દિલ્હીના પ્રદૂષણને લઈને દિલ્હીના પર્યાવરણમંત્રી ગોપાલ રાયે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને હરિયાણાના પરિવહન મંત્રીઓ પ્રેમચંદ બૈરવા, દયાશંકર સિંઘ અને અનિલ વીજને પત્ર લખ્યા હતા. જેમાં વિનંતી કરી હતી કે આ રાજ્યોમાંથી આવતી ડીઝલ બસોના પ્રવેશ પર રાજધાની દિલ્હીમાં પ્રતિબંધ મૂકવા વિનંતી કરી હતી.
Amidst the rise in AQI levels in the national capital, Delhi Environment Minister Gopal Rai writes to the transport ministers of Haryana, UP, and Rajasthan, requesting them to ban the entry of diesel buses from these states into the national capital. pic.twitter.com/YHliFKQH5K
— ANI (@ANI) October 22, 2024
તેમણે પત્રમાં લખ્યું હતું કે, “હું શિયાળાની શરૂઆતની સાથે દિલ્હીમાં વધી રહેલ વાયુ પ્રદૂષણના સ્તર અંગે મારી ચિંતા વ્યક્ત કરવા આ પત્ર લખી રહ્યો છું.” તેમણે લખ્યું હતું કે દિલ્હીમાં વધી રહેલ વાયુ પ્રદુષણનું મુખ્ય ઘટક રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાંથી પ્રવેશથી ડીઝલ બસો છે. તેમણે આ બસોમાંથી નીકળતા ધુમાડાને પ્રદુષણનું મુખ્ય કારણ ગણાવ્યો હતો.
આગળ તેમણે લખ્યું કે, “હવાની ગુણવત્તા પર ડીઝલ ઉત્સર્જનની અસર વ્યાપક પ્રમાણમાં થઇ છે અને મોટી સંખ્યામાં આવતી આવી બસોનો ધસારો દિલ્હીમાં હવાની ગુણવત્તાના બગાડમાં નોંધપાત્ર ફાળો આપે છે, જે રહેવાસીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે.”
આગળ ગોપાલ રાયે લખ્યું કે, “ડીઝલ બસો શ્વસન રોગો અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે જવાબદાર હાનિકારક પ્રદૂષકોનું નોંધપાત્ર માત્રામાં ઉત્સર્જન કરે છે. દિલ્હી પહેલાથી જ નબળી હવાની ગુણવત્તા સાથે ઝઝૂમી રહ્યું છે અને આંતરરાજ્ય ટ્રાફિકનો આ વધારાનો બોજ પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહ્યો છે.” તેમણે ત્રણેય રાજ્યોના પરિવહન મંત્રીઓને વિનંતી કરી હતી કે આ રાજ્યોમાંથી દિલ્હીમાં પ્રવેશતી ડીઝલ બસો પર પ્રતિબંધ મામલે ચોક્કસ કડક નિયમો બનાવવા માટે વિચારણા કરવામાં આવે.
તેમણે પ્રદુષણ મામલે સામૂહિક પગલા લેવાનો ઉલ્લેખ કરતાં લખ્યું કે, “સક્રિય પગલાં લઈને, આપણે વાયુ પ્રદૂષણ ઘટાડવા અને રાજધાની માટે સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણની ખાતરી કરવા માટે સામૂહિક રીતે કામ કરી શકીએ છીએ. હું આશા રાખું છું કે પર્યાવરણ અને જાહેર આરોગ્યની સુધારણા માટે આ વિનંતીને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવશે.”
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી આતિશી પણ દિલ્હીના પ્રદૂષણ માટે ઉત્તર પ્રદેશ સરકારને જવાબદાર ઠેરવી ચુક્યા છે.
દિલ્હી વાયુ પ્રદુષણનું મુખ્ય કારણ પંજાબમાં સળગાવતી પરાળ
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દિલ્હીની AAP સરકારે દિવાળી નજીક આવતા ફટાકડા પર મુકેલ પ્રતિબંધને લંબાવ્યો હતો. પરંતુ દિવાળી પહેલાં જ દિલ્હીનું વાયુ પ્રદુષણ વધી રહ્યું છે. જેનું મુખ્ય કારણ AAP સરકારના જ રાજ્ય પંજાબમાં સળગાવવામાં આવતી પરાળનો ધુમાડો છે. લણણી પહેલાં જ પંજાબમાં પરાળ સળગાવવાના મામલા સામે આવી રહ્યા છે.
પંજાબના તરનતારન, અમૃતસર, પટિયાલા અને સંગરુરમાંથી પરાળ બાળવાની સૌથી વધુ ઘટનાઓ નોંધાઈ રહી છે. પંજાબમાં પણ AAPની સરકાર છે પણ તેને રોકી શકી નથી. 2023માં પણ, દેશમાં પરાળ સળગાવવાના સૌથી વધુ કેસ પંજાબમાંથી નોંધાયા હતા. વર્ષ 2023માં દેશનું સૌથી વધુ પરાળથી થતું પ્રદૂષણ 93% સાથે પંજાબમાં નોંધાયું હતું.