રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ડમી કાંડને લઇને એક પછી એક વિસ્ફોટક ખુલાસો થઈ રહ્યાં છે. ત્યારે હવે ડમી કાંડના વધુ બે આરોપીઓને SITની ટીમે ઝડપી પાડ્યા છે. SITની ટીમે આ ધરપકડ તળાજાથી કરી છે. આ મામલે કુલ 36 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, તેમાંથી 17 ઝડપાયા છે જ્યારે એ FIRમાં ઉલ્લેખ ન હોય તેવા 22 આરોપીઓ સહિત કુલ 39 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડમી કાંડના વધુ 2 આરોપીઓને SITની ટીમે તળાજાથી ઝડપી પાડ્યા બાદ વધુ નવા ખુલાસો થાય તેવી સંભાવનાઓ છે.
મળતી માહિતી પ્રમાણે, ભાવનગરમાં થયેલા મોટા ડમી કાંડના વધુ 2 આરોપીઓને SITની ટીમે તળાજાથી ઝડપ્યાં તેમાં કૌશીક મહાશંકર જાની અને રાજુ ઉર્ફે રાજ ગીગાભાઇ ભાલીયાનો સમાવેશ થાય છે, આ બન્ને તળાજાના જ સ્થાનિક રહેવાસી છે. ડમી કાંડમાં પકડાયેલ બન્ને આરોપીઓ જે 36 લોકો વિરુદ્ધ નોંધાયેલી FIR નોંધાઈ છે તે પૈકીના છે. SIT ટીમ ડમી કાંડમાં અત્યાર સુધીમાં 17 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે હજુ 19 આરોપીઓ ફરાર છે.
ડમી કાંડમાંથી યુવરાજસિંહએ આચર્યો હતો તોડ કાંડ
નોંધનીય છે કે ડમી કાંડ અને તોડ કાંડ બંને કેસો એક સિકકાની બે બાજુ જેવા છે, આ કેસ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી વિદ્યાર્થીઓ બેસાડીને મોટાપાયે કૌભાંડ આચરવા મામલેનો છે, જેને લઈને આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પરંતુ આરોપ છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં નામ ન લેવા બદલ બે વ્યક્તિઓ પ્રકાશ દવે અને પ્રદીપ બારૈયા પાસેથી તેમણે પોતાના માણસો સાથે મળીને એક કરોડ રૂપિયા પડાવ્યા હતા.
જે બે વ્યક્તિઓ પાસેથી પૈસા પડાવવામાં આવ્યા છે તે બંને ડમીકાંડ કેસમાં આરોપીઓ છે. બંનેની પૂછપરછમાં આ 1 કરોડના તોડ અંગેની વિગતો સામે આવી હતી. ત્યારબાદ ભાવનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાને સમન્સ પાઠવ્યું હતું. ગત 21મીએ યુવરાજ હાજર તો રહ્યા હતા પરંતુ પોલીસના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપી શક્યા ન હતા. ત્યારબાદ તેમની અને તેમના માણસો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની તપાસ હાલ ચાલી રહી છે.
ઝડપી તપાસ માટે કરાઈ છે SITની રચના
નોંધનીય છે કે ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ મામલાની તપાસ માટે 19 અધિકારીઓ અને કર્મચારીઓની એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. જેમાં 1 પીઆઈ, 8 પીએસઆઈ, LCB, SOG અને પેરોલ ફર્લો સ્ક્વોડના માણસો સાથેની એક ટીમ રચવામાં આવી છે. જે હાલ ડમી કાંડ મામલે તપાસ કરી રહી છે.