Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆખરે કર્ણાટકનું કોકડું ઉકેલાયું: સિદ્દારમૈયા ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બનશે, ડીકે શિવકુમારને પણ...

    આખરે કર્ણાટકનું કોકડું ઉકેલાયું: સિદ્દારમૈયા ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બનશે, ડીકે શિવકુમારને પણ મહત્ત્વનું પદ અપાયું

    આ મીટીંગો બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે સિદ્દારમૈયા કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે અને પક્ષમાં તેમનાં જેટલું જ મહત્વ ધરાવતા એવા ડીકે શિવકુમાર તેમનાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનશે.

    - Advertisement -

    ગત શનિવારે (13th May 2023) બપોરે લગભગ નક્કી થઇ ગયું હતું કે કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવવા જઈ રહી છે. પરંતુ ત્યારબાદ સતત ચાર દિવસ રાજ્ય કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ સિદ્દારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે મુખ્યમંત્રી બનવાની ખેંચતાણ ચાલી હતી. પરંતુ હવે કોંગ્રેસ હાઈકમાન્ડે નિર્ણય લઇ લીધો છે અને સિદ્દારમૈયા કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે.

    અગાઉ જણાવ્યું તેમ સતત ચારથી પાંચ દિવસ સુધી સિદ્દારમૈયા કેમ્પ અને ડીકે શિવકુમાર કેમ્પ વચ્ચે દિલ્હીમાં સતત ખેંચતાણ ચાલી હતી. બેંગ્લોરમાં તો આ બંનેના સમર્થકો વચ્ચે પોસ્ટર વોર પણ શરુ થઇ ગયું હતું. એક શક્યતા તો એવી પણ વર્તાઈ રહી હતી કે આજે બેંગ્લોરમાં કોંગ્રેસના નવા મુખ્યમંત્રીએ શપથ લેવાના છે પરંતુ ગત સાંજ સુધી આ અંગે કોઈજ નિર્ણય લઇ શકાયો ન હતો.

    આ સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન સિદ્દારમૈયા અને ડીકે શિવકુમાર કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને કર્ણાટકના પ્રભારી રણદીપ સુરજેવાલાના ઘરે સતત આવતા-જતા રહ્યા હતાં અને રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે પોતાનો દાવો અને દલીલો પ્રસ્તુત કરતા રહ્યા હતાં. છેવટે ગઈકાલે સાંજથી મોડી રાત્રી સુધી મલ્લિકાર્જુન ખડગેએ વરિષ્ઠ કોંગ્રેસીઓ સાથે મેરેથોન મીટીંગો કરી હતી.

    - Advertisement -

    આ મીટીંગો બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે સિદ્દારમૈયા કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે અને પક્ષમાં તેમનાં જેટલું જ મહત્વ ધરાવતા એવા ડીકે શિવકુમાર તેમનાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનશે. એક સુચના અનુસાર આજે તો રાજ્યમાં નવી સરકારની શપથવિધિ થઇ જવાની હતી તેના બદલે હવે આજે સાંજે 7 વાગ્યે કોંગ્રેસ વિધાનસભા પક્ષની (CLP) બેઠક મળશે જેમાં નવા ચૂંટાયેલા વિધાનસભ્યો સિદ્દારમૈયાને પોતાના નેતા તરીકે ચૂંટી કાઢશે.

    20મી મે એટલેકે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ આવ્યાનાં બરોબર એક અઠવાડિયા બાદ બેંગલુરુમાં નવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને તેમનાં મંત્રી મંડળની શપથવિધિ થશે. ગત અઠવાડિયે યોજાયેલી ચૂંટણી બાદ કર્ણાટક વિધાનસભાની કુલ 224 બેઠકોમાંથી કોંગ્રેસે 135 બેઠકો જીતીને એકલેહાથે સત્તા મેળવી હતી.

    પરંતુ લગભગ દરેક રાજ્યમાં કોંગ્રેસ સાથે થાય છે તેમ અહીં પણ જૂથવાદ સામે આવ્યો હતો અને સિદ્દારમૈયા તેમજ ડીકે શિવકુમાર જેઓ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંથી એક છે એ બંનેએ રાજ્યના મુખ્યમંત્રી બનવાની પોતાની એષણા મજબુત રીતે આગળ વધારતા સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં હવે એક પૂરું અઠવાડિયું વીતી જઈને રાજ્યને નવી સરકાર મળશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં