Wednesday, October 23, 2024
More
    હોમપેજદેશ‘આ માત્ર કાયદાનો ભંગ નહીં પણ બંધારણના મૂળભૂત અધિકારનું પણ ઉલ્લંઘન’: પરાળ...

    ‘આ માત્ર કાયદાનો ભંગ નહીં પણ બંધારણના મૂળભૂત અધિકારનું પણ ઉલ્લંઘન’: પરાળ બાળવા મામલે સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા સરકારની કાઢી ઝાટકણી

    ઉત્તર ભારતમાં પરાળ સળગાવવાની સમસ્યાનો સામનો કરવા માટે કડક નિયમો ન બનાવવા બદલ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની પણ ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, ”કેન્દ્ર સરકારે કોઈ મિકેનિઝમ બનાવ્યું નથી અને પર્યાવરણ સુરક્ષા કાયદો શક્તિવિહીન બની ગયો છે.”

    - Advertisement -

    23 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે (Supreme Court) હરિયાણા (Haryana) અને પંજાબ (Punjab) સરકારની ઝાટકણી કાઢી હતી. આ બંને રાજ્યોમાં પરાળ બાળવાના (Stubble Burning) સૌથી વધુ મામલા સામે આવતા હોય છે. દિલ્હીના વાયુ પ્રદૂષણનું (Delhi Air Pollution) મુખ્ય કારણ પણ પરાળ સળગાવવાથી નીકળતો ધુમાડો જ છે. ત્યારે આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બંને રાજ્યોએ પરાળ સળગાવનારાઓ સામે કોઈ શિક્ષાત્મક પગલાં લીધાં નથી. તથા જો આ સરકારો ખરેખર કાયદાનો અમલ કરવામાં રસ ધરાવતી હોય તો  એકાદ કાર્યવાહી તો કરી હોત.

    ઉલ્લેખનીય છે કે, કોર્ટે પંજાબના મુખ્ય સચિવને વકીલોને ખોટા નિવેદનો આપવાનો નિર્દેશ આપવા બદલ ઠપકો પણ આપ્યો હતો. ગયા અઠવાડિયે, સર્વોચ્ચ અદાલતે હરિયાણા અને પંજાબ સરકારોને દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હવાની ગુણવત્તાને બગાડનાર પરાળ બાળનારા ખેડૂતો સામે પગલાં ન લેવા બદલ ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે હરિયાણા અને પંજાબના મુખ્ય સચિવોને 23 ઓક્ટોબરે હાજર થવા અને ખુલાસો કરવા માટે સમન્સ પાઠવ્યા હતા.

    સરકારને કાયદાના અમલમાં રસ નથી…

    આ મામલે 23 ઓક્ટોબરે જસ્ટિસ અભય ઓકા અને ઑગસ્ટિન જ્યોર્જ મસીહની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બેન્ચે સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું, “જો આ સરકારો કાયદાના અમલમાં રસ ધરાવતી હોત તો ઓછામાં ઓછી એક કાર્યવાહી થઈ હોત.”

    - Advertisement -

    કોર્ટે પંજાબના મુખ્ય સચિવને કહ્યું હતું કે “લગભગ 1,080 ઉલ્લંઘન કરનારાઓ સામે કેસ નોંધવામાં આવ્યા હતા, પરંતુ માત્ર 473 લોકો પાસેથી નજીવો દંડ વસૂલવામાં આવ્યો હતો. તમે 600 કે તેથી વધુ લોકોને છોડી રહ્યાં છો. અમે તમને સ્પષ્ટપણે જણાવીએ કે તમે ઉલ્લંઘન કરનારાઓને સંકેત આપી રહ્યા છો કે તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. સતત છેલ્લા ત્રણ વર્ષથી આવું થઈ રહ્યું છે.”

    દર મિનિટે બદલાય છે આંકડા…

    ઉલ્લેખનીય છે કે હરિયાણાના ચીફ સેક્રેટરીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે 400 પરાળ સળગાવવાની ઘટનાઓ બની જેમાંથી રાજ્યમાં 32 FIR નોંધવામાં આવી છે. આના પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “પરાળ સળગાવનારાઓના આંકડા વિશે જૂઠ બોલવામાં આવી રહ્યું છે. દર મિનિટે આંકડા બદલાતા રહે છે.”

    કોર્ટે હરિયાણા સરકારને કહ્યું, “હરિયાણા પસંદગી પૂર્વકના લોકો પાસેથી દંડ વસૂલી રહ્યું છે અને કેટલાક વિરુદ્ધ જ FIR નોંધવામાં આવી રહી છે. અમે માત્ર કેટલાક પર FIR નોંધવા બદલ અને કેટલાક પર નજીવી રકમનો દંડ લાદવા અંગે ચિંતિત છીએ.”

    ઉત્તર ભારતમાં પરાળ સળગાવવાની સમસ્યાનો સામનો કરવા માટે કડક નિયમો ન બનાવવા બદલ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની પણ ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, ”કેન્દ્ર સરકારે કોઈ મિકેનિઝમ બનાવ્યું નથી અને પર્યાવરણ સુરક્ષા કાયદો શક્તિવિહીન બની ગયો છે.” સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને 10 દિવસમાં પરાળ સળગાવનારા વિરુદ્ધ  શિક્ષાત્મક કાર્યવાહી કરવા નવા નિયમો સૂચિત કરવા જણાવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “કેન્દ્ર અને પંજાબ અને હરિયાણા રાજ્યોને યાદ અપાવવાનો સમય આવી ગયો છે કે પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં જીવવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે.” સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરાળ સળગાવવાથી થતું પ્રદુષણ કલમ 21 હેઠળના મૂળભૂત અધિકારોનું ઘોર ઉલ્લંઘન છે. વાયુ પ્રદૂષણના મામલાને દિવાળી સુધી મુલતવી રાખતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે દિલ્હીમાં પરિવહનથી થતા પ્રદૂષણ, શહેરમાં ભારે ટ્રકોના પ્રવેશ અને કચરાને ખુલ્લામાં સળગાવવા જેવા વિવિધ મુદ્દાઓ પર વિચાર કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં