Friday, January 31, 2025
More
    હોમપેજક્રાઈમવિધાનસભા ચૂંટણી પહેલાં બાંગ્લાદેશીઓ માટે બની રહ્યા છે આધાર-ચૂંટણી કાર્ડ, દિલ્હી પોલીસે...

    વિધાનસભા ચૂંટણી પહેલાં બાંગ્લાદેશીઓ માટે બની રહ્યા છે આધાર-ચૂંટણી કાર્ડ, દિલ્હી પોલીસે 11 લોકોની ગેંગ ઝડપી: કચરો વીણવાથી લઈને ફેકટરીઓ સુધી ઘૂસી ચૂક્યા છે ઘૂસણખોરો

    દિલ્હીમાં ફેબ્રુઆરી 2025માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ પોલીસને ગેરકાયદે ઘૂસણખોરો વિરુદ્ધ સઘન અભિયાન ચલાવવાનો આદેશ આપ્યો હતો. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 175 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની ઓળખ કરવામાં આવી છે.

    - Advertisement -

    તાજેતરમાં દિલ્હીમાં (Delhi Police) ગેરકાયદે ઘૂસણખોરો વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ જ દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા ભારતમાં ગેરકાયદે આવતા ઘૂસણખોરોને (Infiltrators) ભારતીય ઓળખના દસ્તાવેજો (Fake ID Cards) બનાવી આપતી ગેંગના (Gang) 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જે ગેંગ ઝડપી તેમાં 5 બાંગ્લાદેશી તથા બાકીના ભારતીય હોવાનું સામે આવ્યું હતું. પકડાયેલા આરોપીઓમાં આધાર કાર્ડ ઓપરેટરો અને ટેકનિકલ નિષ્ણાતોનો પણ સામેલ છે.

    દિલ્હી પોલીસે મંગળવાર 24 ડિસેમ્બરે આ લોકોની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર જંગલોમાંથી ભારતમાં ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશીઓ વિવિધ માર્ગોથી દિલ્હી પહોંચતા હતા અને આ ગેંગને મળતા હતા. તથા આ ગેંગને મળીને તેમના નકલી ઓળખપત્રો બનાવતા હતા.

    દિલ્હીના DCP અંકિત ચૌહાણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યા અનુસાર, “અમે થોડા દિવસ પહેલાં એક હત્યા કેસમાં 4 લોકોની ધરપકડ કરી હતી. તેમણે કહ્યું કે તે લોકો બાંગ્લાદેશી છે. તેમણે સેંટો સેઠ નામના વ્યક્તિએ બોલાવ્યો હતો. તેણે દિલ્હીના રોહિણી વિસ્તારમાં પૂનમ કોમ્પ્યુટર સેન્ટર ચલાવતા સાહિલને મળીને આ બાંગ્લાદેશીઓ માટે બનાવટી જન્મ પ્રમાણપત્ર બનાવડાવ્યું. તેમનું આધાર કાર્ડ પણ બનાવડાવ્યું હતું. 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 5 બાંગ્લાદેશી અને તેમના 6 મદદગારોનો સમાવેશ થાય છે.”

    - Advertisement -

    તેમણે કહ્યું, “આ લોકો જંગલના રસ્તે ભારત આવે છે. ત્યારપછી તેઓ નકલી દસ્તાવેજોની મદદથી દિલ્હી સુધી આવે છે. દિલ્હીમાં નકલી દસ્તાવેજો બનાવતા નેટવર્કને મળીને આધાર કાર્ડ વગેરે મેળવે છે. આમાં એક વેબસાઈટનો પણ ખુલાસો થયો છે. આ વેબસાઇટ પરથી નકલી કાગળો બનાવવામાં આવતા હતા. આ વેબસાઇટ રજત મિશ્રા, સદ્દામ, સોનુ કુમાર અને ચાંદ મોહમ્મદ મળીને ચલાવતા હતા. તેમાંથી 2 એકાઉન્ટ પરથી 228 પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા છે. કુલ પ્રમાણપત્રો હજારોની સંખ્યામાં હોઈ શકે છે.”

    નકલી ચૂંટણી કાર્ડ પણ બનાવી દીધું

    તેમણે જણાવ્યા અનુસાર એક મહિલાએ ભારત આવીને ચૂંટણી કાર્ડ પણ બનાવડાવી દીધું હતું. તે પણ પકડાઈ ગઈ છે. પોલીસે જણાવ્યું કે તેઓ દરરોજ દિલ્હીમાં ઘૂસણખોરોની શોધ કરી રહ્યા છે. નોંધનીય છે કે આ ઘૂસણખોરો ભંગાર એકત્ર કરવાથી લઈને ફેક્ટરીઓમાં કામ કરવા સુધીના દરેક કામમાં રોકાયેલા છે. પોલીસ આ તમામની પૂછપરછ કરી રહી છે.

    પોલીસ આ ગેંગે બનાવેલ ઓળખ કાર્ડનો ઉપયોગ કરીને કયો ઘૂસણખોર ક્યાં રહે છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ઉપરાંત આ ગેંગે અત્યાર સુધીમાં કેટલા નકલી દસ્તાવેજો તૈયાર કર્યા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

    નોંધનીય છે કે દિલ્હીમાં ફેબ્રુઆરી 2025માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ પોલીસને ગેરકાયદે ઘૂસણખોરો વિરુદ્ધ સઘન અભિયાન ચલાવવાનો આદેશ આપ્યો હતો. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 175 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની ઓળખ કરવામાં આવી છે. તેમના કાગળોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ સિવાય દિલ્હીની શાળાઓને પણ એવા આદેશ આપવામાં આવ્યા છે કે તે ગેરકાયદે ઘૂસણખોરોના બાળકોને પ્રવેશ ન આપે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં