ઝારખંડમાં આવેલા હજારીબાગમાંથી દલિત વ્યક્તિ સાથે અત્યાચારનો મામલો સામે આવ્યો છે. અહીં દલિત સમુદાયના એક યુવકને કેટલાક મુસ્લિમોએ લોખંડના પાઇપથી માર માર્યો હતો અને જાતિસૂચક અપશબ્દો પણ કહ્યા હતા. આરોપીઓના નામ ઝીશાન, નસીબ અને મોન્ટી ખાન છે. આ ઘટનામાં 30-40 અન્ય અજાણ્યા હુમલાખોરો પણ સામેલ હોવાનું કહેવાય છે. ઘટના સમયે પીડિત દિવાકર નાયક તેની બાઇક પર ભાજપની રેલીમાંથી પરત ફરી રહ્યા હતા. નાયક સાથે વિક્કી રાણા નામનો અન્ય યુવક પણ ઘાયલ થયો હતો. આ ઘટના શનિવારે (18 મે 2024)ના રોજ બની હતી. પોલીસે આ મામલે FIR નોંધીને 3 આરોપીઓની ધરપકડ કરી છે.
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા બાબુલાલ મરાંડીએ પોલીસ સ્ટેશનમાં પીડિતે આપેલી ફરિયાદને પોતાના X હેન્ડલ પર શેર કરી છે. આ ઘટના ઝારખંડમાં આવેલા હજારીબાગના બડકાગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અહીંના રહેવાસી અનુસૂચિત જાતિના (દલિત) દિવાકર કુમાર નાયકે જણાવ્યું કે, તેઓ શનિવારે તેમના 150 મિત્રો સાથે ભાજપની રેલીમાં સામેલ થયા હતા. પરત ફરતી વખતે તેઓ તેમના મિત્ર વિક્કી રાણા સાથે બાઇક પર ગોંદલપુરા પરત ફરી રહ્યા હતા. દિવાકરની બાઇક સૌથી પાછળ ચાલી રહી હતી. આ સમય દરમિયાન, તેમને બાદમ નામના મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારમાં રોકવામાં આવ્યા હતા.
જેમણે દિવાકરને અટકાવ્યા હતા તેઓ બાદમના રહેવાસી જીશાન, નસીબ, મોન્ટી ખાન અને અન્ય 30થી 40 અજાણ્યા લોકો હોવાનું કહેવાય છે. આરોપ છે કે, આ બધાએ પીડિતને જાતિસૂચક અપશબ્દો કહીને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. થોડા સમય બાદ ત્યાં હાજર લોકોએ નજીકની દુકાનમાંથી લોખંડની પાઇપો કાઢી દિવાકર અને વિક્કી રાણાને માર મારવાનું શરૂ કર્યું હતું. હુમલામાં દિવાકરને ગળાના ભાગે અને ચહેરા પર ઈજાઓ થઈ હતી. આ દરમિયાન ભીડમાં રહેલા અન્ય લોકો પણ દિવાકર અને વિક્કીને લાતો અને મુક્કાથી મારતા રહ્યા હતા.
हजारीबाग के मुस्लिम बस्ती में दलित युवक दिवाकर नायक के उपर जीशान खान, मोंटी खान और नसीब खान ने लोहे के रॉड से जानलेवा हमला किया और जातिसूचक गालियां भी दीं। साथ ही बड़कागांव में दिवाकर के दोस्त विक्की राणा के साथ भी उक्त लोगों ने मारपीट करते हुए जान से मारने का प्रयास किया।… pic.twitter.com/ip0Gk2nEMa
— Babulal Marandi (Modi Ka Parivar) (@yourBabulal) May 18, 2024
ફરિયાદમાં પીડિતે જણાવ્યું છે કે, શરીર પર ઈજાના કારણે તેઓ હાલ ચાલી શકતા નથી. વિક્કી રાણા પણ ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. પીડિતે પોતાની ફરિયાદના અંતે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે 3 વિરુદ્ધ નામજોગ અને 30-40 અન્ય અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે. અત્યાર સુધીમાં ત્રણ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અન્ય આરોપીઓની ઓળખ કરી તપાસ કરવામાં આવી રહી છે. ભાજપે આ ઘટનાને રાજ્ય સરકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નાર્થ ચિહ્ન ગણાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મુસ્લિમ પક્ષના લોકો પણ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે, બડકાગાંવ મસ્જિદ પાસે વાંધાજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેણે વાતાવરણને બગાડ્યું હતું. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.