઓ હાલ તાત્કાલિક સેન્સર બોર્ડને કોઇ આદેશ આપી શકે તેમ નથી કારણ કે આ જ વિષયને લઈને એક કેસ મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં પણ ચાલી રહ્યો છે અને ત્યાંની કોર્ટે CBFCને ફિલ્મના ટ્રેલર પર ઉઠાવવામાં આવેલા વાંધાઓને ધ્યાનમાં લઈને સર્ટિફિકેટ પર નિર્ણય કરવા માટે નિર્દેશ આપ્યા છે. આ સંજોગોમાં જો હાલ બૉમ્બે હાઈકોર્ટ CBFCને નવો કોઇ આદેશ આપે તો મધ્ય પ્રદેશ હાઈકોર્ટના આદેશ પર અસર થશે. જોકે, કોર્ટે ઝી સ્ટુડિયોઝની અરજી ફગાવી નથી અને 18 સપ્ટેમ્બર સુધીમાં સર્ટિફિકેટ પર નિર્ણય કરવા માટે સેન્સર બોર્ડને કહેવામાં આવ્યું છે.
સુનાવણી દરમિયાન શું થયું?
ઝી સ્ટુડિયોઝ દ્વારા કોર્ટમાં અરજી કરીને તાત્કાલિક ફિલ્મને સર્ટિફિકેટ આપવા માટેની માંગ કરી છે, જેથી 6 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ રિલીઝ કરી શકાય. બુધવારે (4 સપ્ટેમ્બર) મામલાની સુનાવણી બૉમ્બે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે હાથ ધરી હતી.
પ્રોડક્શન કંપની તરફથી કોર્ટ સમક્ષ દલીલ કરવામાં આવી કે, CBFC દ્વારા નિયત પ્રક્રિયા બાદ એક ઇમેઇલના માધ્યમથી જણાવવામાં આવ્યું હતું કે, ફિલ્મનું સર્ટિફિકેટ મંજૂર કરી દેવામાં આવ્યું છે અને તે મેળવી લેવામાં આવે. પરંતુ જ્યારે ઝી અને મણિકર્ણિકા ફિલ્મ્સે સર્ટિફિકેટ મેળવવા માટે કાર્યવાહી શરૂ કરી તો આપવાની ના પાડી દેવામાં આવી અને પછીથી સામે આવ્યું કે અમુક શીખ સંગઠનોએ ટ્રેલર સામે વાંધો ઉઠાવ્યો છે. ઝીના વકીલે કોર્ટને કહ્યું કે, નિર્માતા એક સાંસદ છે અને સર્ટિફિકેટ મંજૂર કરી દેવામાં આવ્યું હતું. પછી વિરોધ થયો તો બોર્ડે કહી દેવાની જરૂર હતી કે અમે સર્ટિફિકેટ આપી દીધું છે અને તેના કારણે જો અવ્યવસ્થા સર્જાય તો સરકાર પોતાની રીતે નિર્ણય લે. તેઓ એવું ન કહી શકે કે અવ્યવસ્થા સર્જાવાનો ડર છે અને અમે સર્ટિફિકેટ પર ફરી વિચાર કરીશું.
Dhond: Milords, the maker of the film is a sitting MP. They gave her a censor certificate and could have simply said look we have given the censor certificate and now if there is unrest the State can take care of the same. They cannot say that now that there is an unrest we will…
— Live Law (@LiveLawIndia) September 4, 2024
બીજી તરફ, CBFCના વકીલે બચાવમાં દલીલો કરી હતી કે 29 ઑગસ્ટના રોજ જે ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો તે સિસ્ટમ જનરેટેડ ઇમેઇલ હતો. સાથે કહ્યું કે, નિર્માતાઓએ અમુક સંદર્ભો રજૂ કર્યા છે, પરંતુ નિયમો અનુસાર સમિતિએ ફિલ્મ જોઈને તેની ખરાઈ કરવી પડશે. જેની ઉપર કોર્ટે ઉધડો લેતાં કહ્યું હતું કે, “આ દલીલોનો અર્થ એ થાય કે શરૂઆતમાં જ્યારે તમારા અધિકારીઓએ ફિલ્મ જોઈ અને સર્ટિફિકેટ આપ્યું હતું ત્યારે મગજ લગાવ્યું ન હતું. તો તમારા માણસોને કામ કરવા માટે કેમ કહેતા નથી?”
