ન્યુયોર્કમાં ગ્રાહકે ચિકન બિરયાની ન મળતા રેસ્ટોરન્ટ ફૂંકી મારી હોવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ બાંગ્લાદેશી રેસ્ટોરન્ટમાં માત્ર એટલા માટે આગ લગાવી દીધી કારણ કે તેને તેનો ઓર્ડર એટલે કે ચિકન બિરયાની નહોતી મળી. આ ઘટના (1લી ઓક્ટોબર, 2022) ક્વીન્સ વિસ્તારની છે અને પોલીસે આ સંબંધમાં એક ફૂટેજ બહાર પાડી છે. આરોપી ચોફેલ નોર્બુની પોલીસે ઘટનાના થોડા દિવસો બાદ ધરપકડ કરી હતી, ન્યુયોર્કમાં ગ્રાહકે રેસ્ટોરન્ટ ફૂંકી પરંતુ તે છતાં તેને જામીન મળી ગયા હતા.
ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ સિક્યોરિટી કેમેરાના ફૂટેજમાં એક વ્યક્તિ રેસ્ટોરન્ટના સ્ટોરની સામે જ્વલનશીલ પ્રવાહી રેડતો જોવા મળ્યો હતો. થોડીક સેકંડ પછી આરોપી વ્યક્તિ નીચે નમીને આગ પ્રગટાવે છે, જેનથી વિસ્ફોટ થઇ જાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શંકાસ્પદ વ્યક્તિના જૂતામાં પણ આગ લાગી જાય છે અને તે ભાગી જાય છે. આગની જ્વાળાઓએ રેસ્ટોરન્ટની બારીઓ અને એર કન્ડીશનીંગ યુનિટને નુકસાન પહોંચાડ્યું હતું, જેની કિંમત આશરે $1,500 (રૂ. 1.24 લાખ) હોવાનો અંદાજ છે. રાહતની વાત એ છે કે ઘટના સમયે ત્યાં કોઈ હાજર નહોતું.
આગની ઘટના બાદ પોલીસે આરોપી નોરબુને કસ્ટડીમાં લીધો હતો. ‘ ન્યૂયોર્ક પોસ્ટ‘ અનુસાર, આરોપી નોર્બુએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું, “હું નશામાં હતો અને હું બાંગ્લાદેશી રેસ્ટોરન્ટમાં જમવા ગયો હતો. ત્યાં મેં ચિકન બિરયાનીનો ઓર્ડર આપ્યો. પરંતુ સ્ટાફ મારો ઓર્ડર ન લાવ્યો. તે પછી હું ગુસ્સે થઈ ગયો અને કાબૂ બહાર થઇ ગયો. હું ફરીથી ત્યાં કાળો પોશાક પહેરીને આવ્યો અને તેને ગેસોલિનથી આગ લગાવી દીધી.”
નોર્બુનો અગાઉનો કોઈ ગુનાહિત ઈતિહાસ ન ધરાવતો હોવાથી તેની ધરપકડના બીજા જ દિવસે (14 ઓક્ટોબર, 2022) કરાર થયા બાદ તેને જામીન વગર મુક્ત કરવામાં આવ્યો હતો. ક્વીન્સ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્નીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ કેસમાં કોઈ મોટી સજા નથી. જોકે, નોર્બુ ડિસેમ્બરમાં ફરીથી કોર્ટમાં હાજર થવાનો છે. અમેરિકાની આ ઘટનાએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.