કર્ણાટકમાં મુખ્યમંત્રી કોણ બનશે તેની અટકળોનો અંત આવી ગયો છે. 20 મે 2023ના રોજ સિદ્ધારમૈયા કર્ણાટકના CM તરીકે શપથ લેશે. તો કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમનું પદ સંભાળશે. CMની રેસમાં શિવકુમાર પાછળ હોવાના અનેક કારણો ચર્ચવામાં આવી રહ્યાં છે. દરમ્યાન, ‘ધ ઇકોનોમિક ટાઈમ્સ’નો એક રિપોર્ટ સામે આવ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો કે, ડીકે શિવકુમારને તેમની ‘આકંઠ હિંદુ’ તરીકેની છાપના કારણે ડેપ્યુટી સીએમની પોસ્ટ થકી જ સંતોષ માનવો પડ્યો અને સીએમ પદ ન મેળવી શક્યા, જ્યારે સિદ્ધારમૈયા માટે કહેવામાં આવ્યું છે કે તેઓ BJP-RSSની વિચારધારાના વિરોધી હોવાના કારણે તેમની ઉપર પસંદગી ઉતારવામાં આવી.
ઇકોનોમિક ટાઈમ્સે ‘કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા સિદ્ધારમૈયાને કર્ણાટકના CM તરીકે પસંદ કરવાના 5 કારણો’ એવા શીર્ષક હેઠળ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. આમાં બીજા નંબરનું કારણ ખૂબ રસપ્રદ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ડાબેરી પૃષ્ઠભૂમિમાંથી આવતા સિદ્ધારમૈયાને RSS અને BJPના ‘કટ્ટર’ વૈચારિક વિરોધી તરીકે જોવામાં આવે છે. જેનાથી વિપરીત ડીકે શિવકુમાર આવા કોઈ જમણેરી જૂથ સાથે સંકળાયેલા નથી પરંતુ તેઓ પોતાની ધાર્મિક ઓળખ ક્યારેય છુપાવતા નથી અને મંદિરોની મુલાકાત પણ લેતા રહે છે.
ઉપરોક્ત ETના રિપોર્ટનો એ ભાગ જોઈ શકાય છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કર્ણાટકનું વર્તમાન રાજકીય વાતાવરણ સ્પષ્ટ ધ્રુવીકરણ દર્શાવે છે. જો એમ ન થયું હોત તો શિવકુમારની આ હિંદુવાદી છબી તેમના માટે મુશ્કેલી ન બની હોત. રિપોર્ટ અનુસાર, વિધાનસભા ચૂંટણીમાં JDSના મુસ્લિમ મતદારોએ પણ કોંગ્રેસને સમર્થન આપ્યું છે. ઘણા લોકો માને છે કે મુસ્લિમ વોટબેંક કોંગ્રેસની તરફેણમાં વધુ મક્કમતાથી ઉભી હોવાનો આ સંકેત છે.
આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા આ ધ્રુવીકરણ વધુ ઘેરું બની શકે છે. એટલે જ હાઈકમાન્ડે એવી વ્યક્તિની પસંદગી કરી જે વૈચારિક રીતે ભાજપ-આરએસએસનો વિરોધી છે અને જે મુસ્લિમ વોટ બેંકને એકજૂટ કરવાના પક્ષના એજન્ડાને દ્રઢતાપૂર્વક આગળ ધપાવી શકે છે, તેવું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ શિવકુમાર મુખ્યમંત્રી બને તેવી પ્રબળ સંભાવના હતી. તેમની દાવેદારી કેટલી મજબૂત હતી, તે એ વાત પરથી પણ સમજી શકાય છે કે કર્ણાટક ચૂંટણીના પરિણામો 13 મે, 2023ના રોજ જાહેર થયા હતા. 224 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસને 135 સીટો પણ મળી ગઈ. પરંતુ, મુખ્યમંત્રીનું નામ છેક 18 મેએ ફાઇનલ કરવામાં આવ્યું હતું. આપહેલાં શિવકુમાર અને સિદ્ધારમૈયા સાથે પાર્ટી હાઈકમાન્ડે ઘણી બેઠકો કરી હતી.
બીજી તરફ સિદ્ધારમૈયા કર્ણાટકના CM બન્યા બાદ પાર્ટીની અંદરનો અસંતોષ દેખાવા લાગ્યો છે. કોંગ્રેસ સાંસદ અને શિવકુમારના ભાઈ ડીકે સુરેશે કહ્યું કે તેઓ આ નિર્ણયથી બિલકુલ ખુશ નથી. જી પરમેશ્વર જેવા નેતા પોતાને ડેપ્યુટી CM ન બનાવવા પર નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. આ ઉપરાંત, કર્ણાટક વક્ફ બોર્ડે પણ મુસ્લિમ ડેપ્યુટી CM અને મુસ્લિમો માટે ગૃહ, આરોગ્ય અને શિક્ષણ જેવા 5 મહત્વપૂર્ણ મંત્રાલયોની પણ માંગ કરી છે.