દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલે પ્રોપગેન્ડા પોર્ટલ ન્યૂઝક્લિકના સ્થાપક-સંપાદક પ્રબીર પુરકાયસ્થ વિરુદ્ધ UAPA કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી દીધી છે. દિલ્હી પોલીસે એડિશનલ સેશન્સ જજ હરદીપ કૌરની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. હવે ન્યૂઝક્લિક પોર્ટલના મુદ્દે કાર્યવાહી આગળ વધશે. આરોપ છે કે, ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિકને ચીનના સમર્થનમાં પ્રચાર કરવા માટે કરોડો રૂપિયા. આ કેસમાં પોર્ટલના સંસ્થાપક અને સંપાદક એવા પ્રબીર પુરકાયસ્થ મુખ્ય આરોપી છે. આ ઉપરાંત અમિત ચક્રવર્તીને સરકારી સાક્ષી બનાવવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલે શનિવારે (30 માર્ચ, 2024) પ્રોપગેન્ડા પોર્ટલ ન્યૂઝક્લિક વિરુદ્ધ પટિયાલા હાઉસની સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જાણવા મળી રહ્યું છે કે, ચાર્જશીટ 8,000 પેજની છે. જેને લોખંડની પેટીમાં કોર્ટ સુધી પહોંચાડવામાં આવી હતી. મીડિયામાં તેના વિડીયો પણ સામે આવ્યા છે. ચાર્જશીટમાં પ્રબીર પુરકાયસ્થ, HR હેડ અમિત ચક્રવર્તી અને ન્યૂઝક્લિકને આરોપી બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, 3 ઓકટોબર, 2023ના રોજ દિલ્હી પોલીસે પુરકાયસ્થની ધરપકડ કરી હતી. તેના પર આરોપ છે કે, તેણે અમિત ચક્રવતી સાથે મળીને યુનાઈટેડ સ્ટેટ અમેરિકાના માધ્યમથી ચીન પાસેથી ગેરકાયદેસર ફંડિંગ મેળવ્યું હતું.
Special Cell of Delhi Police has filed its first chargesheet in a news portal Newsclick case which is registered under the provisions of the Unlawful Activities (Prevention) Act, 1967, following allegations that news portal received huge money for pro-China propaganda.
— ANI (@ANI) March 30, 2024
The… https://t.co/TluY7oeMUM
આ પહેલાં ડિસેમ્બરમાં સ્પેશ્યલ સેલે એડિશનલ સેશન્સ જજ હરદીપ કૌરની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવા માટે ફેબ્રુઆરી સુધીનો સમય માંગ્યો હતો. ફેબ્રુઆરીમાં પણ પોલીસે માર્ચ સુધીનો સમય આપવા માટે અપીલ કરી હતી. તાજેતરમાં દિલ્હી પોલીસને ચાર્જશીટ દાખલ કરવા માટે 10 દિવસની મુદત આપવામાં આવી હતી. જે બાદ હવે ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, ચાર્જશીટમાં જપ્ત કરાયેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની પણ માહિતી આપવામાં આવી છે. પોલીસે 100 જેટલા દરોડા પાડ્યા હતા. જેમાં 480 જેટલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યાં હતાં. દિલ્હી પોલીસે UAPA હેઠળ ન્યૂઝક્લિકના પ્રબીર પુરકાયસ્થની તપાસ કરી હતી અને આજે તે જ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે ઓગસ્ટ, 2023માં પોર્ટલના સ્થાપક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને ઓકટોબર મહિનામાં એક સાથે અનેક સ્થળોએ દરોડા પાડ્યાં હતા.
38 કરોડના ફંડિંગનો કેસ
ન્યૂઝક્લિકને વિદેશમાંથી (ખાસ કરીને ચીનમાંથી) કરોડોનું ફંડિંગ મળ્યું હોવાનો આરોપ છે. FIRમાં નોંધવામાં આવ્યું છે કે, અમરિકન કરોડપતિ નવલ રાય સિંઘમ ન્યૂઝક્લિકને સતત ફંડિંગ કરી રહ્યો હતો. FIR નોંધ્યા બાદ સ્પેશ્યલ સેલે આ આરોપોની તપાસ કરી હતી અને હવે પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે, 5 ઓગસ્ટના રોજ ધ ન્યુયોર્ક ટાઇમ્સે એક લેખ પ્રકાશિત કર્યો હતો. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ન્યૂઝક્લિક અમેરિકન કરોડપતિ સિંઘમ પાસેથી ભંડોળ મેળવતા વૈશ્વિક નેટવર્કનો એક ભાગ હતો. જેના કથિત રીતે ચાઇનીઝ સરકારી મીડિયાના લોકો સાથે નજીકના સંબંધો હતા.