અમેરિકન અબજોપતિ ઈલોન મસ્ક દ્વારા માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટર ખરીદી લેવામાં આવ્યા બાદ સાઈટમાં થનાર ફેરફારોને લઈને સતત નવી-નવી જાણકારીઓ સામે આવી રહી છે. હવે બહાર આવેલી જાણકારી અનુસાર કેટલાક લોકો ટ્વીટરનો નિ:શુલ્ક ઉપયોગ કરી શકશે નહીં અને તે માટે તેમણે ટ્વીટર કંપનીને નિશ્ચિત કિંમત ચૂકવવી પડશે.
ઈલોન મસ્કે ચોથી મેના દિવસે કરેલા એક ટ્વીટમાં ટ્વીટરના કમર્શિયલ ઉપયોગ અને સરકારી ગ્રાહકો માટે અમુક કિંમત નક્કી કરવા મામલે જાણકારી આપી હતી. જોકે, આ સિવાયના સામાન્ય ગ્રાહકો માટે ટ્વીટરની સેવા બિલકુલ મફત હશે. તેમણે લખ્યું, “સામાન્ય યુઝરો માટે ટ્વીટર વાપરવું નિ:શુલ્ક જ રહેશે. પરંતુ તેના કમર્શિયલ ઉપયોગ અને સરકારી કામો માટે ઉપયોગ કરનારાઓએ તેની કિંમત ચૂકવવી પડે તે શક્ય છે.”
Twitter will always be free for casual users, but maybe a slight cost for commercial/government users
— Elon Musk (@elonmusk) May 3, 2022
આ ટ્વીટ બાદ ઘણાં લોકો ઈલોન મસ્ક સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ કેટલાક લોકો ઈલનના આ નિર્ણયની ટીકા કરતા લોકોની પ્રતિક્રિયાની મજાક પણ ઉડાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે ઈલોન મસ્ક વામપંથીઓ માટે નવા ટ્રમ્પ બનતા દેખાઈ રહ્યા છે.
Elon Musk is quickly becoming the new Trump for the Left so I will be sure to tweet about him even more now. 😊
— Amanda 🇺🇸🦅 (@AmandaLarreni) May 3, 2022
ઉલ્લેખનીય છે કે ટ્વીટર ખરીદી લીધા બાદ ટેસ્લા કંપનીના પ્રમુખ ઈલોન મસ્ક તેમાં ફેરફારો કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અગાઉ વિવિધ ટ્વીટસ દ્વારા તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ ટ્વીટરની જૂની નીતિઓની વિરુદ્ધ છે. આ ઉપરાંત સાચી બાબતો બતાવવા પર મીડિયા સંસ્થાનોને બ્લોક કરવામાં આવતા હતા તે મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો. જે બાદ સામે આવ્યું હતું કે જલ્દીથી જ તેઓ ટ્વીટરમાં એડિટ બટનનું ફીચર લાવવા માટે પણ કામ કરી રહ્યા છે. નોંધવું જોઈએ કે ટ્વીટર પર એડિટ બટન હંમેશા ચર્ચાનો વિષય રહે છે અને દુનિયાભરના યુઝરો આ ફીચરની માંગ છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે.
આ ઉપરાંત, એવા પણ સમાચારો મળ્યા હતા કે ઈલોન મસ્ક ટ્વીટરની મેનેજમેન્ટ ટીમથી ખુશ નથી અને જેથી તેઓ અધિકારીક રીતે માલિક બન્યા બાદ ટીમ પણ બદલી નાંખવામાં આવશે. આ ઉપરાંત ઈલોન મસ્ક કંપનીના સીઈઓ બદલવા માટે પણ વિચારી રહ્યા છે. તેમજ ટ્વીટરના લીગલ હેડ અને ટ્રમ્પનું અકાઉન્ટ બેન કરનાર વિજયા ગડ્ડેની પણ હકાલપટ્ટી કરવામાં આવે તેવી શક્યતા છે.
અહેવાલો અનુસાર, ઈલોન મસ્ક અત્યારથી જ ટ્વીટરના નવા સીઈઓની શોધમાં લાગી ગયા છે. જેથી પરાગ અગ્રવાલના પદ પર હાલ સંકટ તોળાઈ રહ્યું છે. જો મસ્ક પરાગને 12 મહિના પહેલાં જ પદ પરથી હટાવી દેશે તો તેમણે પરાગ અગ્રવાલને 42 કરોડ ડોલર આપવા પડશે. જોકે, આ અંગે હજુ સુધી કંપનીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.
બીજી તરફ, વર્ષ 2011 થી ટ્વીટર સાથે જોડાયેલાં વિજયા ગડ્ડેને પણ કંપનીમાંથી હટાવવામાં આવી શકે છે. તેમના વિશે કહેવાય છે કે ટ્વીટર વેચાઈ ગયા બાદ તેમણે એક ટીમ મીટીંગ કરી હતી અને તેમાં તેઓ કંપનીના ભવિષ્યની ચિંતા કરતાં રડી પડ્યાં હતાં. તેમણે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટર અકાઉન્ટ બેન કરવામાં પણ અગત્યની ભૂમિકા ભજવી છે.