દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ EDએ દાખલ કરેલી ચાર્જશીટનું ટ્રાયલ કોર્ટે મંગળવારે (9 જુલાઈ) સંજ્ઞાન લીધું હતું. આ ચાર્જશીટમાં કેજરીવાલ સિવાય આરોપી તરીકે આમ આદમી પાર્ટીનો પણ ઉલ્લેખ છે. કોર્ટે ચાર્જશીટ રેકર્ડ પર લઈને આગામી 12 જુલાઇના રોજ કેજરીવાલને હાજર કરવાનો નિર્દેશ કર્યો છે.
મીડિયામાં આ ચાર્જશીટને લગતી વિગતો પણ સામે આવી છે. જેમાં એજન્સીએ જણાવ્યું છે કે લિકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલ અને આમ આદમી પાર્ટી બંનેની ભૂમિકા જાણવા મળી છે અને તે માત્ર આરોપ નથી પરંતુ પુરાવા પણ છે. EDએ કેજરીવાલને આ કેસમાં ‘કિંગપિન’ ગણાવ્યા છે. કેજરીવાલનો ક્રમ આરોપીઓમાં 37મો છે, જ્યારે 38મો ક્રમ આમ આદમી પાર્ટીનો છે. ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ રાજકીય પાર્ટી ભ્રષ્ટાચારના કેસમાં આરોપી બની છે.
ચાર્જશીટમાં EDએ જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીને દક્ષિણના ગ્રુપ તરફથી જે ₹100 કરોડની લાંચ મળી હતી, તેમાંથી ₹45 કરોડ રૂપિયા આમ આદમી પાર્ટીને હવાલા થકી પહોંચાડવામાં આવ્યા હતા. આ પૈસાનો ઉપયોગ પછીથી ગોવા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રચાર માટે કરવામાં આવ્યો હતો. ઇન્ડિયા ટુડેએ રિપોર્ટમાં ચાર્જશીટ મેળવી હોવાનું જણાવીને આ વિગતો પર પ્રકાશ પાડ્યો છે.
એજન્સીએ જણાવ્યું કે, “AAP આદમી પાર્ટી આ ગુનામાં ‘લાભાર્થી’ તરીકે રહી છે, જેને હવાલા થકી ₹45 કરોડ મળ્યા હતા, જે ગોવા પહોંચાડવામાં આવ્યા હતા. આ રીતે અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતાવાળી AAP પણ ગતિવિધિઓમાં સામેલ છે તેમ કહી શકાય.” EDએ જણાવ્યું કે, જે પૈસા હવાલા થકી પહોંચ્યા હતા તેનો કારભાર ચરણપ્રીત સિંઘ નામના એક વ્યક્તિએ કર્યો હતો. જેના માટે તે ગોવામાં આમ આદમી પાર્ટીના પ્રચાર અભિયાનમાં જોડાયો હતો અને પાર્ટી તરફથી ₹1 લાખ આપવામાં આવ્યા હતા.
Court takes cognizance of ED Chargesheet on Liquor excise policy case that alleges that key accused and jailed Vinod Chauhan, a “close associate” of Kejriwal, not only handled the transfer of ₹25.5 crore bribe money for AAP from Delhi to Goa but was “also managing postings of… pic.twitter.com/s405iYdahR
— Rahul Shivshankar (@RShivshankar) July 10, 2024
EDએ ચાર્જશીટમાં એમ પણ જણાવ્યું છે કે, અરવિંદ કેજરીવાલનો નજીકનો માણસ વિનોદ ચૌહાણ હવાલા ટ્રેડર્સ સાથે સીધી રીતે વાતચીત કરતો હતો. ચૌહાણે ગોવા ચૂંટણી માટે કુલ ₹25 કરોડ રૂપિયા ફેરવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગત મે મહિનામાં એજન્સીએ તેની ધરપકડ કરી લીધી હતી. EDએ વિનોદ ચૌહાણની કેજરીવાલ સાથેની અમુક ચેટ્સ પણ જાહેર કરી છે. જણાવવામાં આવ્યું કે, સાઉથ ગ્રુપના એક વ્યક્તિએ અશોક કૌશિક મારફતે રોકડા પૈસાની બે બેગ મોકલી હતી, જે વિનોદ પાસે પહોંચી હતી. તે દિલ્હી જલ બોર્ડમાં પોસ્ટિંગમાં તેમજ મુખ્યમંત્રી સાથે બેઠકો ફિક્સ કરવામાં પણ સામેલ હતો તેવું જાણવા મળ્યું છે.
અગત્યનો ખુલાસો કરતાં એજન્સીએ કેજરીવાલ અને મનીષ સિસોદિયાના પૂર્વ સેક્રેટરી સી અરવિંદ વચ્ચેની ચેટ્સ પણ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી, જેમાં જણાવાયું છે કે કઈ રીતે કેજરીવાલે તપાસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કર્યા હતા. EDએ એમ પણ જણાવ્યું કે બહુ મોટા પ્રમાણમાં આ કેસને લગતા પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો છે.