Wednesday, June 26, 2024
More
    હોમપેજદેશ‘સાલી તેરી ઔકાત ક્યા હૈ’ કહીને નિર્દયતાથી મારતો રહ્યો બિભવ કુમાર, કોઇ...

    ‘સાલી તેરી ઔકાત ક્યા હૈ’ કહીને નિર્દયતાથી મારતો રહ્યો બિભવ કુમાર, કોઇ મદદે ન આવ્યું’: સ્વાતિ માલીવાલે નોંધાવેલી FIRની વિગતો સામે આવી, કેજરીવાલના ઘરમાં બની હતી ઘટના 

    "હું અત્યંત પીડાઈ રહી હતી અને સતત તેને ન મારવા માટે કહેતી રહી. મારું શર્ટ નીકળી રહ્યું હતું અને તેમ છતાં તે મને મારતો રહ્યો."

    - Advertisement -

    આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરમાં મારપીટ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપ કેજરીવાલના નજીકના વ્યક્તિ અને PS બિભવ કુમાર પર લાગ્યો છે. આ મામલે સ્વાતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પછીથી દિલ્હી પોલીસે FIR દાખલ કરી. FIRમાં સ્વાતિ માલીવાલ પર થયેલા હુમલાની અનેક ચિંતાજનક વિગતો સામે આવી છે. ઑપઇન્ડિયા પાસે નકલ ઉપલબ્ધ છે.

    પોલીસને આપેલી ફરિયાદમાં સ્વાતિ માલીવાલે વિગતવાર જણાવ્યું છે કે તેમની સાથે મુખ્યમંત્રી આવાસમાં શું ઘટના બની હતી. તેમણે કહ્યું કે, બિભવ કુમારે અત્યંત નિર્મમતાથી તેમને માર માર્યો હતો અને અપશબ્દો પણ કહ્યા હતા. જ્યારે તેમણે પોલીસને ફોન કરીને ફરિયાદ કરી તો ધમકી પણ આપવામાં આવી હતી. FIRમાં વિગતવાર તમામ બાબતો જણાવવામાં આવી છે. 

    સ્વાતિ માલીવાલે ફરિયાદમાં જણાવ્યું કે, 13 મેના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ તેઓ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચ્યાં હતાં. ત્યાં તેઓ પહેલાં કેમ્પ ઑફિસમાં ગયાં અને સીએમના PS બિભવ કુમારને ફોન કર્યો, પરંતુ સંપર્ક ન થઈ શક્યો. ત્યારબાદ તેમણે વોટ્સએપ પર મેસેજ કર્યો, પણ કોઇ જવાબ ન આવ્યો. જ્યાંથી તેઓ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યાં અને સ્ટાફને કહ્યું કે તેઓ મુખ્યમંત્રીને મળવા માંગે છે. સ્વાતિએ જણાવ્યું છે કે, સ્ટાફે તેમને જણાવ્યું કે કેજરીવાલ ઘરે જ હાજર છે અને તેઓ બેઠક ખંડમાં તેમની રાહ જુએ. જેથી તેઓ સોફા પર બેસીને મુખ્યમંત્રી આવે તેની રાહ જોઈ રહ્યાં હતાં.

    - Advertisement -

    ‘અચાનક બિભવ આવી ચડ્યો અને ગાળાગાળી કરીને તમાચા મારી દીધા’

    સ્વાતિ માલીવાલે ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે, “અચાનક સીએમનો PS બિભવ કુમાર ત્યાં આવી ચડ્યો અને બૂમો પાડીને કોઇ પણ પ્રકારની ઉશ્કેરણી ન હોવા છતાં મને ગાળો ભાંડવા માંડ્યો. અચાનક આવા ગેરવર્તનથી હું આશ્ચર્યમાં પડી ગઈ અને મેં તેને આ રીતે વાત ન કરવાનું કહીને મુખ્યમંત્રીને બોલાવવા માટે કહ્યું.”

    ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે બિભવ સ્વાતિને કહી રહ્યો હતો કે, ‘તું કઈ રીતે અમારી વાત નહીં માને? સાલી તારી ઔકાત શું છે કે અમને ના પાડી દે. પોતાને સમજે છે શું? નીચ ઔરત. તને અમે પાઠ ભણાવીશું.’ (FIRમાંથી શબ્દશઃ- તૂ કૈસે હમારી બાત નહીં માનેગી? કૈસે નહીં માનેગી? સાલી તેરી ઔકાત ક્યા હૈ કી હમકો ના કર દે. સમજતી ક્યા હૈ ખુદકો નીચ ઔરત. તુજે તો હમ સબક સિખાયેંગે.) 

