ગુરુગ્રામના એક રેસ્ટોરન્ટમાં માઉથ ફ્રેશનર ખાધા બાદ પાંચ લોકોની હાલત બગડી હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ લોકોને લોહીની ઉલટીઓ થવા લાગી, જેમાંથી બેની હાલત હજુ પણ ગંભીર છે. આ તમામ લોકો એકસાથે રેસ્ટોરન્ટમાં આવ્યા હતા અને માઉથ ફ્રેશનર ખાધા બાદ તેમની હાલત બગડી હતી. હવે એ વાત સામે આવી છે કે આ લોકોએ ‘માઉથ ફ્રેશનર’ સમજીને જેનું સેવન કર્યું હતું, તે વાસ્તવમાં ‘ડ્રાઈ આઈસ’ (Dry Ice) એટલે કે સૂકો બરફ કહેવામાં આવતું એક કેમિકલ હતું, જેને ‘ફ્રોઝન (જામી ગયેલો) કાર્બન ડાયોક્સાઈડ’ કહેવાય છે.
શું હોય છે ડ્રાઈ આઈસ?
ડ્રાઈ આઈસ, જેને સૂકા બરફ તરીકે ઓળખવામાં આવે છે, તે કાર્બન ડાયોક્સાઇડ (CO2)નું ઘન સ્વરૂપ છે. તે -78.5°C (-109.3°F) ના તાપમાને બને છે અને સામાન્ય વાતાવરણીય દબાણ પર તે ઘન સ્વરૂપમાંથી સીધું ગેસ સ્વરૂપે રૂપાંતરિત થઈ જાય છે. એટલે કે વાતાવરણનું સામાન્ય દબાણ તેના પર પડવાથી તે ગેસનું રૂપ ધારણ કરી લે છે. તે પ્રવાહી રૂપે પરિવર્તિત થઈ શકતું નથી. તેનો ઉપયોગ કુલિંગ એજન્ટ તરીકે કરવામાં આવે છે. મેડિકલથી લઈને ફૂડ ઈન્ડસ્ટ્રી સુધી તેનો ઉપયોગ કરવામાં આવે છે.
ડ્રાઈ આઈસનો ઉપયોગ
ડ્રાઈ આઈસનો ઉપયોગ આઈસ્ક્રીમ, માંસ, ડેરી ઉત્પાદનો અને અન્ય ખોરાકને ઠંડો રાખવા માટે થાય છે. તે આવા બધા ખોરાકનો બગાડ અટકાવે છે અને તાજગી જાળવી રાખે છે. તેનો ઉપયોગ તબીબી ક્ષેત્રે પણ થાય છે. તેનો ઉપયોગ તબીબી ક્ષેત્રમાં પેશીઓ, લોહી અને દવાઓને ઠંડી રાખવા માટે થાય છે. ભારતની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI), અમેરિકાની યુનાઈટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) અને સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) તેને અત્યંત જોખમી માને છે.
ખૂબ જ જોખમી છે ડ્રાઈ આઈસ
આ એજન્સીઓની ગાઈડલાઇન્સ અનુસાર , ડ્રાઈ આઈસને હાથમોજાં વિના સ્પર્શી પણ શકાતો નથી, કારણ કે તે તરત જ રીએક્શન કરે છે. તેનો ઉપયોગ બંધ રૂમમાં ન કરવો જોઈએ, કારણ કે તેના કાટ (પીગળવા)ને કારણે રૂમમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા અચાનક વધી શકે છે, જેના કારણે કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે. અમેરિકામાં લિક્વિડ નાઇટ્રોજન અને ડ્રાય આઈસનો ફૂડ પ્રોસેસિંગ વિસ્તારોમાં ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ છે. તેનો ઉપયોગ ત્યાં જ થઈ શકે છે જ્યાં ફ્રીજ જેવા આધુનિક મશીનો ન હોય અને તેની (ડ્રાઈ આઈસની) મદદથી સામાનને ઠંડો રાખવાની મજબૂરી હોય.
તેનાથી બચવું ખૂબ જરૂરી
ડ્રાઈ આઈસનું તાપમાન ખૂબ ઓછું હોય છે, તેથી તેને ત્વચાના સીધા સંપર્કમાં આવવા દેવું જોઈએ નહીં. તે ઠંડકથી સીધું જલનનું (Frostbite) કારણ બને છે. ડ્રાઈ આઈસ CO2 ગેસ છોડે છે. જો એક નાની જગ્યામાં મોટા પ્રમાણમાં ડ્રાઈ આઈસનો ઉપયોગ કરવામાં આવે તો તે હવામાં CO2નું સ્તર વધારી શકે છે અને દમ ઘૂંટાવાનું કારણ બને છે. આવી સ્થિતિમાં આ આ ડ્રાઈ આઈસ ખાવાથી ગુરુગ્રામમાં લોકોને લોહીની ઉલ્ટીઓ થવા લાગી હતી. જો તેમને તાત્કાલિક તબીબી સહાય ન મળી હોત તો લોકોએ જીવ ગુમાવ્યો હોત. જોકે, આ કેસમાં બે લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય રહ્યું છે.
મેનેજરે કહી આ વાત
જ્યાં આ દુર્ઘટના થઈ હતી તે ગુરુગ્રામના લા ફોરેસ્ટા કાફેના (La Forestta Cafe) મેનેજર ગગન શર્માએ કહ્યું છે કે, “અમે રેસ્ટોરન્ટમાં ડ્રાઈ આઈસ રાખતા નથી. આવો અકસ્માત પ્રથમવાર બન્યો છે. એવું લાગે છે કે કોઈએ અમને ફસાવવા માટે આવી રમત રમી છે.” તેમણે કહ્યું કે, “પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ અમે પીડિતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા તૈયાર છીએ. અમે પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યા છીએ.”