વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને બ્રિટિશ બ્રોડકાસ્ટ કોર્પોરેશન (BBC) દ્વારા બનાવવામાં આવેલી વિવાદિત ડોક્યુમેન્ટ્રીને લઈને દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દિલ્હીની કોર્ટે BBC, વિકિમીડિયા અને ઇન્ટરનેટ આર્કાઇવને સમન્સ પાઠવ્યું છે. આ કેસ ભાજપના એક નેતા દ્વારા દાખલ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે BBC પર વિવાદિત ડોક્યુમેન્ટ્રીમાં ભાજપ અને VHP-RSS જેવાં સંગઠનોની છબી ખરડવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.
આ માનહાનિ કેસમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ રૂચિકા સિંગલાએ BBC તેમજ ફ્રી એન્સાયક્લોપીડિયા વિકિપીડિયાને ભંડોળ પૂરું પાડતી સંસ્થા વિકિમીડિયા તેમજ અમેરિકન ડિજિટલ લાઈબ્રેરી જેને ઇન્ટરનેટ આર્કાઇવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને સમન્સ ફટકાર્યું છે. કોર્ટે તમામને 30 દિવસની અંદર જવાબ દાખલ કરવા માટે આદેશ આપ્યો છે.
આ મામલે અરજી દાખલ કરનાર બિનય કુમારે જણાવ્યું હતું કે, તેઓ ઝારખંડ ભાજપની કાર્યકારી સમિતિના સભ્ય છે. ઉપરાંત તેઓ RSS અને VHPના સક્રિય સ્વયંસેવક પણ છે. અરજીમાં આરોપ લગાવતાં તેમણે કહ્યું કે, BBCની આ ડોક્યુમેન્ટ્રીમાં RSS, VHP અને ભાજપ જેવા સંગઠનોની છબી ખરડાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
તેમણે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, ‘ડોક્યુમેન્ટ્રીમાં RSS અને VHP વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો સંગઠન અને તેના લાખો સ્વયંસેવકોને બદનામ કરવા માટે થયેલું દુર્ભાવનાપૂર્ણ કાર્ય છે. આ પ્રકારના નિરાધાર આરોપ સંઘ અને વિહિપની પ્રતિષ્ઠા અને છબીને નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. ભારતના સંસ્કૃતિક, સામાજિક અને રાષ્ટ્રીય મૂલ્યોને જાળવી રાખવા માટે સંગઠનોના લાખો સ્વયંસેવકો અને કાર્યકર્તાઓ પ્રતિબદ્ધ છે.’
અરજીમાં કહેવામાં આવ્યું કે, BBCએ દાવાઓની પ્રમાણિકતાની પુષ્ટિ કર્યા વગર જ જાણીજોઈને નિરાધાર અફવાઓ ફેલાવી. આ ઉપરાંત તેમાં લગાવવામાં આવેલા આરોપો અનેક ધર્મ, સમુદાયો અને વિશેષ રૂપે હિંદુ અને મુસ્લિમો વચ્ચે દુશ્મની ઉભી કરે તેવા છે. ભારતમાં આ ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ લાગવા છતાં વિકિપીડિયા પર તેને લગતી લિંક ઉપલબ્ધ છે અને વાંધાજનક સામગ્રી હજુ પણ ઈન્ટરનેટ આર્કાઈવ પર ઉપલબ્ધ છે.
ફરીયાદી પક્ષે કોર્ટને આ મામલે જણાવ્યું હતું કે, ઉપરોક્ત ત્રણેય સંસ્થાઓ દેશની છબી ખરાબ કરવા ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદ જેવા પ્રતિષ્ઠિત સંગઠનોની છબી ખરડાય તે હેતુથી સાથે મળીને કાર્ય કરી રહી છે. જે બદલ BBC, વિકિમીડિયા, અને ઈન્ટરનેટ આર્કાઈવ વિરુદ્ધ આ પ્રકારની સામગ્રીને પ્રકાશિત ન કરવાના આદેશ આપવામાં આવે.
આ દલીલો બાદ કોર્ટે BBC અને અન્યોને સમન્સ પાઠવ્યાં હતાં. કોર્ટ આગામી 11 મેના રોજ કેસની વધુ સુનાવણી હાથ ધરશે.