કોરોના એક એવી મહામારી હતી જેની સામે વિશ્વના મોટા-મોટા દેશો પણ હાર માની ગયા હતા. બીજી તરફ ભારત વિશે પશ્ચિમી દેશોને એવી આશંકા હતી કે આટલી મોટી વસ્તી ધરાવતો દેશ મહામારી સામે ટકી શકશે નહીં. પરંતુ ભારતે એ તમામ માન્યતાઓ ખોટી પાડી અને કોરોનાની રસી પણ તૈયાર કરી, એટલું જ નહીં સંપૂર્ણ વસ્તીનું રસીકરણ પણ વહેલામાં વહેલી તકે પૂર્ણ કર્યું. ભારતે આટલું જ ન કર્યું પરંતુ વિશ્વના અન્ય સેંકડો દેશોને કોરોનાની રસી પહોંચાડી હતી અને તેમના લોકોના જીવ પણ બચાવ્યા હતા. આ દેશોમાં એક ડોમિનિકા પણ હતો. આ ડોમિનિકાના વિદેશ મંત્રીએ તાજેતરમાં એ કપરો સમયગાળો યાદ કરીને મુસીબત સમયે તારણહાર બનવા બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો.
વિન્સ હેંડરસન ડોમિનિકાના વિદેશ મંત્રી ઉપરાંત વેપાર તેમજ ઉર્જા વિભાગના પણ મંત્રી છે. તેઓ અમેરિકાના ન્યૂયોર્કમાં આયોજિત ઈન્ડિયા-ન્યૂયોર્ક ફોર ગ્લોબલ સાઉથ કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. જેમાં તેમણે કહ્યું કે, મને દુનિયાની રાજધાનીમાં બેસવાની તક મળી હતી. હું નામ નહીં કહું, પણ મને એ સંઘર્ષનો સમય યાદ આવે છે જ્યારે અમે એ સુનિશ્ચિત કરવામાં લાગ્યા હતા કે કઈ રીતે વહેલામાં વહેલી વેક્સિન મેળવીને અમારા લોકોના જીવ બચાવી શકાય. કારણ કે અમે એક નાનો દેશ છીએ, જે મહત્તમ પ્રવાસન પર ટક્યો છે. અમારે મહામારીમાંથી બહાર આવવા માટે અમારા લોકોને બચાવવા જરૂરી હતા. પરંતુ અમે કહીએ એ પહેલાં જ ભારતે સંપર્ક કર્યો અને ડોમિનિકાને રસી પૂરી પાડી. ત્યારબાદ અમે અન્ય સભ્ય દેશોને પણ રસી પહોંચાડી શક્યા.”
#WATCH | New York, USA: Dr Vince Henderson, Minister for Foreign Affairs, International Business, Trade & Energy, Dominica says, "Thank you for taking the opportunity to reach out to us and I think that the lesson that moves me the most is the COVID-19 pandemic. I had the… pic.twitter.com/VMiISQiGAv
— ANI (@ANI) September 24, 2023
ભારતનો આભાર વ્યક્ત કરતાં ડોમિનિકાના વિદેશ મંત્રીએ આગળ તેમણે કહ્યું કે, “જરૂરિયાતના સમયે અમારી મદદ કરવા બદલ હું વ્યક્તિગત રીતે ભારતના લોકોનો અને ભારતની સરકારનો આભાર વ્યક્ત કરું છું.”
2021માં ભારતે મોકલાવ્યા હતા રસીના ડોઝ
ડોમિનિકા કેરેબિયન સમુદ્રમાં આવેલો નાનકડો દેશ છે, જેની વસતી માત્ર 70 હજારની છે. ફેબ્રુઆરી, 2021માં ભારતે ‘વેક્સિન મૈત્રી’ હેઠળ ડોમિનિકાને વેક્સિનના 70 હજાર ડોઝ મોકલ્યા હતા. પ્રથમ તબક્કામાં 35 હજાર ડોઝ પહોંચ્યા બાદ ડોમિનિકાના વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્કેરિટે પીએમ મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમારી પ્રાર્થના આટલી વહેલી સાંભળી લેવાશે, પીએમ મોદીનો આભાર: ડોમિનિકાના પીએમ
ડોમિનિકાના પીએમ પોતે વેક્સિનનો જથ્થો લેવા માટે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે કહ્યું હતું કે, “હું સ્વીકારું છું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા દેશની પ્રાર્થના આટલી વહેલી સાંભળી લેવામાં આવશે. એવું લાગવું સ્વાભાવિક છે કે આવી મહામારીમાં દેશોના કદ અને વસ્તી જોઈને તેમને પ્રાથમિકતા આપવામાં આવે છે પરંતુ અમારી વિનંતીને તાત્કાલિક સ્વીકારવામાં આવી અને અમારા લોકોને મહત્વ આપવામાં આવ્યું. આ બાબતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. તેમનો આભાર.”
પીએમ મોદીને મોકલેલા પત્રમાં તેમણે લખ્યું હતું કે, ‘2020માં અન્ય દેશોની જેમ અમે પણ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યા હતા. પરંતુ તમારી વેક્સિને અમારી અંદર નવી આશા જગાવી છે અને આગળ વધવાનો માર્ગ દેખાડ્યો છે. ભારતની ઉદારતા બદલ આભાર, એપ્રિલ 2021 સુધીમાં ડોમિનિકાના 35 હજાર લોકોને રસી અપાઈ જશે. ભારત ફરી એક વખત ડોમિનિકાની મદદે આવ્યું છે, અમે ક્યારેય નહીં ભૂલીએ.’
અહીં ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ અનેક દેશો આફત સમયે તારણહાર બનેલા ભારતનો આભાર માની ચૂક્યા છે. ખાસ કરીને એ નાના દેશો, જેમના પ્રત્યે વૈશ્વિક સમુદાય દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવતું નથી કે જેમને સંસાધનોની પણ અછત પડતી હોય છે. પાપુઆ ન્યૂ ગિની પણ એવો જ દેશ છે, જેને કોરોના સમયે વેક્સિન પહોંચાડીને ભારતે મદદનો હાથ લંબાવ્યો હતો. થોડા મહિના પહેલાં જ્યારે વડાપ્રધાન પાપુઆ ન્યૂ ગિનીની મુલાકાતે પહોંચ્યા તો સૂર્યાસ્ત બાદ વિદેશી મહેમાનનું સ્વાગત ન કરવાની પરંપરા તોડીને ત્યાંના વડાપ્રધાન સ્વયં તેમને આવકારવા માટે પહોંચ્યા હતા અને ચરણસ્પર્શ કરીને પીએમ મોદી પ્રત્યે આદરભાવ વ્યક્ત કર્યો હતો.