GST ફ્રોડ કેસમાં પકડાયેલા ‘પત્રકાર’ મહેશ લાંગાની જામીન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન દલીલો કરતાં રાજ્ય સરકારે અમુક ઘટસ્ફોટ કર્યા છે. સરકારે લાંગાના જામીનનો વિરોધ કરતાં કોર્ટને જણાવ્યું કે, એક ‘પત્રકાર’ તરીકે કામ કરતો આ ઇસમ ‘ઇન્ફ્લુએન્સલ પર્સન’ છે અને તેની સામે ગુજરાત સરકારના વિભાગમાંથી સંવેદનશીલ દસ્તાવેજો લીક કરવા મામલે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ દસ્તાવેજો લીક કરવા મામલે પણ અમુક નવી વિગતો સામે આવી છે.
સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલ મિતેશ અમીને કોર્ટને જણાવ્યું કે, લાંગા એવો વ્યક્તિ છે જે પ્રભુત્વ પાડી શકે છે અને તેની સામે એક FIR દાખલ કરવાં આવી છે, જેમાં આરોપ છે કે તેના ઘરેથી તપાસ દરમિયાન અમુક ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા હતા, જે તેણે સરકારી વિભાગમાંથી ચોરી કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં અમુક અધિકારીઓ પણ સામેલ છે અને તેમની સામે પણ તપાસ ચાલી રહી છે તેમ સરકારે ઉમેર્યું હતું.
બીજી તરફ, સુનાવણી દરમિયાન મહેશ લાંગાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, દસ્તાવેજો ગુજરાત મેરીટાઇમ બોર્ડને લગતા છે અને તે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લાંગા સામે ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ તેના ઘરની તપાસ કરી હતી તે દરમિયાન મળી આવ્યા હતા.
લાંગાના જ વકીલે કોર્ટને જણાવ્યું કે આ દસ્તાવેજો એસ્સાર કંપની દ્વારા તેને પૂરા પાડવામાં આવ્યા હતા, જે કંપની જામનગરમાં એક પોર્ટ સ્થાપવા માટે પરવાનગી માંગી રહી છે, પરંતુ અદાણી જૂથ રસ્તામાં આવે છે. વકીલ અનુસાર, દસ્તાવેજો ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને અદાણી લિમિટેડ સંબંધિત હતા. જેમાં મે, 2024ની લોકસભા ચૂંટણી પહેલાં અદાણીએ ગુજરાત સરકાર સમક્ષ પોતાનાં અમુક પોર્ટની લીઝ રિન્યૂ કરવા માટે માંગ કરી હોવાની બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ બાબતે કોંગ્રેસ પાર્ટી પણ હોબાળો મચાવી ચૂકી છે. ઑગસ્ટ, 2024માં કોંગ્રેસી જયરામ રમેશે એક પોસ્ટમાં અદાણી જૂથ અને ગુજરાત સરકારને આ જ બાબતમાં ટાર્ગેટ કરી હતી, જેનો ઉલ્લેખ મહેશ લાંગાના વકીલે કોર્ટમાં કર્યો હતો. જેથી કોંગ્રેસ પાસે દસ્તાવેજો કોના થકી પહોંચ્યા એ જાણવામાં વધુ મગજ લગાવવું પડે નહીં.
લાંગાના વકીલે નિયમિત જામીન માટેની માંગ કરી છે. કેસ રાજકોટમાં નોંધાયેલી FIRને લગતો છે, જેમાં સેશન્સ કોર્ટ જામીન ફગાવી ચૂકી છે. બીજી તરફ, રાજ્ય સરકારે વિરોધ કર્યો છે. બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. હવે આગલી સુનાવણીમાં નિર્ણય સંભળાવવામાં આવશે.