ડાકોરમાં હિંદુ યુવતીના આપઘાત કેસમાં પોલીસે આરોપી અબ્દુલ્લા મોમીનનું લેપટોપ જપ્ત કર્યા બાદ હવે તેનો મોબાઈલ પણ જપ્ત કર્યો છે. પોલીસ ધરપકડ બાદથી જ અબ્દુલ્લાનો મોબાઈલ શોધી રહી હતી, ત્યારે હવે છેક મોરબી જિલ્લાના વાંકાનેર ખાતેથી દરગાહમાં સંતાડવામાં આવેલો મોબાઈલ પોલીસના હાથે વળગ્યો છે. પોલીસે મોબાઈલ જપ્ત કરી FSLને તપાસ કરવા મોકલી આપ્યો છે.
મળતી માહિતી અનુસાર ડાકોરમાં હિંદુ યુવતીના આપઘાત કેસમાં મૃતક યુવતીના પોલીસ પિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી હતી. જે બાદ તેને કોર્ટમાં રજૂ કરતાં 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપી અબ્દુલ્લા મોમીનને નડિયાદની બિલોદરા જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે પોલીસે આરોપીનું લેપટોપ કબ્જે કરી લીધું હતું, જયારે અબ્દુલ્લાએ મોબાઈલ ફોન ક્યાંક છુપાવી દીધો હોવાના કારણે પોલીસે ફોનની શોધખોળ આદરી હતી.
ઉલ્લેખનીય છે કે હવે પોલીસને મોબાઈલ ફોન મળી આવતા તેને FSL તાપસ માટે મોકલી આપવામાં આવ્યો છે. FSL થયા બાદ અબ્દુલ્લાના વધુ કારસ્તાનો છત્તા થાય તેવી આશંકાઓ પણ જતાવાઈ રહી છે. ઉપરાંત FSL રીપોર્ટ આવ્યાં બાદ તેના આધારે આગળની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે.
Kheda News: ડાકોરમાં પોલીસકર્મીની દીકરીના જીવન ટૂંકાવવા મામલે આરોપી અબ્દુલ્લાનો મોબાઈલ જપ્ત કરાયો#gujarat #dakor #kheda #vtvgujarati pic.twitter.com/tJjtJ0rWYj
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 23, 2023
ડાકોર હિંદુ યુવતીના આપઘાત કેસમાં આખો ઘટનાક્રમ
આ મામલો ખેડા જિલ્લાનો છે. અહીં ડાકોરની એક 22 વર્ષીય હિંદુ યુવતી નડિયાદની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી. જ્યાં અગાઉ તેને અબ્દુલ્લા મોમિન સાથે પ્રેમસંબંધ હતો પરંતુ પછીથી યુવતીએ પૂર્ણવિરામ મૂકી દીધું હતું. જેના કારણે અબ્દુલ્લા ઉશ્કેરાયો હતો અને તેને સમાજમાં બદનામ કરી દેવાની અને બરબાદ કરવાની ધમકી આપતો હતો. ઉપરાંત, તે કોલેજ આવવા-જવા દરમિયાન અને મોબાઈલ પર પણ પરેશાન કરતો રહેતો હતો. બીજી તરફ, યુવતી કરગરતી રહી અને તેને છોડી દેવા માટે કહેતી રહી હતી પરંતુ તેમ છતાં તેણે ત્રાસ આપવાનો ચાલુ રાખ્યો હતો.
દરમ્યાન, ગત 11-12 મેના રોજ યુવતીના પરિજનો લગ્નપ્રસંગે બહારગામ ગયા હતા અને તે ઘરે એકલી હતી ત્યારે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. તેની અંતિમવિધિ પૂર્ણ કરીને પરત ફર્યા બાદ મોબાઈલ ફોન ચેક કરતાં તેના પિતાને અબ્દુલ્લા વિશે જાણવા મળ્યું હતું. તેમને કોલ રેકોર્ડિંગ અને મેસેજ પણ મળી આવ્યા હતા, જેમાં અબ્દુલ્લા યુવતીને બ્લેકમેઈલ કરતો હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે અબ્દુલ્લા સામે IPC 306 હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી લીધી હતી.