એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આઠમું સમન મોકલ્યું છે. આ પહેલાં ED તેમને સાત વાર સમન મોકલી ચૂકી છે, પરંતુ કોઈને કોઈ કારણોસર દિલ્હીના મુખ્યમંત્રી ED સમક્ષ હાજર થયા નથી. હવે આઠમું સમન અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધારી શકે છે. EDએ સીએમ કેજરીવાલને 4 માર્ચ, 2024ના રોજ તેમની સામે હાજર થવા જણાવ્યું છે. ઇડી બહુ ચર્ચિત દારૂ કૌભાંડ મામલે તેમની તપાસ કરવા માંગે છે.
The Enforcement Directorate has issued 8th summon to Delhi CM and AAP national convenor Arvind Kejriwal asking him to appear on March 4.
— ANI (@ANI) February 27, 2024
(file pic) pic.twitter.com/5jHYn4oDD6
આ પહેલાં સોમવારે (26 ફેબ્રુઆરી, 2024) EDએ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા. પરંતુ તેઓએ હાજર થવાની ના પાડી દીધી હતી. આ સમન તેમને 22 ફેબ્રુઆરીએ મોકલવામાં આવ્યું હતું. આ મામલે સુનાવણીમાં તેમણે એજન્સીને કહ્યું હતું કે, તેમને વારંવાર સમન મોકલવામાં ન આવે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, આ મામલો કોર્ટમાં છે તેથી કોર્ટના નિર્ણય બાદ જ તેને આગળ વધારવામાં આવે. તેમણે કહ્યું કે જો કોર્ટનો આદેશ આવશે તો તેઓ ED સમક્ષ હાજર થઈ જશે. નોંધનીય છે કે આ મામલે આગામી સુનાવણી 16 માર્ચે થવાની છે.
દિલ્હીના મુખ્યમંત્રીએ ભૂતકાળમાં 7 વખત અલગ-અલગ કારણો આપીને EDની પૂછપરછ ટાળી છે. EDએ 14 ફેબ્રુઆરીએ સમન જારી કરીને કેજરીવાલને 19 ફેબ્રુઆરીએ હાજર થવા જણાવ્યું હતું. પરંતુ તે દિવસે કેજરીવાલ વિધાનસભામાં વિશ્વાસ મત લાવ્યા હતા.
EDએ 3 ફેબ્રુઆરી, 2024ના રોજ અરવિંદ કેજરીવાલને અનેક વાર સમન પાઠવાયા હોવા છતાં હાજર ન થવાથી કંટાળીને કોર્ટનો રસ્તો અપનાવ્યો હતો. કેન્દ્રીય એજન્સીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર સામાન્ય જનતા સમક્ષ ખોટું ઉદાહરણ બેસાડવાનો આરોપ લગાવ્યો હતો.
નવેમ્બર 2023માં જ્યારે EDએ કેજરીવાલને સમન પાઠવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે, તેઓ મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા છે. જોકે, તેમની પાર્ટી મધ્ય પ્રદેશમાં 90% બેઠકો પર તેમની ડિપોઝીટ રકમ પણ બચાવી શકી ન હતી. ત્યાર બાદ જ્યારે તપાસ એજન્સી દ્વારા તેમને ડિસેમ્બરમાં બોલાવવામાં આવ્યા, ત્યારે તેમણે કહ્યું કે તે વિપશ્યના માટે પંજાબ જઈ રહ્યા છે. એટલા માટે તેઓ આવી શકશે નહિ.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ED દ્વારા મોકલવામાં આવેલા દરેક સમનને રાજકીય ષડયંત્ર ગણાવી રહ્યા છે. તે એવો પણ સવાલ કરી રહ્યો છે કે ED કઈ હેસિયતથી મુખ્યમંત્રીને પૂછપરછ માટે બોલાવે છે. અરવિંદ કેજરીવાલ કાયમ કહેતા રહ્યા છે કે તેમની ધરપકડ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. જેથી તેઓ લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટી AAP માટે પ્રચાર ન કરી શકે.
ઉલ્લેખનીય છે કે કેજરીવાલ પહેલા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન પણ EDને ટાળતા રહ્યા હતા. EDએ તેમને 10 વખત પૂછપરછ માટે બોલાવ્યા હતા. તેઓ પણ એમ જ કહી રહ્યા હતા કે આ સમન પાછળ રાજકીય ષડયંત્ર છે. 31 જાન્યુઆરીએ જ્યારે ED દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે તેમણે રાજીનામું આપી દીધું હતું. જે પછી EDએ તેમની ધરપકડ કરી હતી.