આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections) પહેલાં આમ આદમી પાર્ટીના (AAP) સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ફરી એક વાર મફતની રેવડી વહેંચતા જોવા મળ્યા છે. તેમણે દિલ્હીની જનતાને વાયદો કર્યો છે કે, જો ફરી એક વાર સત્તાનો દોર તેમના હાથમાં સોંપવામાં આવશે, તો તેઓ જનતાનું ‘વધેલું પાણી અને વીજળીનું બીલ’ માફ કરી દેશે.
મજાની વાત તો તે છે કે સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગરમાં આયોજિત આમ આદમી પાર્ટીની જાહેરસભામાં AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પોતે જ પોતાની સરકારની ભૂલ સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે તેમની સરકારમાં લોકોને મસમોટા અને ખોટા પાણી તેમજ વીજળીના બિલ મોકલવામાં આવ્યા છે.
અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું કે, “તાજેતરમાં જ મેં સાંભળ્યું છે કે, જયારે હું જેલમાં હતો ત્યારે મારી પીઠ પાછળ તેમણે ગરબડ કરી દીધી અને તમને (જનતાને) ફરીથી પાણી અને વીજળીના બિલ મોકલી આપ્યા. ” તેમણે જનતાને વાયદો કર્યો કે જો આગામી વિધાનસભા ચૂંટણીઓમાં ફરી આમ આદમી પાર્ટી સત્તામાં આવી, તો તેઓ આ સમસ્યાનું સમાધાન કરશે અને જનતાને ‘લાભ’ આપવાનું ચાલુ રાખશે.
#WATCH | Addressing a rally on the occasion of Vishwakarma Puja in Delhi, AAP national convenor Arvind Kejriwal said, "…You don't need to pay water bills. Form our government again in February and I will waive off your water bills. During Sheila Dikshit's time, there used to be… pic.twitter.com/jmMwioXjYz
— ANI (@ANI) November 2, 2024
આટલું જ નહીં, અરવિંદ કેજરીવાલે લોકોને નિર્દેશ આપ્યો હતો કે, તેઓ દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પાણીના બિલની ચુકવણી ન કરે. તેમણે ‘ઘોષણા’ કરી કે, “જે લોકોને પાણીના ખોટા બિલ મળ્યા છે, તેમને તેની ચુકવણી કરવાની જરૂર નથી. બસ ફેબ્રુઆરી મહિનામાં ફરીથી મારી સરકાર બની જાય એટલે હું તરત જ બધા જ પાણીના બિલ માફ કરી દઈશ. તમને બધાને પહેલાંની જેમ જ પાણીના બિલ શૂન્ય મળશે.”
એટલું ઓછું હતું તો અરવિંદ કેજરીવાલે એક ડગલું આગળ વધીને પોતાના ભાષણમાં પાણી અને વીજળીના બીલને સાવ મફત કરી દેવાનો દાવો પણ કર્યો હતો. આ સિવાય તેમણે એમ પણ કહ્યું કે, “હું એમ નથી કહી રહ્યો કે તમે મને વોટ આપો. તમે પોતે જ જોઈ લેજો… તમે જોઈ શકો છો કે કેન્દ્ર સરકારે દિલ્હી માટે કશું જ નથી કર્યું.”
તો બીજી તરફ તેમની આ વાતને લઈને દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ અરવિંદ કેજરીવાલ પર નિશાનો સાધતા કહ્યું કે, “કેજરીવાલ દિલ્હીની જનતાને કહે છે કે જો તેમનું પાણીનું બિલ વધારે હોય તો તેની ચુકવણી કરવાની જરૂર નથી, તેઓ માર્ચ મહિનામાં તેને માફ કરી દેશે. દિલ્હીની જનતા પૂછે છે કે તેઓ આજે પણ સત્તામાં છે જ, તો પછી અત્યારે જ કેમ તેઓ આ શુલ્ક માફ નથી કરી રહ્યા?”