ઝી સ્ટુડિયોઝ તરફથી કહેવામાં આવ્યું કે, 14 ઑગસ્ટના રોજ CBFC દ્વારા જેટલા સુધારા સૂચવવામાં આવ્યા હતા તે કરી દેવામાં આવ્યા હતા. તેમણે ફિલ્મ સીલ પણ કરી દીધી હતી, જેનો અર્થ થાય કે તેમણે નક્કી કરી લીધું હતું કે ફિલ્મ આગળ જવા દેવામાં કોઇ વાંધો નથી. પરંતુ હવે બોર્ડના વકીલ કહી રહ્યા છે કે એ સિસ્ટમ જનરેટેડ ઇમેઇલ હતો, તેનો અર્થ એ થાય કે બધું જ થઈ ગયું હતું અને હવે માત્ર ઔપચારિક રીતે પ્રમાણપત્ર ઇસ્યુ કરવાનું બાકી રહ્યું હતું.
‘માત્ર ચેરમેને હસ્તાક્ષર ન કર્યા હોય તેનો અર્થ એ નથી કે ફિલ્મ સર્ટીફાઈડ નથી’: કોર્ટની ટિપ્પણી
આ દલીલ પર કોર્ટે પણ ધ્યાન આપ્યું હતું અને કહ્યું કે, ‘માત્ર ચેરમેને હસ્તાક્ષર ન કર્યા હોય તેનો અર્થ એ નથી કે ફિલ્મ સર્ટીફાઈડ નથી. એ વિભાગીય કાર્યવાહી છે. તેઓ (સેન્સર બોર્ડ) એવું ન કહી શકે કે અમે ફિલ્મ જોઈ, સીલ પણ કરી દીધી પણ તમારો ચહેરો નથી ગમતો એટલે સર્ટિફાય નહીં કરીએ. આ એવું છે કે ખુલ્લી અદાલતમાં આદેશ પસાર કર્યા બાદ તે ટાઇપ થઈ ગયા પછી હસ્તાક્ષર કરવામાં આવે. અમે જો ખુલ્લી કોર્ટમાં કશુંક કહ્યું ન હોય તો તેની ઉપર હસ્તાક્ષર ન કરી શકીએ.
Dhond: On August 14, I satisfied the CBFC on whatever the examining committee asked me to modify. Whatever changes were asked, I made the changes. They had sealed the film, which means they have taken a view that the film is good to go.
— Live Law (@LiveLawIndia) September 4, 2024
Bench: so the sealed CD is basically the…
સ્ટુડિયોના વકીલે એમ પણ કહ્યું કે, સર્ટિફિકેટ મંજૂર થઈ ગયું છે, પણ આપવામાં આવી રહ્યું નથી, કારણ કે પંજાબ અને દેશના અન્ય કેટલાક ભાગોમાં થોડી અવ્યવસ્થા સર્જાઈ છે. હવે CBFC એક સેન્સર બોડી છે, રાજ્યમાં કાયદો-વ્યવસ્થા જળવવાનું કામ તેમનું નથી. જેની ઉપર કોર્ટે પણ કહ્યું હતું કે, અમુક જૂથો ફિલ્મ જોયા વગર જ કઈ રીતે નક્કી કરી શકે કે તેમાં વાંધાજનક બાબતો છે. CBFC પાસે આ બધી બાબતો નક્કી કરવાનો કોઇ અધિકાર નથી. માત્ર કાયદો-વ્યવસ્થાની સ્થિતિ હોય તેનાથી ફિલ્મ રિલીઝ થતી ન અટકાવી શકાય.
કોર્ટે કેમ તાત્કાલિક આદેશ ન આપ્યો?
જોકે, કોર્ટે સ્પષ્ટ કહ્યું કે MP હાઈકોર્ટના એક આદેશના કારણે તેમાં વિસંગતતા સર્જતો આદેશ પસાર કરી શકાય તેમ નથી. જોકે, ઝી સ્ટુડિયોઝ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે MP હાઇકોર્ટમાં વિષય સર્ટિફિકેટનો નથી, કારણ કે સર્ટિફિકેટ મંજૂર થઈ ગયું છે, પણ રોકી રાખવામાં આવ્યું છે. પરંતુ બૉમ્બે હાઈકોર્ટે કહ્યું કે, આ બાબત મધ્ય પ્રદેશ હાઈકોર્ટને જણાવવાની જરૂર હતી, કારણ કે કોર્ટે CBFCનું એ નિવેદન ગ્રાહ્ય રાખ્યું છે કે ફિલ્મને હજુ સર્ટિફિકેટ મળ્યું નથી. MP હાઈકોર્ટે સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે, જેથી આજે જો અમે આદેશ પસાર કરીશું તો બંને વિસંગતતા ઉભી કરશે.
કોર્ટે આખરે CBFCને સર્ટિફિકેટના વિષય પર નિર્ણય કરવા માટે 14 દિવસનો એટલે કે 18 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. 19 સપ્ટેમ્બરે મામલાની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.