સુશાંત સિંઘ રાજપૂતની (Sushant Singh Rajput) ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનના (Disha Salian) પિતાએ તેમની પુત્રીના મૃત્યુની તપાસ CBIને સોંપવાની વિનંતી કરી છે. ઉપરાંત, મૃત્યુની નવેસરથી તપાસની માંગ કરી છે. તેમણે બુધવાર, 19 માર્ચના રોજ બૉમ્બે હાઇકોર્ટમાં (Bombay High Court) આ મામલે અરજી દાખલ કરી હતી. અરજીમાં દિશા સાલિયાનના પિતાએ શિવસેનાના આદિત્ય ઠાકરે વિરુદ્ધ FIR નોંધવાની પણ માંગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે દિશા પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરવામાં આવી હતી.
દિશા સાલિયાનના પિતાએ કોર્ટમાં દાખલ કરેલ અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે દિશા સાલિયાન પર ક્રૂરતાપૂર્વક બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી, અને પ્રભાવશાળી વ્યક્તિઓને બચાવવા માટે રાજકારણ પ્રેરિત કારણોસર ઢાંકપિછોડો કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં પરિવાર માનતો હતો કે મુંબઈ પોલીસની તપાસ સાચી હતી, પરંતુ હવે તેઓ દાવો કરે છે કે તે મહત્વપૂર્ણ પુરાવાઓને દબાવવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ હતો. દિશાના પિતા સતીશ સાલિયાને હાઇકોર્ટમાં અપીલ કરી છે કે તેમની પુત્રીના મૃત્યુની તપાસ CBIને ટ્રાન્સફર કરવામાં આવે. આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પર FIR નોંધવાની પણ માંગ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો
નોંધનીય છે કે, 8 જૂન, 2020ના રોજ, દિશા સાલિયાનનું એક ઇમારતના 14મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. ત્યારબાદ પોલીસે આકસ્મિક રીતે મૃત્યુનો અહેવાલ (ADR) કેસ નોંધ્યો હતો. દિશા બોલીવુડ અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતની મેનેજર હતી. દિશાના મૃત્યુના માત્ર 6 દિવસ પછી 14 જૂન, 2020ના રોજ સુશાંત પણ તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
ઘટનાના બે વર્ષ પછી 2022માં વર્તમાનમાં મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ દિશા સાલિયાનના મૃત્યુ અંગે અનેક આરોપો લગાવ્યા હતા. રાણેએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ કેસને એન્ટિલિયા કેસમાં જેલમાં બંધ બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝે સાથે પણ જોડ્યો હતો. નિતેશ રાણેએ કહ્યું હતું કે દિશાએ પોલીસને 100 નંબર પર ફોન કરીને બધું કહ્યું હતું અને મદદ માંગી હતી. આ કોલ રેકોર્ડ કરવામાં આવ્યો હોવાથી પોલીસ પાસે ચોક્કસપણે માહિતી હશે. નિતેશ રાણેએ એમ પણ કહ્યું કે તેઓ CBIને મદદ કરવા તૈયાર છે.
જોકે, ત્યારબાદ દિશાના માતા-પિતાએ નિતેશ વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને કહ્યું કે આ તેમની પુત્રીને બદનામ કરવાનું કાવતરું હતું. પણ હવે તેઓ તેમની પુત્રીના મૃત્યુની નવેસરથી તપાસની માંગ કરી છે. તેમનું કહેવું છે કે તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓને સાચા માનવાની ફરજ પાડવામાં આવી હતી.
દિશાના પિતાએ દાખલ કરેલી અરજીમાં મુંબઈ પોલીસ, તત્કાલીન મેયર કિશોરી પેડનેકર, અભિનેતા ડીનો મોરિયા અને સૂરજ પંચોલી સામે પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. દિશાના પિતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે મુંબઈ પોલીસ અને કિશોરી પેડનેકરે તેમને ગેરમાર્ગે દોર્યા હતા.
આ મામલે આદિત્ય ઠાકરેએ એમ કહીને બચાવ કર્યો છે કે આ તેમને બદનામ કરવા માટેનું કાવતરું છે અને કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે. તેમણે કહ્યું, “આ પાંચ વર્ષથી ચાલી રહ્યું છે. જો મામલો કોર્ટમાં હોય તો હું કોર્ટમાં જવાબ આપીશ.” શિવસેનાના અન્ય નેતાઓ કહી રહ્યા છે કે આમાં રાજકારણ થઈ રહ્યું છે અને પાંચ વર્ષ પછી અરજી થવા પર પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.