વિશ્વભરમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે દેશમાં કોરોનાના તમામ પોઝિટિવ કેસોની જીનોમ સિક્વન્સિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા થોડા દિવસોથી ચીન, જાપાન અને અમેરિકા જેવા દેશોમાં કોરોના કેસોમાં ઉછાળો જોવા મળતા ભારત સરકારે આ આગત્યનો નિર્ણય લીધો છે.
આ વિષયમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક કરવામાં આવી હતી અને દરેક રાજ્યોને સુચના આપવામાં આવી હતી કે દરેક શક્ય કોરોનાના કેસોનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે તેમજ વિશ્વમાં ઘણા દેશોમાં જોવા મળી રહેલા કોરોનાના કેસોમાં ઉછાળાને પગલે સતર્ક રેહવા પણ જણાવાયુ હતું.
મુખ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર મોકલ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્યોને આ સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવે છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી કોરોનાના પોઝિટિવ કેસના સેમ્પલ નિયુક્ત INSACOG, જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીમાં દરરોજ મોકલવામાં આવે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દરેક સંભવ મદદ પૂરી પાડવામાં આવશે.
In view of the recent rising cases of COVID19 in some countries, Union Health Ministry has requested States/UTs to send samples of all #COVID19 positive cases to INSACOG labs to track new variants, if any.
— Ministry of Health (@MoHFW_INDIA) December 20, 2022
Health Ministry and INSACOG are keeping a sharp watch on the situation. pic.twitter.com/ODLTkFwsdH
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 112 નવા કેસ નોંધાયા છે. નવા કેસ આવવાને કારણે દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,76,199 થઈ ગઈ છે. દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા ઘટીને 3,490 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના કારણે વધુ ત્રણ દર્દીઓના મોત સાથે દેશમાં કુલ મૃત્યુઆંક વધીને 5,30,677 થઈ ગયો છે. મૃત્યુના નવા કેસોમાં કેરળમાં બે અને મહારાષ્ટ્રમાં એક દર્દીનું મોત થયું છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, સક્રિય દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસના 0.01 ટકા છે. તે જ સમયે, કોવિડ -19 થી સાજા થવાનો દર વધીને 98.8 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય દર્દીઓની સંખ્યામાં 69 નો ઘટાડો નોંધાયો છે.
ચીનમાં કોરોનાના વિસ્ફોટના કારણે સ્થિતિ ગંભીર બની ગઈ છે. સ્થિતિ એ છે કે હોસ્પિટલમાં લોકોને દાખલ કરવા માટે બેડ ઉપલબ્ધ નથી. ચીનમાં કોરોના સંક્રમણની ઝડપ એટલી ઝડપી છે કે 1 વ્યક્તિ 16 લોકોને કોરોનાથી સંક્રમિત કરી રહ્યો છે. કોરોનાના ઓમિક્રોન વેરીઅન્ટે ચીનમાં ભારે તબાહી મચાવી છે. ચીનમાં કોરોનાના ખળભળાટનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પૂર્વ ચીનની હોસ્પિટલોમાં મૃતદેહોના ઢગલા પડ્યા છે અને તેમનો અંતિમ સંસ્કાર કરવાવાળું પણ કોઈ નથી મળી રહ્યું. નિષ્ણાતોનું કહેવું છે કે આવતા વર્ષે માર્ચ સુધીમાં ચીનમાં કોરોનાથી 10 લાખ લોકોના મોત થવાની આશંકા છે.