    સ્વાતિના જણાવ્યા અનુસાર, આવું કહીને બિભવ તેમની પાસે પહોંચી ગયો અને તેમણે કોઇ ઉશ્કેરણી ન કરી હોવા છતાં 7થી 8 તમાચા મારી દીધા. તેમણે આગળ કહ્યું, “હું આઘાતમાં હતી અને સતત મદદ માટે બૂમો પાડી રહી હતી. મેં સ્વરક્ષણ માટે પગ વડે તેને દૂર કરી દીધો. પણ તેણે મારી ઉપર ફરી હુમલો કરી દીધો, મને ઘસડી અને જાણીજોઈને મારું શર્ટ ખેંચી કાઢ્યું. મારા શર્ટનાં બટન ખુલી ગયાં. ત્યારબાદ સેન્ટર ટેબલ પર મારું માથું અથડાયું અને હું નીચે ફરશ પર પડી ગઈ. હું સતત મદદ માટે બૂમો પાડી રહી હતી, પણ મારી મદદે કોઇ ન આવ્યું.”

    બિભવે કહ્યું હતું- હાડકાં તોડી નાખીશું, એવી જગ્યાએ દફનાવી દઈશું કે કોઈને ખબર નહીં પડે

    ફરિયાદ અનુસાર, “બિભવ આટલેથી પણ ન અટક્યો અને મને છાતી, પેટ અને પેલ્વિસ એરિયાના ભાગે પગ વડે લાત મારતો રહ્યો. હું અત્યંત પીડાઈ રહી હતી અને સતત તેને ન મારવા માટે કહેતી રહી. મારું શર્ટ નીકળી રહ્યું હતું અને તેમ છતાં તે મને મારતો રહ્યો. હું તેને કહેતી હતી કે મારા પીરિયડ્સ ચાલી રહ્યા છે અને મને જવા દેવામાં આવે. પણ તે વારંવાર મને મારતો રહ્યો.”

    તેમણે આગળ જણાવ્યું, “કોઈક રીતે હું ઉભી થઈ, સોફા પર બેઠી અને મારામારી દરમિયાન ચશ્મા નીચે પડી ગયા હતા તે ઉઠાવ્યા. આ હુમલાથી હું અત્યંત આઘાતમાં હતી. મેં 112 પર કૉલ કરીને મારી સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું. ત્યારે બિભવે મને ધમકી આપીને કહ્યું કે, “કરી લે તારે જે કરવું હોય. તું અમારું કશું જ બગાડી શકતી નથી. તારાં હાડકાં તોડી નાખીશું અને એવી જગ્યાએ દફનાવી દઈશું કે કોઈને ખબર પણ નહીં પડે.” 

    ‘સિક્યોરિટીને બોલાવી લાવ્યો અને મને બહાર જવા કહેવામાં આવ્યું’

    માલીવાલે આગળ જણાવ્યું કે, “મેં 112ને કૉલ કર્યો છે તે જાણીને તે રૂમની બહાર નીકળી ગયો. ત્યારબાદ ફરીથી એક સિક્યોરિટી સ્ટાફ સાથે આવ્યો અને તેણે બિભવના કહેવાથી મને બહાર નીકળી જવા કહ્યું. હું તેમને કહેતી રહી કે મને નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે અને તેમણે મારી પરિસ્થિતિ જોવી જોઈએ અને કમસેકમ PCR આવે ત્યાં સુધી તો રાહ જોવી જોઈએ. પણ તેઓ ન માન્યા અને પરિસર છોડી દેવા માટે કહ્યું. મને પછીથી CM નિવાસની બહાર લાવવામાં આવી અને અત્યંત પીડા થતી હોવાના કારણે હું ઘરની બહાર ફર્શ પર બેઠી.”

    તેમણે આગળ જણાવ્યું કે, તેઓ ત્યાંથી સિવિલ લાઇન્સના તેમના જૂના નિવાસસ્થાને પહોંચ્યા અને ત્યાંથી પોલીસકર્મીઓની મદદથી ઓટો દ્વારા ઘરે જવા નીકળ્યાં પરંતુ પછીથી પોલીસ મથકે જવાનું નક્કી કર્યું. ત્યાં તેમણે SHOને ઘટના વિશે જાણકારી આપી. પરંતુ અત્યંત થતો દુઃખાવો અને આઘાતના કારણે તેઓ ત્યાંથી ફરિયાદ નોંધાવ્યા વગર જ ચાલ્યાં ગયાં. 

    તેમણે જણાવ્યું કે, હુમલો થયો ત્યારથી તેઓ અત્યંત આઘાતમાં છે અને આ તેમના જીવનનો સૌથી કપરો સમય છે. તેમને ચાલવામાં પણ તકલીફ થઈ રહી છે અને શરીરમાં હજુ પણ દુઃખાવો છે. એમ પણ કહ્યું કે, તેમને લેખિત ફરિયાદ લખાવવા માટે હિંમત ભેગી કરવા માટે પણ 3 દિવસનો સમય લાગી ગયો. સાથે એમ પણ કહ્યું કે, તેઓ સતત મહિલાઓ માટે લડતાં રહ્યાં, પરંતુ એવા વ્યક્તિએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો, જેમને તેઓ વર્ષોથી જાણે છે. તેમણે પોલીસને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે અપીલ કરી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં