પાટણના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામમાં લગ્નપ્રસંગમાં ડીજે વગાડવા મામલે મુસ્લિમ ટોળાંએ દલિત પરિવાર પર હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, દલિત પરિવારની દીકરીના લગ્ન દરમિયાન ડીજે વગાડવાને લઈને મુસ્લિમ સમુદાયના અમુક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને એકાએક હુમલો કરી દીધો હતો. આ ઘટનાને લઈને પીડિત પરિવારના 8 સભ્યો ઘાયલ થયા હતા. વધુમાં વાગડોદ પોલીસ સ્ટેશનમાં 14 આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ઘટનાની વિગતો અનુસાર, અમદાવાદનો દલિત પરિવાર જાન લઈને પાટણના ભીલવણ ગામે આવ્યો હતો. રાત્રે લગ્નપ્રસંગ યોજાવાનો હતો. આ ઉપરાંત રાસગરબા માટે ડીજેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, આ દરમિયાન 400-500ના સ્થાનિક મુસ્લિમ ટોળાંએ ધોકા અને લાકડીઓ લઈને દલિત પરિવાર પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 8 લોકો ઘાયલ થઈ ગયા હતા.
ભાસ્કરના રિપોર્ટ અનુસાર, જ્યારે પરિવાર મામેરું વધાવવા માટે જઈ રહ્યો હતો ત્યારે જ હફિઝા નામની મહિલા આવી ચડી અને ‘અહીં તમે ડીજે કેમ વગાડો છો’ કહીને બબાલ શરૂ કરી દીધી હતી અને મુસ્લિમ સમુદાયના માણસોને એકઠા કરી દીધા હતા. ત્યારબાદ ‘અહીં તમારા દલિતોનાં ઘર ઓછાં છે, છતાં કેમ ડીજે વગાડો છો’ કહીને માથાકૂટ શરૂ કરી દીધી. ત્યારબાદ જાતિસૂચક ગાળો ભાંડીને મારપીટ શરૂ કરી દીધી હોવાનો આરોપ છે. મહિલાઓની છેડતી અને લૂંટફાટ કરવાનો પણ આરોપ ફરિયાદમાં લગાવવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી અને મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ખડકી દેવામાં આવી હતી. ઉપરાંત લગ્નની વિધિ પણ મુલતવી રાખવામાં આવી હતી. આખી રાત પોલીસે સુરક્ષા પૂરી પાડ્યા બાદ વહેલી સવારે પોલીસ સંરક્ષણ હેઠળ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ સાથે જ પોલીસે કાર્યવાહી પણ શરૂ કરી દીધી હતી.
મુસ્લિમ ટોળાં વિરુદ્ધ એટ્રોસિટી હેઠળ દાખલ થયો ગુનો
આ સમગ્ર ઘટનાને લઈને એક તરફ પોલીસે હિંદુ પરિવારને સંરક્ષણ પૂરું પાડ્યું હતું તો બીજી તરફ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી. આ મામલે મુસ્લિમ ટોળાંના 14 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે વિવિધ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી દીધી હતી. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં વાગડોદ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મોટાભાગના આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
વધુમાં આરોપીઓની ઓળખ હફિઝા માણસીયા, આસિફ બાદરપુરા, આમીન મઢીયા, અબ્દુલ વહીદ માણસીયા, જાવેદ મરેડીયા, રહીમ મઢીયા, પરોડ મઢીયા, ટુલીયો મઢીયા, સઈદ અકબર, મહંમદ મરેડીયા, સાબેદા વાહીદ મઢીયા, ઇમ્તિયાઝ, અશફાક ઉમર અને મહંમદ સઈદ ચારોલીયા તરીકે થઈ છે. હાલ આ સમગ્ર મામલે SC/ST સેલ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.