ઈલોન મસ્ક જેઓ Twitterને વધુ માનવીય બનાવવાની મહેચ્છા ધરાવે છે તેમણે હવે આ સોશિયલ મીડિયા પર પોતાનો સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે. ગઈકાલે મસ્ક Twitter હેડક્વાર્ટર પર પહોંચ્યા હતાં અને 44 બિલીયન ડોલર્સમાં ખરીદેલી કંપનીને પૂર્ણપણે હસ્તગત કરી લીધી હતી.
આ અગાઉ મસ્કે એક ટ્વીટ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તોફાનીઓનો અડ્ડો બનાવી રાખવા માંગતા નથી અને જ્યાં ગમે તે વ્યક્તિ માટે ગમે તેમ કહેવાય અને તે અંગે કોઈજ સજાની જોગવાઈ ન હોય. અત્રે એ નોંધનીય છે કે ઈલોન મસ્કની Twitter deal ને પૂર્ણ કરવા માટેનો આજે એટલેકે 28.10.2022 છેલ્લો દિવસ હતો અને તેઓ તેના એક દિવસ અગાઉ જ Twitter હેડક્વાર્ટર પહોંચી ગયા હતાં અને ડીલ પૂર્ણ કરી હતી.
Dear Twitter Advertisers pic.twitter.com/GMwHmInPAS
— Elon Musk (@elonmusk) October 27, 2022
એક રીપોર્ટ અનુસાર ટેસ્લાના માલિક મસ્કે Twitter પર પોતાનો સંપૂર્ણ કાબુ મેળવ્યા બાદ સહુથી પહેલું કામ તેના કેટલાક વિવાદાસ્પદ અધિકારીઓને ફાયર કર્યાં હતાં એટલેકે નોકરીમાંથી કાઢી મુક્યા હતાં. આ અધિકારીઓમાં પ્રમુખ નામ ભારતીય મૂળના પરાગ અગરવાલનું છે જેઓ Twitterના CEO હતાં. આ ઉપરાંત ભારતીય મૂળના એક અન્ય અધિકારી વિજયા ગડ્ડે જેઓ લિગલ, પોલીસી અને ટ્રસ્ટ વિભાગના વડા હતાં અને મુખ્ય નાણાંકીય અધિકારી નેડ સીગલને પણ પાણીચું પકડાવી દેવામાં આવ્યું હતું. આ તમામ પર કંપનીના રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મસ્કે લગાવ્યો હતો.
ઉપરોક્ત અહેવાલ અનુસાર ઈલોન મસ્કના Twitter હેડક્વાર્ટર પહોંચ્યા બાદ અને ડીલને સીલ કર્યાની મીનીટોમાં જ આ ત્રણેય અધિકારીઓને ‘સન્માનપૂર્વક’ હેડક્વાર્ટરની બહાર લઇ જવામાં આવ્યા હતાં.
ઈલોન મસ્કની Twitter હેડક્વાર્ટરની એન્ટ્રી ઓછી નાટકીય નહોતી રહી. તેઓ કિચન સિંકને લઈને અહીં પ્રવેશ્યા હતાં અને ટ્વીટ કરી હતી કે “Entering Twitter HQ – let that sink in!” (Twitter HQમાં પ્રવેશી રહ્યો છું – ચાલો આ લાગણીને ‘ડુબાડી દઈએ’!) ત્યારબાદ મસ્કે પોતાના Twitter Bioમાં પણ ફેરફાર કરીને તેમાં Chief Twit લખ્યું હતું.
Entering Twitter HQ – let that sink in! pic.twitter.com/D68z4K2wq7
— Elon Musk (@elonmusk) October 26, 2022
ઈલોન મસ્કની Twitterની ખરીદી ખાસ્સી ભાવનાત્મક રહી છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની કેટલીક નીતિરીતિઓના મસ્ક પહેલેથી જ પ્રખર વિરોધી રહ્યાં હતાં આ જ પ્લેટફોર્મ પર તેઓ પોતાના વિચારો અને વિરોધ બેધડક વ્યક્ત કરતા હતાં અને છેવટે તેમણે આ કંપનીને જ ખરીદી લીધી જે તેમના મતે અભિવ્યક્તિની સંપૂર્ણ આઝાદી તમામ યુઝર્સને નહોતી આપતી.
ગુરુવારે ઈલોન મસ્કે કહ્યું હતું કે તેઓ Twitterને એટલા માટે ખરીદી રહ્યાં છે કારણકે તેઓ માનવતાને વધુ મદદ કરવા માંગે છે કારણકે તેઓ માનવતાના ગુણને અનહદ પ્રેમ કરે છે.