Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતકંડલા બંદરની આસપાસ કેમિકલ પાઈપલાઈન અને ટેન્કરો વચ્ચે ઝૂંપડાં બાંધીને કર્યું હતું...

    કંડલા બંદરની આસપાસ કેમિકલ પાઈપલાઈન અને ટેન્કરો વચ્ચે ઝૂંપડાં બાંધીને કર્યું હતું દબાણ, થતી હતી ચોરીની ફરિયાદો: બુલડોઝર ફેરવીને 250 એકર જમીન ખાલી કરાઈ, 2 દિવસ ચાલી ડ્રાઇવ

    ઊભાં કરવામાં આવેલાં બાંધકામો અમોનિયા જેવા ખતરનાક રસાયણોના સંચરણ માટેની બનાવવામાં આવેલી પાઈપલાઈનો, તેમજ 34 લાખ કિલો લિટર ક્ષમતા ધરાવતા ટેન્ક ફાર્મ વચ્ચે સ્થિત હતાં. અહીંથી અવારનવાર પાઈપોને કાપીને ચોરીઓ થતી હોવાની ફરિયાદો આવતી રહેતી.

    - Advertisement -

    પાકિસ્તાનની સીમાને અડીને આવેલા જિલ્લા કચ્છમાં છેલ્લા બે દિવસથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. અતિમહત્વના દીનદયાળ પોર્ટ ઑથોરિટી અને કચ્છ પોલીસે કંડલામાં 2 દિવસીય ડિમોલિશન ડ્રાઇવ પૂર્ણ કરી છે. આ ડ્રાઈવમાં 600થી વધુ ઝૂંપડાં પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યાં. ચોંકાવનારી વાત તો તે છે કે અહીં 6000થી વધુ લોકોએ 400 કરોડથી વધુની કિંમતની 250 એકરથી વધુ જમીન પર પાછલાં અનેક વર્ષોથી કબજો કરી રાખ્યો હતો. કંડલા પોર્ટ ઑથોરિટી છેલ્લાં 2 વર્ષથી તેમને નોટિસો પાઠવીને જગ્યા ખાલી કરવા જણાવી રહી હતી પણ લાંબા સમય સુધી કબજાખોરોના પેટનું પાણી ન હાલતાં અંતે પ્રશાસને લાલ આંખ કરવી પડી છે. મહત્વનું છે કે આ દબાણોમાં રહેતા અનેક લોકો ડ્રગ્સ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું અને પોલીસ ચોપડે ચડી ચૂક્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર કંડલામાં ડિમોલિશન ડ્રાઇવ પૂર્ણ થઈ ત્યાં સુધીમાં લગભગ 600થી વધુ કાચાં-પાકાં બાંધકામો તોડવામાં આવ્યાં છે. અહીં વસતા મોટાભાગના લોકો મુસ્લિમ સમુદાયના છે. અનેક લોકો એવા છે જે બહારના રાજ્યોથી અહીં આવીને વસી રહ્યા હતા. આ મામલે કંડલા પોર્ટના ચેરમેન સુશીલ કુમારે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, દબાણ કરનારા લોકોએ કાર્ગો જેટી અને ક્રિક વિસ્તારમાં રહેલી પોર્ટની અઢી કિલોમીટર લાંબી જમીન પર બાંધકામો કરી દીધાં હતાં. પોર્ટ પાસે નજીકના વોટરફ્રન્ટ સુધી પહોંચવાનો આ એક માત્ર રસ્તો હતો. અહીં નોંધવું જરૂરી છે કે કંડલા પોર્ટ ગુજરાતનું સૌથી મોટું બંદર છે અને દરિયાઈ સીમાની દ્રષ્ટિએ અતિસંવેદનશીલ પણ છે. અહીંથી પાકિસ્તાન પણ નજીક છે.

    અમોનિયા જેવા ખતરનાક ગેસ ભરેલાં ટેન્કો વચ્ચેની જગ્યામાં દબાણ, પાઈપલાઈનોમાં ચોરીને લઈને ભોપાલ જેવી દુર્ઘટનાની ભીતિ

    આ મેગા ડિમોલિશન ડ્રાઈવ વિશે જણાવતા સુશીલ કુમારે જણાવ્યું હતું કે, “ઊભાં કરવામાં આવેલાં બાંધકામો અમોનિયા જેવા ખતરનાક રસાયણોના સંચરણ માટેની બનાવવામાં આવેલી પાઈપલાઈનો, તેમજ 34 લાખ કિલો લિટર ક્ષમતા ધરાવતા ટેન્ક ફાર્મ વચ્ચે સ્થિત હતાં. અહીંથી અવારનવાર પાઈપોને કાપીને ચોરીઓ થતી હોવાની ફરિયાદો આવતી રહેતી. જો એમોનિયા જેવો ખતરનાક ગેસ લીક થાય અને તે આસપાસના વિસ્તારોમાં પ્રસરી જાય તો ભોપાલ ગેસ ત્રાસદી કરતાં પણ ભયાવહ દુર્ઘટના સર્જાઈ શકે છે. પાકિસ્તાન સાથે દરિયાઈ સીમા લાગતી હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ દબાણો ચિંતાજનક હતાં.”

