દિલ્હીના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી નેતા મનિષ સિસોદિયાને (Manish Sisodia) હજુ પણ રાહત મળી નથી. તેમની ઇડી કસ્ટડી પૂરી થતાં આજે દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે કસ્ટડી (Custody) વધુ પાંચ દિવસ માટે લંબાવી દીધી છે.
Excise policy case | Delhi's Rouse Avenue Court extends Delhi's former Deputy Chief Minister Manish Sisodia ED remand by five more days in a money laundering case pertaining to alleged irregularities in the framing and implementation of the excise policy of GNCTD. pic.twitter.com/oIKH9FqN8m
— ANI (@ANI) March 17, 2023
મનિષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ ઇડીએ પણ જેલમાં જઈને તેમની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે તેમની કસ્ટડી મંજૂર કરી હતી. જે મુદત આજે પૂર્ણ થતાં તેમને દિલ્હીની રોઝ એવન્યૂ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
મનિષ સિસોદિયાને કોર્ટે 22 માર્ચ સુધી ઇડીની કસ્ટડીમાં મોકલ્યા છે અને 22મીએ ફરીથી કોર્ટમાં રજૂ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે, ઇડીએ તેમની સાત દિવસની કસ્ટડી માંગી હતી. એજન્સીએ કહ્યું કે તપાસ હાલ ચાલી રહી છે અને હજુ તેમની પૂછપરછ કરવી પડે તેમ છે.
સુનાવણી દરમિયાન એજન્સીએ કોર્ટને જણાવ્યા અનુસાર, તપાસમાં સામે આવ્યું હતું કે મનિષ સિસોદિયા છેલ્લા 8 મહિનાથી એક ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા પરંતુ 22 જુલાઈ, 2022ના દિવસે જ્યારે ઉપરાજ્યપાલે ફરિયાદ CBIને મોકલી હતી ત્યારે તેમણે આ ફોન બદલી નાંખ્યો હતો. તેમજ જ્યારે એજન્સીએ આ અંગે તેમને પૂછ્યું તો સિસોદિયા જવાબ આપી શક્યા ન હતા.
Hossain: When we put to him about change of phone, he was unable to answer where the phone is currently and when it was disposed of. #ManishSisodia #LiquorPolicy #ED
— Live Law (@LiveLawIndia) March 17, 2023
બીજી તરફ, મનિષ સિસોદિયાના વકીલે દલીલ કરી હતી કે ઓગસ્ટ 2022માં ECIR (ઇડીની ફરિયાદ, FIRની સમકક્ષ) નોંધવામાં આવી હતી, તેમનું કોમ્પ્યુટર જપ્ત કરાયું, તપાસ કરવામાં આવી અને એક એજન્સી ફોરેન્સિક તપાસ પણ કરી ચૂકી છે અને હવે બીજી એજન્સી એ જ પ્રક્રિયા ફરીથી કરવા માંગે છે.
ઇડીએ આરોપ લગાવતાં કહ્યું કે, એક્સાઈઝ પોલિસી એક કાવતરાના ભાગરૂપે લાગુ કરવામાં આવી હતી, જેથી અમુક ખાનગી કંપનીઓને 12 ટકા જેટલો હોલસેલ બિઝનેસ પ્રોફિટ મળી શકે. એજન્સીએ એ પણ રજૂઆત કરી કે આ ષડ્યંત્ર વિજય નાયર અને દક્ષિણ ભારતના અન્ય કેટલાક લોકો દ્વારા હોલસેલર્સને વધુ લાભો પહોંચાડવા માટે રચવામાં આવ્યું હતું અને નાયર મનિષ સિસોદિયાના ઈશારે કામ કરતો હતો.
ઇડીએ એ પણ જણાવ્યું હતું કે, મનિષ સિસોદિયાએ 14 જેટલા ફોન નષ્ટ કરી નાંખ્યા હતા, જેમાંથી 2 જ એજન્સીને મળી શક્યા છે. તેમણે અન્ય લોકોનાં નામ પર ફોન અને સીમકાર્ડ મેળવ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મનિષ સિસોદિયાની 27 ફેબ્રુઆરીએ ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ તેમને પાંચ દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. પછીથી આ કસ્ટડી 2 દિવસ માટે લંબાવવામાં આવી હતી. 6 માર્ચે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આ જ દરમિયાન ઇડીએ તેમની ધરપકડ કરી લીધી હતી.