ઉત્તર અમેરિકન ટાપુ દેશ ડોમિનિકા (Dominica) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) પોતાના દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવા માટે જઈ રહ્યો છે. ગુરુવારે (14 નવેમ્બર) આ બાબતની ઘોષણા કરવામાં આવી. આ સન્માન કોરોના મહામારી દરમિયાન ભારત સરકારે ડોમિનિકાને કરેલી મદદ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કરવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ગયાનામાં આગામી 19થી 21 નવેમ્બર દરમિયાન યોજાનાર ઇન્ડિયા-કેરિકૉમ સમિટ દરમિયાન ડોમિનિકાના રાષ્ટ્રપતિ વડાપ્રધાન મોદીને આ પુરસ્કાર એનાયત કરશે અને ભારતનું સન્માન કરશે.
Dominica will award its highest National Honour, the Dominica Award of Honour, upon PM Narendra Modi at the India-Caricom Summit in Guyana.
— ANI (@ANI) November 14, 2024
This award will be in recognition of his contributions to Dominica during the COVID-19 pandemic and his dedication to strengthening the… pic.twitter.com/3GX7RWFhpg
ડોમિનિકાના વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું કે, “કૉમનવેલ્થ ઑફ ડોમિનિકા, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ધ ડોમિનિકા એવોર્ડ ઑફ ઑનર’ એનાયત કરશે. આ પુરસ્કાર કોવિડ-19 મહામારી દરમિયાન ડોમિનિકાને તેમણે કરેલી સહાય અને બંને દેશો વચ્ચેની ભાગીદારીને મજબૂત બનાવવા પ્રત્યે તેમના સમર્પણનું સન્માન કરવા માટે પ્રદાન કરવામાં આવી રહ્યો છે.”
આ જ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે ફેબ્રુઆરી, 2021માં આફતના સમયે વડાપ્રધાન મોદીની સૂચનાથી ભારત સરકારે ડોમિનિકાને 7૦ હજાર કોવિડ રસીના ડૉઝ પહોંચાડવામાં આવ્યા હતા. આ એ સમય હતો, જ્યારે આખું વિશ્વ મહામારી સામે ઝઝૂમી રહ્યું હતું અને સૌથી વધુ અસર નાના દેશોને પહોંચી હતી.
ડોમિનિકાની સરકાર આગળ જણાવે છે કે, “આ પુરસ્કાર સાથે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે ડોમિનિકાને સ્વાસ્થ્યથી લઈને શિક્ષણ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં જે મદદ પૂરી પાડી છે, તે બદલ પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા છીએ. ઉપરાંત, ક્લાઇમેટ રેઝિલિયન્સ બિલ્ડિંગ ઇનિશિઇટિવ અને વૈશ્વિક સ્તરે સતત વિકાસ વગેરે ક્ષેત્રોમાં તેમની (મોદીની) ભૂમિકાનું પણ અમે સન્માન કરીએ છીએ.”
ટાપુ દેશના વડાપ્રધાને એક નિવેદનમાં કહ્યું કે, “વડાપ્રધાન મોદી કાયમ ડોમિનિકા અને અન્ય દેશોના સમર્થનમાં એક એકતા અને બંધુત્વના ભાવ સાથે ઊભા રહ્યા છે. આ પુરસ્કાર થકી અમે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, જ્યારે અમે વૈશ્વિક મહામારી સામે ઝઝૂમી રહ્યા હતા ત્યારે વડાપ્રધાન મોદીએ ડોમિનિકાના એક ખરા મિત્ર તરીકે મદદ કરી હતી. તેમને સર્વોચ્ચ સન્માન આપતાં અમે ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ.”
ભારતે અનેક દેશોને કરી હતી મદદ, લાખો લોકોના બચ્યા હતા જીવ
નોંધનીય છે કે કોરોના મહામારીનો સમય એવો હતો, જ્યારે મસમોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશો પણ પાછળ ધકેલાઈ ગયા હતા. ભારતની આટલી વસ્તી અને અન્ય અમુક સમસ્યાઓને જોતાં વિશ્વને હતું કે સૌથી માઠી અસર ભારત પર પડશે. પણ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત ન માત્ર મહામારીમાંથી બહાર આવ્યું, પણ સમયસર આખા દેશનું રસીકરણ પણ થયું, જે વિશ્વનું સૌથી મોટું અને વ્યાપક રસીકરણ અભિયાન હતું.
ભારતની ઉપલબ્ધિઓ અહીંથી જ અટકતી નથી, પણ પછીથી વિશ્વના અનેક દેશોને રસી આપવામાં આવી. જેમાં ખાસ કરીને નાના અને સીમિત સંસાધનો ધરાવતા દેશોને ખૂબ રાહત થઈ હતી અને લાખો લોકોના જીવ બચ્યા હતા. પીએમ મોદીના આ જ કામના લીધે વિશ્વભરના દેશો તેમનો અને ભારત સરકારનો આભાર વ્યક્ત કરી ચૂક્યા છે.