અમેરિકાના પ્રમુખની ચૂંટણીનું પરિણામ (US President Elections) ઘોષિત થઈ ગયું છે અને ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) બીજી વખત અમેરિકાના પ્રમુખ પદ પર ચૂંટાઈ આવ્યા છે. તેમણે ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટ ઉમેદવાર કમલા હૅરિસને હરાવીને જીત મેળવી હતી. ટ્રમ્પની જીત સાથે અમેરિકામાં 132 વર્ષ બાદ ફરી એક વખત એવું બન્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ એક ચૂંટણીમાં પરાજયનો સામનો કર્યા બાદ બીજી ચૂંટણીમાં ફરી જીત મેળવીને આવ્યા હોય.
ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત વર્ષ 2016માં રિપબ્લિકન પાર્ટી તરફથી અમેરિકાની ચૂંટણીમાં ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં તેમણે ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને હરાવીને વિજય મેળવ્યો હતો. ત્યારબાદ તેઓ ચાર વર્ષ સુધી (2020) રાષ્ટ્રપ્રમુખ રહ્યા. 2020માં જ્યારે ફરીથી ચૂંટણી થઈ ત્યારે ટ્રમ્પે રિપબ્લિકન તરફથી જ ઉમેદવારી કરી હતી. તેમની સામે ડેમોક્રેટ તરફથી જો બાયડને ઉમેદવારી કરી હતી. નોંધનીય છે કે બાયડન બરાક ઓબામાની સરકારમાં તેમના ઉપરાષ્ટ્રપતિ રહી ચૂક્યા હતા.
2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજય થયો હતો. આ ચૂંટણીમાં બાયડનને કુલ 306 ઇલેક્ટોરલ વૉટ મળ્યા હતા, જ્યારે ટ્રમ્પ 232 પર અટકી ગયા હતા. USમાં ચૂંટણી જીતવા માટે 270નો આંકડો પાર કરવો જરૂરી છે. બહુમતી મળ્યા બાદ જો બાયડન રાષ્ટ્રપતિ બન્યા.
2024ની ચૂંટણીમાં જો બાયડન પહેલાં ડેમોક્રેટ તરફથી ઉમેદવાર હતા, પણ પછીથી કમળા હૅરિસના માથે જવાબદારી નાખવામાં આવી અને તેઓ રેસમાંથી પાછળ હટી ગયા હતા. બીજી તરફ, રિપબ્લિકન તરફથી ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પે ભાગ્ય અજમાવ્યું હતું અને તેઓ સફળ પણ થયા. 2024ની ચૂંટણીમાં ટ્રમ્પ ફરી વિજેતા બન્યા છે. તેઓ જાન્યુઆરી, 2025માં શપથગ્રહણ કરશે અને કાર્યકાળ 2029 સુધીનો રહેશે.
નોંધવું જોઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ વર્ષ 2016માં ચૂંટાયા હતા. ત્યારબાદ 2020માં તેમણે હારનો સામનો કરવો પડ્યો અને ચાર વર્ષ પછી 2024માં ફરીથી વિજેતા બન્યા. આવી ભવ્ય વાપસી ભૂતકાળમાં ઘણા ઓછા નેતાઓ કરી ચૂક્યા છે, કારણ કે રાજકારણમાં એક વર્ષ પણ લાંબો સમયગાળો કહેવાય છે. પરંતુ ટ્રમ્પે એ કરી બતાવ્યું. ભૂતકાળમાં અમેરિકામાં આવું માત્ર એક જ રાષ્ટ્રપ્રમુખ કરી શક્યા હતા અને એ પણ 132 વર્ષ પહેલાં.
1892માં ગ્રોવર ક્લેવલેન્ડે આવું કરી બતાવ્યું હતું
ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાં 19મી સદીના અંતમાં ગ્રોવર ક્લેવલેન્ડ અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. પરંતુ ત્યારપછીની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તેની પછીની ચૂટણીમાં તેઓ ફરીથી ઉમેદવાર બન્યા અને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. નોંધવું જોઈએ કે અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ બે જ કાર્યકાળ માટે રાષ્ટ્રપ્રમુખ રહી શકે છે.
વર્ષ 1884માં ગ્રોવર ક્લેવલેન્ડ પ્રથમ વખત અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમણે 5 વર્ષ વ્હાઈટ હાઉસમાં વીતાવ્યાં. ચાર વર્ષ પછી જ્યારે વર્ષ 1888માં ફરીથી ચૂંટણી થઇ ત્યારે તેમણે પરાજયનો સામનો કરવો પડ્યો અને વ્હાઈટ હાઉસ છોડવું પડ્યું હતું. પરંતુ 1892માં જ્યારે ફરીથી ચૂંટણી યોજાઈ ત્યારે તેમણે ફરીથી ઉમેદવારી કરી અને તે ચૂંટણીમાં તેમની જીત થઈ હતી. ત્યારબાદ તેઓ ફરીથી રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા.
નોંધનીય છે કે પ્રમુખ તરીકે ચૂંટાયા પછી વ્હાઈટ હાઉસમાં લગ્ન કરનાર ક્લેવલેન્ડ પ્રથમ અને એકમાત્ર પ્રમુખ હતા. તેમણે 1886માં 21 વર્ષની ફ્રાન્સિસ ફોલસમ સાથે લગ્ન કર્યાં હતાં. વ્હાઇટ હાઉસ એ વૉશિંગ્ટન ડીસીમાં સ્થિત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનું સત્તાવાર નિવાસસ્થાન છે. અહીં જ તેમનું કાર્યાલય પણ આવેલું છે, જે તેના આકારના કારણે ‘ઓવલ ઑફિસ’ના નામથી જગતભરમાં જાણીતું છે.
ગ્રોવર ક્લેવલેન્ડ વર્ષ 1884-1889 સુધી અને બીજી વખત 1892-1896 સુધી પ્રમુખ બનનાર પ્રથમ વ્યક્તિ હતા. તેમનો આ રેકોર્ડ 132 વર્ષ સુધી યથાવત હતો જેને આ વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પે તોડ્યો.
જોકે ક્લેવલેન્ડ અને ડોનાલ્ડ ટ્રમ્પને મળેલ વોટની પેર્ટનમાં તફાવત હતો. ગ્રોવર ક્લેવલેન્ડે લગભગ 90,000 મતોના માર્જિનથી પોપ્યુલર મત જીત્યા હતા. 1888ની ચૂંટણીમાં ક્લેવલેન્ડ રિપબ્લિકન બેન્જામિન હેરિસન સામે ખૂબ ઓછા માર્જિનથી હારી ગયા હતા. તેમણે 1893માં જોરદાર કમબેક કર્યું અને 444 ઈલેક્ટોરલ વોટમાંથી 277 જીત્યા હતા. જ્યારે ટ્રમ્પ 2016ની ચૂંટણીમાં 538 ઈલેક્ટોરલ વૉટમાંથી 304 જીત્યા છતાં પોપ્યુલર વૉટ જીતવામાં નિષ્ફળ ગયા હતા. 2020માં તેમને 232 ઇલેક્ટોરલ વૉટ મળ્યા હતા.