    - Advertisement -

    ઇન્ડિયા ટીવી સાથે વાત કરતા સુશીલ કુમારે જણાવ્યું હતું કે, “અહીં માછીમારીનું એક્સેસ આપવામાં આવ્યું હતું, ધીમેધીમે આ લોકોએ તે સ્થળ પર ઝૂંપડાં વાળવાનું શરૂ કરી દીધું અને જોતજોતામાં તે અનિયંત્રિત થઇ ગયું અને 250 એકર સરકારી પોર્ટની જમીન પચાવી પાડી. ઑપરેશનના દૃષ્ટિકોણથી અમને આ કામગીરી ખૂબ જ જરૂરી લાગી. જો અહીં વધારાનો વિકાસ કરીને પોર્ટને વધુ સક્ષમ બનાવવું હશે, સુરક્ષા અને સિક્યુરિટી વધારવી તો આ પ્રકારના નિર્ણય લેવા પડશે. જે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી છે તે કાયદાની હદમાં રહીને કરવામાં આવી છે. ગેરકાયદેસર કબજો છે, તો તે ગેરકાયદેસર જ છે. તેને કાયદા મુજબ જ કાર્યવાહી થશે.”

    અહીં વસતા હતા અનેક ગુનેગારો, પોલીસ પાસે તમામનો રેકોર્ડ

    બીજી તરફ આ મામલે કચ્છ એસપી સાગર બાગમારેએ પણ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “કચ્છમાં ડ્રગ્સથી લઈને કેમિકલ કે ઓઈલની ચોરી થઈ રહી હતી અને અન્ય જે ગુનાખોરી થઇ રહી હતી તેના અનેક ગુનેગારોએ અહીં આશરો લીધો હતો. અમારી પાસે તેનો પ્રોપર રેકોર્ડ છે. અહીં રહીને તેમને તમામ પ્રકારના સરળ એક્સેસ મળી રહ્યા હતા. તે સીધી રીતે પોર્ટ અને દેશની સુરક્ષામાં અસર પાડી શકે તેમ હતા. આ દબાણથી ક્યાંકને ક્યાંક કાયદો અને વ્યવસ્થા પર અસર થઈ રહી હતી અને માટે આ કાર્યવાહી ખૂબ જરૂરી હતી. અન્ય કેટલાક સ્થળોએ પણ આ પ્રકારની ગતિવિધિઓ ધ્યાને આવી છે અને ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવશે.”

    માત્ર કડક કાર્યવાહી જ નહીં, અસરગ્રસ્તો પ્રત્યે પ્રશાસનની દયા-ભાવના પણ

    ઉલ્લેખનીય છે કે કંડલા પોર્ટ અને પ્રશાસન દ્વારા ઘણા લાંબા સમયથી દબાણો હટાવવા નોટિસ આપવામાં આવી રહી હતી. પરંતુ અહીં રહેતા લકોને એમ હતું કે તેમની મનમાની ચાલી જશે અને દબાણ નહીં હટાવવામાં આવે. તેવામાં તંત્રએ અંતિમ પગલું ભરીને જગ્યા ખાલી કરાવવાની કામગીરી હાથ ધરતાં તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા. જોકે પ્રશાસન જાણતું હતું કે ત્વરિત કાર્યવાહીથી લોકોને તકલીફ પડી શકે છે. આ માટે પહેલાથી જ 6000થી વધુ ફૂડ પેકેટ સહિતની તૈયારી કરી રાખવામાં આવી હતી. દબાણ હટાવવા કડક વલણ અપનાવી રહેલું ગુજરાત સરકારનું પ્રશાસન બીજી તરફ તમામ લોકોના ખાવા પીવાની ચિંતા પણ કરી રહ્યું હતું.

    આટલું જ નહીં, લોકોએ ગેરકાયદેસર બનાવેલા ઝૂંપડાં તોડવામાં આવ્યાં તો તેમાંથી નીકળેલા સમાન માટે પણ તંત્રએ ચિંતા કરી. ભાસ્કરના અહેવાલમાં જણાવ્યા અનુસાર જેમના પણ મકાનો તૂટ્યાં તેમના સામાનને તેમના યોગ્ય સ્થાને પહોંચાડવા 200 શ્રમિકો કંડલા પોર્ટ ઑથોરિટી દ્વારા મૂકવામાં આવ્યા હતા. કંડલા પોર્ટે સમાન લઈ જવા માટે ટ્રેક્ટર સહિતની વ્યવસ્થા પણ કરી રાખી હતી જેથી લોકોને અગવડ ન પડે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં