દિલ્હીમાં કેજરીવાલ સરકારની (Kejriwal Government) મુશ્કેલીઓ વધી શકે તેવા અણસાર દેખાઈ રહ્યા છે. દિલ્હી વિધાનસભામાં (Delhi Assembly) વિપક્ષના નેતા અને ભાજપ ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાએ સોમવારે કહ્યું છે કે, બંધારણના ઉલ્લંઘનને લઈને આમ આદમી પાર્ટી (AAP) સરકારને બરતરફ કરવાની માંગને લઈને ભારતીય જનતા પાર્ટીના (ભાજપના) ધારસભ્યોએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. આ સાથે તેમણે એવું પણ કહ્યું કે, દિલ્હી ભાજપના ધારાસભ્યોએ લખેલો પત્ર રાષ્ટ્રપતિ કાર્યાલયે ગૃહ મંત્રાલયને મોકલ્યો છે. ભાજપ ધારાસભ્યોના આ પત્રના કારણે કેજરીવાલ સરકારને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
દિલ્હીના (Delhi) ભાજપ નેતા વિજેન્દ્ર ગુપ્તાએ એક નિવેદનમાં દાવો કર્યો છે કે, દિલ્હી સરકાર દ્વારા છઠ્ઠા દિલ્હી નાણાં પાંચની રચના કરવી અને કેગના રિપોર્ટ પર કોઈ પગલાં ન લેવા એ બંધારણનું ઉલ્લંઘન છે. ભાજપના ધારાસભ્યોનું એક પ્રતિનિધિમંડળ 30 ઑગસ્ટના રોજ રાષ્ટ્રપતિને (President Of India) મળ્યું હતું અને એક પત્ર પણ સોંપ્યો હતો. જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં હોવાના કારણે દિલ્હીમાં ઉત્પન્ન થયેલા બંધારણીય સંકટ વચ્ચે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માટેનો આગ્રહ કરવામાં આવ્યો હતો.
दिल्ली में संवैधानिक संकट: विपक्षी नेताओं की मांग पर राष्ट्रपति सचिवालय ने लिया संज्ञान, गृह मंत्रालय को भेजा पत्र – Constitutional crisis in Delhi https://t.co/lBb6RNNjDV
— Vijender Gupta (@Gupta_vijender) September 9, 2024
ભાજપ નેતાએ રાષ્ટ્રપતિ સચિવાલય પાસેથી મળેલા એક પત્રને દર્શાવતા કહ્યું હતું કે, રાષ્ટ્રપતિએ પત્રનું સંજ્ઞાન લઈને તે પત્ર ગૃહ મંત્રાલયને મોકલી દીધો છે. ઉપરાંત ભાજપ નેતાએ વધુમાં કહ્યું કે, તેમણે ગૃહ સચિવને આ મામલે તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવા માટેનો આગ્રહ કર્યો છે. આ સાથે જ વિજેન્દ્ર ગુપ્તાનું એક નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, “આમ આદમી પાર્ટી સત્તામાં રહેવાનો નૈતિક અધિકાર ગુમાવી ચૂકી છે અને દિલ્હીની જનતા દ્વારા આપવામાં આવેલા જનાદેશને દગો આપ્યો છે.”
તેમણે વધુમાં કહ્યું છે કે, અમે રાષ્ટ્રપતિને મળીને આ સરકારને બરતરફ કરવા અને દિલ્હીમાં બંધારણીય વ્યવસ્થાને પરત લાવવા માટે તાત્કાલિક કાર્યવાહીનો આગ્રહ કર્યો છે.” નોંધવા જેવુ છે કે, દિલ્હી વિધાનસભાના વિપક્ષના નેતા અને ભાજપ ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા અને અન્ય ભાજપના ધારાસભ્યોએ 30 ઑગસ્ટના રોજ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી અને તેમને પત્ર સોંપ્યો હતો. તેમાં દિલ્હીના અનેક મુદ્દાઓને ઉઠાવવામાં આવ્યા હતા અને બંધારણ જોખમમાં હોવાનું કહીને રાષ્ટ્રપતિને તાત્કાલિક પગલાં ભરવા કહેવામાં આવ્યું હતું.